ધીમી અને મક્કમ ગતિએ વિકસી રહેલી ભારતની ફાસ્ટેસ્ટ ઈકોનોમી

ઉત્સવ

કવર સ્ટોરી-જયેશ ચિતલિયા

જીડીપીનો વૃદ્ધિ દર ઊંચે જવાનાં કારણો, પરિબળો અને સંભવિત ભાવિ પડકારો
——————-
ક ભારત સામે અઢળક તકોની સાથે અનેક પડકારો પણ ક શૅરબજારના ઈન્ડેકેસને હાલ બેરોમીટર ગણતા નહીં
ક સૌથી વધુ ચિંતા ગ્લોબલ સંજોગોની અને અનિશ્ર્ચિતતાની
ક બીજા દેશોની નબળાઈ ભારત માટે નવી તક ક આ દાયકો જ નહીં, આ સદી ભારતની રહેશે
———————
લગભગ મોટાભાગના દેશોમાં આર્થિક સમસ્યાઓ-પડકારો પ્રવર્તી રહ્યા છે ત્યારે માત્ર ભારત જ એક એવો દેશ છે, જેનું અર્થતંત્ર ધીમું તો ધીમું દોડી રહ્યું છે. દેશના અગ્રણી આર્થિક નિષ્ણાત એવા એચડીએફસીના ચેરમેન દીપક પારેખે તાજેતરમાં બે વખત ભારતીય અર્થતંત્ર માટે ઊંચો આશાવાદ દર્શાવતા વિધાનો કર્યા એ હવામાં નથી કે સરકારને રાજી કરવા માટે નથી, અલબત્ત, તેમણે ભારત ઉપરાંત મોદી માટે પણ કહ્યું છે કે છેલ્લા આઠ વરસમાં મોદી સરકારે જે કામ કર્યા છે તે અસાધારણ છે, મોદી હજી બે ટર્મ માટે રહેવા જોઈએ, તેમનું આ વિધાન રાજકીય નહી, કિંતુ આર્થિક વિકાસના અર્થમાં છે. એક વધુ વાત, ઘણાં નિષ્ણાતો કહે છે, આ દાયકો ભારતનો છે, પણ તાજેતરમાં ગ્લોબલ રિસર્ચ સંસ્થા મેકેન્સિ એન્ડ કંપનીના સીઈઓ બોબ સ્ટર્નફેલ્સએ તો ત્યાં સુધી કહ્યું છે કે ભારતનો માત્ર દસકો જ નથી, આ સદી ભારતની છે. શું તમને આ બધા આશાસ્પદ વિધાનોમાં અતિશયોકિત લાગે છે? તેમણે એવું પણ ઉમેર્યુ છે કે ભારત એક ફયુચર ટેલેન્ટ ફેકટરી છે, ૨૦૪૭ સુધીમાં તો વિશ્ર્વના વર્કિંગ પોપ્યુલેશનમાં ભારતના લોકોનો હિસ્સો ૨૦ ટકા જેટલો હશે. આ તમામ વિધાનના મામલે ભિન્ન મત કે અભિપ્રાય હોઈ શકે, પરંતુ એક વાત ધીમે-ધીમે સ્પષ્ટ થતી જાય છે કે ભારત ઉજજવળ ભાવિ દિશા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ભારત સ્ટેબિલિટી સાથે વિકાસના માર્ગે આગળ વધી રહ્યું હોવાથી વિશ્ર્વના ઈન્વેસ્ટર્સ અને બિઝનેસમેન વર્ગનું ધ્યાન પણ ધીમે-ધીમે ભારત તરફ વધતું જાય છે.
