મોરક્કોમાં એક સાથે જન્મેલા નવ ટેણિયાઓ અત્યારે શું કરે છે?

ઇન્ટરવલ

કવર સ્ટોરી-મૌસમી પટેલ

ચોથી મે, ૨૦૨૧ના મોરક્કોની હોસ્પિટલમાં એક સાથે નવ બાળકોને જન્મ આપીને મહિલાએ વર્લ્ડ રેકોર્ડ કરનારી મહિલા યાદ છે ને? આપણામાંથી ઘણા લોકોને આ સમાચાર યાદ પણ નહીં હોય, પણ આજે અહીં આ વાત કરવાનો હેતુ એટલો જ કે આજે આપણે અહીં વાત કરીશું કે એક વર્ષ બાદ એ બાળકો કઈ સ્થિતિમાં છે અને કેવું જીવન જીવી રહ્યા છે.
માલીના હલિમા સિસેએ ગયા વર્ષે મે મહિનામાં નવ બાળકોને જન્મ આપ્યો હતો અને માલિકી સરકારે તેમને વિશેષ કાળજી મળી રહે એ માટે મોરક્કો મોકલાવવાની વ્યવસ્થા કરી હતી. ૨૬ વર્ષીય હલીમા સિસેના પતિ અબ્દુલ કાદિર અર્બીએ પોતાના સંતાનો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે નવે-નવ શિશુઓની તબિયત એકદમ સાજી નરવી છે.
અબ્દુલ માલીના સૈન્યમાં કામ કરે છે. વાતનો દોર આગળ વધારતા તેઓ જણાવે છે કે બાળકો હવે ઘૂંટણિયે ચાલી રહ્યાં છે, કેટલાંક બાળકો બેસવા લાગ્યાં છે અને જો તેમને કોઈ વસ્તુનો સહારો મળે તો કેટલાંક ચાલે પણ છે.
આ તમામ બાળકોની સંભાળ મોરક્કોની એ જ હોસ્પિટલ રાખી રહી છે જ્યાં તેમનો જન્મ થયો હતો. બાળકોની સાથે સાથે તેમની માતા હલિમાની તબિયત પણ એકદમ સાજી છે. આમ તો નવ બાળકોનો ઉછેર કરવો એ સરળ વાત નથી, પણ હાલના તબક્કે તો બાળકો અને તેમના કામ મેનેજ થઈ જાય છે. ઘણી વખત થોડું થાકી જવાય છે. પણ જ્યારે અમે આ બધાને એક સાથે નિરાંતે ઊંઘતા કે મસ્તી કરતાં જોઈએ છીએ તો
બધો થાક, કંટાળો કે સ્ટ્રેસ એકદમ
ગાયબ થઈ જાય છે, બધી મુશ્કેલીઓ ભૂલી જવાય છે.
પિતા અબ્દુલ કાદિર અર્બી ૬ મહિનામાં પ્રથમ વખત તેમની ત્રણ વર્ષની મોટી પુત્રી સૌદા સાથે મોરક્કો પહોંચ્યા હતા અને તેમના પરિવારને મળીને તેઓ ખૂબ જ ખુશ છે. અબ્દુલ કાદિરે જણાવ્યું હતું કે ‘ક્લિનિકમાં કામ કરતી નર્સો અને પડોશીઓ સાથે તેઓ જન્મદિવસની નાનકડી ઉજવણી કરી હતી. બાળકોની પ્રથમ વર્ષગાંઠથી ઉત્તમ બીજું કશું નથી. અમે આજીવન આ ક્ષણને યાદ રાખીશું જેને અમે હમણાં જ અનુભવી હતી. ૪ મે ૨૦૨૧ના રોજ બાળકોના જન્મ પહેલાં હલીમા સિસેને માલી સરકાર દ્વારા નિષ્ણાતોની દેખરેખ હેઠળ મોરક્કો મોકલવામાં આવ્યાં હતાં, જેથી તેને
વધુ સારી સારવાર અને તબીબી સુવિધાઓ મળી શકે.
હલિમાની જેમ એક સાથે એક કરતાં વધુ બાળકોને જન્મ આપનારી પ્રસૂતિ માત્ર નવજાત શિશુ જ નહીં પણ માતા માટે જોખમી બની જાય છે. જે દેશોમાં ગર્ભપાત કાયદેસર છે, ત્યાં મહિલાઓને તેઓ એકસાથે ચારથી વધુ બાળકોનો ગર્ભ ધારણ ન કરે એવી સલાહ આપવામાં આવે છે. આવી મોટા ભાગની ગર્ભાવસ્થામાં બાળકો સમય પહેલાં જન્મે છે, હલિમા સિસેના કિસ્સામાં પણ આવું જ થયું હતું.
સમય પહેલાં જ જન્મ લેનાર બાળકોને પ્રિમેચ્યોર કહેવામાં આવે છે અને આવા બાળકોની સરખામણીએ રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે, તેમને ઈન્ફેક્શન થવાની શક્યતા સૌથી વધુ હોય છે. ઘણા કિસ્સામાં તો બાળકોના મગજનો યોગ્ય વિકાસ નથી થતો અને તેમાં કોઈને કોઈ ખામી રહી જાય છે.
