Homeતરો તાજાસ્વોટ નહીં, સ્વેટ એનાલિસિસ: પરસેવાનું પૃથક્કરણ - બીમારીની પહેચાન!

સ્વોટ નહીં, સ્વેટ એનાલિસિસ: પરસેવાનું પૃથક્કરણ – બીમારીની પહેચાન!

કવર સ્ટોરી – અભિમન્યુ મોદી

પરસેવો. ન ગમતું પ્રવાહી છે અને ન ગમતો શબ્દ પણ. (બાય ધ વે, જે ગુજરાતી લોકો પરસેવાને પસીનો કહે છે તે હિન્દી શબ્દ છે, ગુજરાતી નહીં જ નહીં!) ચામડીમાંથી નીકળતું આ પાણી જેવું પ્રવાહી ગરમીનું સૂચક છે. ગરમી થાય એટલે પરસેવો થાય. આ પરસેવો ચીકણો અને ગંધયુક્ત હોવાના કારણે ગમતો નથી પણ એટલું યાદ રાખવું કે આ પરસેવાને કારણે જ મનુષ્ય વાંદરામાંથી માણસ સુધીની ઉત્ક્રાંતિ કરી શક્યો છે. ગરોળી કે સાપને પરસેવો ન થાય. સરીસૃપ જીવોમાં શરીરને ઠંડું રાખવાની સગવડ નથી. એ માણસમાં છે અને બીજા સસ્તન વર્ગના જીવોમાં છે. તો તે લોકો ગરમીનો નિકાલ કરી શકે છે અને ઠંડા રહી શકે છે.
આ ઉનાળામાં પરસેવાથી બચવા જ તો બધા એ.સી. માં બેઠા રહે છે. પરસેવો કેમ થાય અને પરસેવો ઓછો થાય એના માટે શું કરવું એ આપણે પછી જોઈએ પણ પરસેવા ઉપર હમણાં નવું સંશોધન થયું છે એ મજાની વાત છે.
સ્વોટ એનાલિસિસ. મેનેજમેન્ટ કર્યું હોય કે કોર્પોરેટમાં કામ કરતા હોય એમણે સ્વોટ એનાલિસિસ શબ્દપ્રયોગ સાંભળ્યો જ હોય. સ્વોટ એનાલિસિસ એટલે સ્ટ્રેંથ, વિકનેસ, ઓપોર્ચ્યુંનિટિઝ અને થ્રેટ. કોઈ સ્ટાર્ટ – અપ શરૂ કરવું હોય કે નવી બિઝનેસ સ્ટ્રેટેજીનો અમલ કરવો હોય ત્યારે આવું સ્વોટ એનાલિસિસ કરવામાં આવતું હોય છે. શરીરવિજ્ઞાનની મેડિકલ શાખામાં નવું સંશોધન નીકળ્યું છે – સ્વેટ એનાલિસિસ. જેમ યુરિન ટેસ્ટ હોય, બ્લડ ટેસ્ટ હોય, સ્ટૂલ ટેસ્ટ પણ હોય એમ હવે સ્વેટ ટેસ્ટ પણ થશે. પરસેવાનું પૃથ્ક્કરણ કહી બતાવશે કે પેશન્ટને શું શું તકલીફો છે. કારણ કે પરસેવો આખાય શરીરમાંથી નીકળે છે. પરસેવો શરીરના છીદ્રોમાંથી નીકળતો રહે છે. માનવશરીરની ચામડીમાં પચાસ લાખ કરતાં વધુ છિદ્રો છે. એ બધા છિદ્રો ગરમીના નિકાલ માટે પાણી અને એમાં ભળેલાં દ્રવ્યોને બહાર કાઢે છે. એનો રિપોર્ટ હવે કામ લાગશે.
આ સ્વેટ એનાલિસિસ થાય કઈ રીતે? મેડિકલ સાયન્સમાં હરહંમેશ આગળ રહેતું અમેરિકા પરસેવાના સંશોધન ખાતે પણ આગળ છે. ત્યાંની હવાઈ યુનિવર્સિટીની મનોઆ કોલેજ ઓફ એન્જિનિયરિંગે ‘સ્વેટેનેઇર’ નામનું ડિવાઈસ બનાવ્યું છે. આ ડિવાઇસ પહેરી શકાય એવું છે. તે થ્રી-ડી પ્રિન્ટેડ સ્વેટ સેન્સર છે. જેમ બાળક પેલા સ્ટીકર વાળા ટેટૂ કરે એવું જ આ સ્વેટ સેન્સર હોય છે. તે પરસેવાની અમુક બુંદો કલેકટ કરીને તેને એનેલાઈઝ કરે. શરીરમાં પાણી ઓછું થઈ ગયું છે, બીપી વધી ગયું છે, સુગર ઘટી ગઈ છે એવા ઘણા રીડિંગ આ સ્વેટેનેઇર આપે છે. થોડા સમયમાં આ ટેકનોલોજી એટલી વિકસી ગઈ હશે કે કદાચ પ્રાથમિક તપાસમાં બીજા કોઈ ટેસ્ટની જરૂર જ નહિ પડે. ડૉકટર સ્વેટ એનાલિસિસના રિપોર્ટ ઉપરથી જ દવા આપી દેશે.
જોકે રોજબરોજની જિંદગીમાં પરસેવો તકલીફ સાથે છે. ઠંડા હવાદાર કે એરકન્ડિશન્ડ વાતાવરણમાં પણ કપાળે પરસેવાના ટીપા વળી જવા, હાથ-પગ ભીના થઇ જાય કે બગલમાંથી પરસેવો ખૂબ નીકળે ત્યારે શારીરિક ઉપરાંત માનસિક-સામાજિક સમસ્યા સર્જાતી હોય છે. શર્ટમાં, ટોપમાં બગલમાંથી વહેતા પરસેવાની ભીનાશ-ડાઘ દેખાવાથી અભ્યાસ, કામકાજની જગ્યાએ શરમ, સંકોચ અને આત્મવિશ્ર્વાસનો અભાવ જેવી માનસિક સમસ્યાઓ પણ સર્જાય છે. કાર કે સ્કૂટર ભીની હથેળીઓથી ચલાવવામાં મુશ્કેલી સર્જે છે. કાગળ ઉપર લખવામાં પણ તકલીફ થતી હોય છે.