ભારતનું અર્થતંત્ર ઝડપથી દોડી રહ્યું છે, સુધરી રહ્યું છે, વૃદ્ધિ પામી રહ્યું છે એવી ચર્ચા આર્થિક ક્ષેત્રમાં ચાલી રહી છે. તાજેતરમાં જાહેર થયેલા દેશના અર્થતંત્રના વિકાસદરના આંકડા, જેને આપણે જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ) કહીએ છીએ, આ આંકડો ઉત્પાદન તેમ જ સર્વિસીસ ક્ષેત્રે થયેલા વિકાસનો સત્તાવાર સંકેત આપે છે. એપ્રિલથી જુન ૨૦૨૨ ના કવાર્ટરમાં થયેલો દેશનો જીડીપી દર ૧૩.૫ ટકાની વૃદ્ધિ પામ્યો છે, આ ઊંચી વૃદ્ધિ ગણાય છે, જો કે રિઝર્વ બૅંકની ધારણા આના કરતા પણ ઊંચી હતી, જે ફળી નથી. બીજીબાજુ કેટલીક ગ્લોબલ સંસ્થાઓ ભારતના આર્થિક વિકાસને બિરદાવે છે તેમ જ અમુક સંસ્થાઓ આગામી સમયમા આ વૃદ્ધિ દર નીચો જવાની ધારણા કે આગાહી પણ કરે છે. આ જીડીપીની વૃદ્ધિમાં એક નબળાઇ એ કહી શકાય કે સર્વિસ સેકટરનો ફાળો મોટો રહ્યો છે, જયારે કે ઉત્પાદન ક્ષેત્રનો ફાળો મોટો રહેવો જોઈએ. અલબત્ત, જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરનો ગ્રોથ વધુ મજબૂત રહેવાના સંકેત મળતા થયા છે. જોકે આમાં શેરબજારની વધઘટને કે ઈન્ડેકસને બેરોમીટર ગણવાની જરૂર નથી, બજારની ગતિ ન્યારી હોય છે. આર્થિક ડેટા ફંડામેન્ટલ્સ સાથે સીધો સંબંધ ધરાવે છે.
જરા બીજા દેશોની દશા તો જુઓ
ભારતની ઈકોનોમીને હાલ ફાસ્ટેસ્ટ ઈકોનોમી કહેવામાં આવે છે અને આર્થિક આંકડાઓ આની સાક્ષી પૂરે છે. હાલ યુએસએ અને ચીન જેવા મહારથી રાષ્ટ્રો સંઘર્ષ કરી રહ્યાં છે. મોંઘવારી, રોજગાર, ડીફોલ્ટ, વ્યાજદરો સહિત અનેકવિધ સમસ્યા સામે લડી રહ્યાં છે. બ્રિટન સહિત યુરોપ પણ સતત સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યું છે. પાકિસ્તાન અને શ્રીલંકાની દયનીય હાલત ચર્ચામાં જ છે. જયાં મોંઘવારી સહિત અનેક ગંભીર સમસ્યામાં સમગ્ર દેશ-સરકાર-પ્રજા સહન કરી રહ્યા છે. ચીન કોવિડમાંથી હજી પૂર્ણપણે બહાર આવ્યું નથી, તેની આ પીડા ચાલુ છે. તેની રિયલ એસ્ટેટની માર્કેટની દશાના અહેવાલ જગચર્ચાનો વિષય બનતો રહ્યો છે. ત્યાં નાદારી કે ડિફોલ્ટના આંકડા આઘાતજનક છે. બૅંકોની બહાર તોપો મૂકવી પડે એવી સ્થિતિને કઈ રીતે વર્ણવવી? તેનો શું અર્થ કરવો? યુએસએ કોવિડ મામલે લિટરલી નબળું સાબિત થયું હતું, હવે તે ૪૦ વરસની ઊંચામાં ઊંચી મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. તેની રિઝર્વ બેંક (ફેડરલ રિઝર્વે) ને આક્રમક બની વ્યાજદર વધારવાની ફરજ પડી છે. ચીન હાલ તાઈવાનના માથે લટકતી તલવાર બની બેઠું છે. તેના યુએસ સાથેના સંબંધો પણ કાયમની જેમ તનાવગ્રસ્ત રહ્યા છે, દુકાળમાં અધિક માસ (માત્ર એક નહીં, ઘણા માસ) રશિયા અને યુક્રેનની સમસ્યાનો ઉકેલ થયો કે નહી એ હજી રહસ્યનો વિષય છે. ગેસના, ક્રૂડના, અનાજના ભાવોની મારામારી વિશ્ર્વને હચમચાવી રહી છે. આ બધાં દેશોની સામે તુલના કરીએ તો ભારતની સ્થિતી બહેતર હોવાનું તો સાબિત થાય છે. ભારતીય અર્થતંત્ર અને તેના ઈકોનોમિક રિફોર્મ્સ (સુધારાની નીતિઓ) વિકાસલક્ષી પરિણામ આપી રહયા છે. આપણે ગયા વખતે પણ ચર્ચા કરી હતી કે ભારતે આગામી ૨૫ વરસમાં વિકસિત દેશ તરીકે સ્થાન બનાવવાનું વિઝન અને મિશન બનાવ્યું છે. તેમ છતાં આપણા જ દેશના ચોકકસ વર્ગને ભારતની પ્રગતિ ખોટી-બનાવટી અને પબ્લિસિટી સ્ટંટ જેવી લાગે છે, તેઓ કમસે કમ બીજા દેશોની વર્તમાન દશા અને ભાવિ દિશા જાણવાનું કષ્ટ લે તો સત્ય સમજી શકે.
આર્થિક આંકડાઓ-વિગતો પર નજર
દેશના ફાઈનાન્સ સેક્રેટરીના મતે ભારત વરસ ૨૦૨૨-૨૩માં ૭ થી ૭.૫ ટકાના દરે આર્થિક વિકાસ હાંસલ કરશે. ૨૦૨૧-૨૨ માં તેણે ૮.૭ ટકાનો ગ્રોથ કર્યો હતો, ચાલુ નાણાંકીય વરસ માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) એ ભારતનો જીડીપી દર ૭.૪ ટકા રહેવાનો અંદાજ મૂકયો છે. ગ્લોબલ અનિશ્ર્ચિતતા અને પડકારો વચ્ચે આ વિકાસ નોંધપાત્ર અને ઉલ્લેખનીય ગણાય. જોકે દેશની રાજકોષીય ખાધ એપ્રિલથી જુલાઇમાં ૨૦.૫ ટકા રહી છે, રાજકોષીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ) એટલે દેશના ખર્ચ અને આવક વચ્ચેનો ફરક. અહી એ નોંધવું પણ મહત્વનું છે કે એપ્રિલથી જુનમાં દેશમાં ખાનગી ખર્ચમાં ૨૫ ટકા જેટલો વધારો થયો છે. આ ઘટના સકારાત્મક સંકેત આપે છે. જોકે હવે જાહેર ખર્ચમાં વધારો અપેક્ષિત છે. સરકારે રોજગાર સર્જન પર ભાર આપવાની જરૂર છે. વિદેશી મૂડીને વધુ પ્રમાણમાં આકર્ષવાની આવશ્યકતા છે. બાકી વિવિધ સકારાત્મક બાબતો જોઈએ તો વ્યાજદર અને ફુગાવાના દરને સંભવત અંકુશમાં રાખી શકાયો છે, ઓગસ્ટમાં જીએસટીનું કલેકશન ઊંચું જ રહ્યું છે, ફયુઅલની ડિમાંડ અને પેસેન્જર વાહનોની ડિમાંડ જળવાઇ રહી છે, રોજગારની તકો વધતી રહી છે. આ સામે પડકારો કે જોખમોની ઉપેક્ષા થઈ શકે નહીં. સૌથી મોટું જોખમ ગ્લોબલ નબળાઇ અને અનિશ્ર્ચિતતા છે, ઈન્ફલેશનની ચિંતાને સાવ અવગણી શકાય નહીં, કડક નાણાં નીતિ પણ પડકાર સમાન કહેવાય.
ડિફેન્સ સેકટરનો ડંકો વાગશે
ભારતનો ઉત્પાદનનો ગ્રોથ ધારણા કરતા નીચો રહ્યો છે. મેક ઈન ઈન્ડિયાને હજી અપેક્ષિત સફળતા મળી નથી, જોકે દેશના ડિફેન્સ સેકટરને મળી રહેલી સફળતાની કથાઓ બહાર આવતી રહી છે, આ સેકટરમાંથી મોટેપાયે નિકાસ વૃધ્ધિ થઈ છે. આ સંજોગોમાં સરકારે ડિફેન્સ સેકટરમાં સ્વદેશીકરણ માટેના દરવાજા વધુ ખુલ્લા કર્યા છે. સરકારે ૭૮૦ આઈટમ્સ ભારતમાં ઉત્પાદન પામે અને વિકાસ કરે એ માટે ખાનગી ક્ષેત્રને આવકાર્યુ છે. ખાનગી કંપનીઓ માટે આ ભવ્ય તક ગણાય. સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે દેશની આયાત નિર્ભરતા ઘટાડવાનો હેતુ પણ આ સાથે વિશેષરૂપે રાખ્યો છે. સરકારે જે ડિફેન્સ સાધનો ફરજિયાત ભારતના એકમો પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખ્યો છે તેની યાદી જાહેર કરી દીધી છે. આ માટે ઉત્પાદન એકમોને પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ્સ) ની સુવિધા ઓફર પણ કરાઈ છે.
લેટેસ્ટ અહેવાલ મુજબ બ્રિટન આર્થિક મોરચે ભારત કરતા પાછળના ક્રમે આવી ગયું છે. હાલ બ્રિટન પણ રિસેશન તરફ આગળ વધી રહ્યું છે. તે સૌથી વિશાળ અર્થતંત્રમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. ત્યાં પણ મોંઘવારી માઝા મૂકી રહી છે.
કહેવાય છે કે તમામ વિકસિત દેશોની આર્થિંક દુર્દશા યા રિસેશન ભારત માટે લાભદાયી છે
——————-
સામાન્ય માનવી માટે પોતાનો જીડીપી મહત્ત્વનો
ખૈર, દેશનો જીડીપીનો વધારો સારી બાબત છે, દેશ આર્થિક વિકાસના પંથે આગળ -ઊંચે જઈ રહ્યો છે, કિંતુ સામાન્ય પ્રજા માટે સવાલ એ રહે છે કે તેની પોતાની વૃદ્ધિનું શું? એ શું પામી રહી છે? જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાના શબ્દોમાં કહીએ તો સામાન્ય માણસ માટે પોતાનો જીડીપી મહત્ત્વનો છે, જે છે તેના ગોલ્સ અને ડેવલપમેન્ટ પ્લાન- (જી-ગોલ્સ, ડી-ડેવલપમેન્ટ, પી-પ્લાન). આર્થિક જગતમાં સામાન્ય માનવી માટે તેના જીવનના ગોલ્સ (ધ્યેય) અને વિકાસની યોજના સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. તેની માટે દેશના જીડીપી કરતા પોતાના જીડીપીની ચિંતા વધુ અગત્યની છે. અલબત્ત, દેશ વિકાસ કરે તો સામાન્ય પ્રજાને તેના લાભ મળ્યા વિના રહે નહીં. પરંતુ સૌથી વધુ લાભ કોને મળે અને સૌથી ઓછો લાભ કોને મળે છે એ સમજાવાની જરૂર છે ખરી? તેમ છતાં આ ગ્રોથ સ્ટોરીમાં મહેનત અને આઈડિયા-ઈનોવેશન-ફોકસ સાથે સામાન્ય માનવી પણ પોતાની માટે તકો ઊભી કરી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.