અત્યારે તો હલિમા અને બાળકો જે ફ્લેટમાં તેમનો જન્મ થયો હતો એ ફ્લેટમાં જ રહે છે અને અબ્દુલ તેને ‘મેડિક્લાઈઝ્ડ ફ્લેટ’ તરીકે ઓળખે છે. કાસાબ્લૈંકાનો આ ફ્લેટ એન બોર્જા ક્લિનિકના માલિકોનો છે અને અહીં બાળકોની વિશેષ સંભાળ લેવામાં આવે છે.
બાળકોના પિતા કહે છે કે ‘મારી પત્ની ઉપરાંત, અહીંની નર્સો બાળકોની સંભાળ લેવામાં મદદ કરે છે. હોસ્પિટલે આપેલા મેનુ મુજબ બાળકોને સમય સમય પર ભોજન આપવામાં આવે છે.’
માલીના સ્વાસ્થ્યમંત્રી ફૈંટા સિબીના જણાવ્યા અનુસાર, ૩૦ અઠવાડિયાંના ગર્ભધારણ બાદ હલિમાએ પાંચ પુત્રી અને ચાર પુત્રને જન્મ આપ્યો હતો. જ્યારે એન બોર્જા ક્લિનિકના મેડિકલ ડિરેક્ટર પ્રોફેસર યુસૂફ અલાઉઈએ જન્મ સમયે એક સ્થાનિક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે જન્મેલા નવજાતોનું વજન ૫૦૦ ગ્રામ અને ૧ કિલોગ્રામની વચ્ચે હતું અને આ એક સિઝેરિયન ડિલિવરી હતી.
હલિમા અને અબ્દુલે પુત્રોનાં નામ મોહમ્મદ છઠ્ઠા, ઓઉમર, એલ્હાદજી અને બાહ જ્યારે પુત્રીનાં નામ કદીદિયા, ફાતૌમા, હવા, અદામા અને ઓઉમૌ રાખ્યા છે. અબ્દુલનું કહેવું છે કે ‘દરેક બાળકની એક અલગ પર્સનાલિટી છે. જેમાંથી કેટલાંક શાંત છે, જ્યારે કેટલાંક ખૂબ તોફાની છે, તેઓ સતત અવાજ કરે છે, રડે છે તો વળી અમુક બાળકની એવી ઈચ્છા હોય છે કે તેમને સતત ખોળામા રાખીને જ રમાડવામાં આવે. બધાં બાળકો એકબીજાથી અલગ અને એકદમ તંદુરસ્ત છે.’
માલીની સરકારે પરિવારને જે મદદ કરી છે તેના માટે પિતા આભારી છે. પિતા કહે છે, ‘બાળકો હજી માલી ગયાં નથી, પરંતુ દેશમાં તેમના વિશે ઘણી ચર્ચા છે. પરિવારજનો, મિત્રો બધા જ બાળકોને જોવા માગે છે.’ જન્મ સમયે સૌથી વધુ બાળકો જીવિત રહેવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ હલીમા સિસેના નામે છે.
આ પહેલાં વર્ષ ૨૦૦૯માં અમેરિકામાં રહેતાં એક મહિલાએ એક સાથે આઠ બાળકોને જન્મ આપ્યો હતો, તેનું નામ સૌથી વધુ બાળકો પેદા કરવા બદલ ગિનીસ બુકમાં સામેલ કરવામાં આવ્યું હતું. અગાઉ પણ આવા બે કિસ્સા સામે આવ્યા હતા. ૧૯૭૧માં ઑસ્ટ્રેલિયામાં એક મહિલાએ નવ બાળકોને જન્મ આપ્યો હતો અને ૧૯૯૯માં ઈન્ડોનેશિયામાં પણ એક મહિલાએ નવ બાળકોને જન્મ આપ્યો હતો, પરંતુ આ બાળકો માત્ર થોડા દિવસો જ જીવિત રહી શક્યાં હતાં. વર્લ્ડ રેકર્ડધારક નાદિયા સુલેમાને આઠ બાળકોને જન્મ આપ્યો હતો અને તે બાળકો આજે ૧૨ વર્ષનાં થયાં છે, આ ગર્ભાવસ્થા ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઈવીએફ) દ્વારા હાથ ધરવામાં આવી હતી…
કંઈ પણ કહો, ભાઈસા’બ એક સાથે
નવ બાળકોને જન્મ આપવો અને તેમને એકસમાન ઉછેરવા એ કંઈ ખાવાના ખેલ
તો નથી જ, પણ હલિમા અને અબ્દુલે સાબિત કરી આપ્યું છે કે જો મનમાં એક વખત કંઈ કરી લેવાનો નિર્ધાર કરવામાં આવે તો પછી કોઈ જ વસ્તુ અશક્ય કે અસંભવ નથી જ!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.