મેડિકલ સાયન્સ પાસે પરસેવો ન થાય એની કોઈ દવા નથી. કારણ કે પરસેવો થવો એ તંદુરસ્તીની નિશાની છે. હા, હદ બહાર પરસેવો થવા લાગે તો એ કોઈ બીમારીનું લક્ષણ ગણી શકાય. અતિ પરસેવો ખરાબ છે . આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં આ માટે કોઈ વિશેષ ઉપચાર નથી. એન્ટીપર્સપિરન્ટ લોશન, સ્પ્રે કે બહુ તીવ્ર તકલીફ હોય ત્યારે એન્ટીકોલીનરજીક્સ દવાઓ આપવામાં આવે છે. દવાઓથી શરીરની સ્વયંસંચાલિત તાપમાનનું નિયમન કરતી ક્રિયાઓને અસર થતી હોવાથી ડૉક્ટર દ્વારા વધુ તાપમાન, વધુ શારીરિક શ્રમ જેવી પરિસ્થિતિ દરમ્યાન સાવચેત રહેવા જણાવાય છે. પરસેવો ખૂબ વળતો હોય ત્યારે શાંત બેસવું જોઈએ.
વધુ પ્રમાણમાં પરસેવો થઇ હથેળી-પગના તળિયા ખૂબ ભીના રહેતા હોય તેવા સંજોગોમાં સામાન્ય ઉપચાર સાથે સ્વયંની પ્રકૃતિ, ખોરાક, લાઈફ સ્ટાઈલ વિશે વૈદ દ્વારા પરીક્ષણ-સૂચનોનું પાલન કરવું જરૂરી છે. માત્ર તજાગરમી સમજી અને ઠંડકનો ઉપાય કરવાથી પરિણામ મળતું નથી. યુવાનીમાં પ્રવેશ કરતા કિશોરીઓ-કિશોરોના શરીરમાં થતાં વિકાસ અને બદલાવ સાથે ભણતર અને કારકિર્દીનું પ્રેશર જેવાં કારણો પણ અવગણી ન શકાય. આથી જ પોતાની સમસ્યા વિશે વિના સંકોચ જણાવી અને ઉપાયો વિશે જાણી શકે તેવા તબીબની દેખરેખમાં ઉપાયો કારગર નીવડે છે. સારા ડૉકટર તેનું સચોટ નિદાન કરશે.
બહુ પરસેવો ન વળે તેના માટે શું કરવું? અઠવાડિયામાં ૧ કે ૨ વખત ચંદનબલાલાક્ષાદિ તેલનું માલિશ કરવું. ઉબટન માટે લોધ્ર, સૂકા લીમડાના પાન, જાંબુ-આંબાનાં સૂકા પાન, કપૂર કાચલીનું ચૂર્ણ, હળદર-દારૂહળદરનું ચૂર્ણ સરખાભાગે ભેળવી, ગુલાબજળમાં લેપ બનાવી ચામડી પર અવળી દિશામાં હલકા હાથે ઘસવું. ત્યારબાદ ન્હાવું. ઊંડા શ્ર્વાચ્છોશ્ર્વાસ, સ્વિમિંગ, જીમિંગ, યોગાસન, ડાન્સ, મ્યુઝિક જેવી શારીરિક-માનસિક આરોગ્ય સુધારે તેવી ઈતર પ્રવૃત્તિ કરવી. સમયાભાવ અને અન્ય કારણોની આડમાં જીવનની જીવંતતા માટે જરૂરી પ્રવૃત્તિ ટાળવી નહીં. આ બધી પ્રવૃત્તિની સીધી સારી અસર નાડીતંત્રની સ્વસ્થતા પર પણ થાય છે.
ધાણા-વરિયાળી સરખા ભાગે ભેળવી બનાવેલ ૩ ગ્રામ ચૂર્ણ ૧ ગ્લાસ પાણીમાં રાતભર પલાળી રાખેલું પાણી સવારે ખાલી પેટે પીવું. તાજા લીલા શાકભાજી, ખીરા કાકડી-અન્ય સલાડ, પાતળી મોળી છાશ, ઓછા મરચાં-મસાલા નાખેલી વાનગીઓનો ખોરાકમાં ઉપયોગ કરવો. ઋતુ પ્રમાણેનાં ફળો કાપીને તાજા ખાવા. લીંબુનું શરબત, નારિયેળ પાણી, જવનું પાણી બપોરે-સાંજે અનુકૂળતા મુજબ ૧ થી ૨ ગ્લાસ પીવું.
શરીરમાં ઠંડક રાખવી. બહુ ગરમ મસાલા, તેજાના કે ખૂબ વધુ માત્રામાં ડુંગળી, બટેટા, લસણ લેવામાં આવે તો પરસેવો વધુ થશે. એ પણ દુર્ગંધયુક્ત પરસેવો થશે. સમતોલ આહાર અને સૌમ્ય ખોરાક પરસેવામાંથી દુર્ગંધ દૂર કરશે અને પરસેવાની માત્રા ઘટાડશે. મગજ ઠંડું રાખવું એ બેસ્ટ ઉપચાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -