શું વાતાવરણ પર નિયંત્રણ શક્ય છે?

ઇન્ટરવલ

કવર સ્ટોરી-દર્શના વિસરીયા

જુલાઈ મહિનામાં વાતાવરણ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)ના લોકોની પરીક્ષા લેવાના મૂડમાં હતું. સામાન્યપણે વાતાવરણ ગરમ અને શુષ્ક હોય છે, પરંતુ આ વખતે કહાણીમાં ટ્વિસ્ટ આવ્યું અને એનું કારણ હતું મુશળધાર વરસાદ… મુશળધાર વરસાદ બાદ પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી અને તેમાં આશરે સાત લોકોનાં મૃત્યુ થયાં. એક વિસ્તાર તો એવો પણ હતો કે જ્યાં એક જ દિવસમાં એટલો વરસાદ પડ્યો જેટલો આખા વર્ષમાં નથી પડતો. યુએઈએ જ્યારથી વરસાદનું પ્રમાણ વધારવા માટે કૃત્રિમ પ્રયાસો અપનાવવાનુું શરૂ કર્યું છે ત્યારથી આવી ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. જોકે જુલાઈ, ૨૦૨૨માં પડેલા વરસાદમાં તેની કેટલી મહત્ત્વની ભૂમિકા છે એના વિશેની કોઈ જ માહિતી હજી સુધી મળી શકી નથી. વાતાવરણમાં ફેરફારો કરવાનો પ્રયાસ કરનાર યુએઈ એકમાત્ર દેશ નથી. અનેક બીજા દેશો પણ આવું કરે છે અને તેના પર વિવાદો પણ થતા રહે છે. પરિણામો અને તેના હેતુ સામે પણ કેટલીય વાર સવાલો ઉઠાવવામાં આવે છે. આ બધું જોતાં હવે લાખ રૂપિયાનો સવાલ એ છે કે શું આપણે વાતાવરણ, ઋતુઓ પર કાબૂ કરી શકીએ છીએ ખરા?
આ વિશે વાત કરતાં હવામાનના નિષ્ણાત ડૉ. રૉબર્ટ થૉમ્પસન કહે છે કે વાતાવરણ કેવી રીતે તૈયાર થાય છે એ વાતને સમજવું ખૂબ જ સરળ છે. આપણી ધરતી સૂર્યના માધ્યમથી ગરમ થાય છે અને એનાથી આપણને ખૂબ ઊર્જા મળે છે. સૂરજ ધરતીના બધા જ સ્તરને એક સરખા ગરમ નથી કરતો અને આ તફાવતને કારણે જ હવામાનમાં પલટો જોવા મળે છે.
તાપમાન નક્કી કરવામાં વાતાવરણનું દબાણ,
ભેજ અને વાદળ બંધાવાની સ્થિતિની ભૂમિકા
સૌથી મહત્ત્વની હોય છે. આ વિશે વધુ વાત કરતાં ડૉ. રૉબર્ટ જણાવે છે કે વાદળના મોટા ભાગના હિસ્સામાં હવા જ હોય છે, તેમાં પાણી કે બરફનાં ટીપાં પણ હોય છે. જ્યારે પાણીનાં ટીપાં મોટાં થઈ જાય છે, ત્યારે તે ટપકવા લાગે છે અને આ રીતે વરસાદ
આવે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે લોકોએ જેટલી આશા રાખી હતી એનાથી વધારે જ તોફાનો આવ્યાં હતાં અને એમાં પણ અમુક વિસ્તાર તો એવા પણ હતા કે જ્યાં તોફાન આવવાની શક્યતા લગભગ નહીંવત્ હતી કે પછી અસામાન્ય હતી એ ઘટના. મોસમનો આ બદલાતો મિજાજ ચોક્કસ જ ચોંકાવનારી બાબત છે અમારા લોકો માટે.
મોસમનું બગડેલું રૂપ ખાલી વધતા તાપમાનના રૂપમાં જ સામે નથી આવી રહ્યું અને એ વાત ડૉ. રૉબર્ટ જર્મની અને બેલ્જિયમમાં ગયા વર્ષે ઉનાળામાં આવેલા પૂરનું ઉદાહરણ આપીને સમજાવે છે. તેઓ કહે છે કે પૂર ચેતવણી આપી રહ્યાં છે, ક્લાઇમેટ ચેન્જને કારણે મુશ્કેલીઓ હજી પણ વધી શકે એમ છે. ગરમ હવા જ્યારે તોફાનનું સ્વરૂપ ધારણ કરી લે છે ત્યારે મોટા ભાગે જોખમમાં મૂકી દે એટલા પ્રમાણમાં વરસાદ
પડે છે.
હવે સવાલ એ છે કે આવનારા સમયમાં શું જોવા મળી શકે કે પછી વાતાવરણમાં કેવાં કેવાં અને કેટલાં પરિવર્તનો જોવા મળી શકે છે? તો આ સવાલનો જવાબ આપતાં રૉબર્ટ જણાવે છે કે ખરાબ સમાચાર… જળવાયુ પરિવર્તન અને સિસ્ટમમાં વધતી ઊર્જાની સ્થિતિ આવી જ રહે તો આપણે હંમેશાં જ મોસમના બગડેલા મિજાજનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. યુકેમાં જેટલો વરસાદ પડે છે, એના પ્રમાણમાં ખાસ કોઈ ફરક પડશે એવી આશા કરી શકીએ નહીં, પણ આ વરસાદ ચોક્કસ જ થોડા અલગ પ્રકારનો હોઈ શકે. અમારા અનુમાન મુજબ ઘણી વખત આ વરસાદ એકદમ મુશળધાર હશે અને એક લાંબો સમય એવો પણ આવશે કે જ્યારે વરસાદ નહીં પડે. ટૂંકમાં કહું તો આપણે હવે હવામાન અને વાતાવરણ સાથે સંકળાયેલાં જોખમોને લઈને વધારે સતર્ક રહેવાની જરૂર છે.
સીડિંગ એક રીતે જોવા જઈએ તો વાતાવરણમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ જ છે અને એ માટે તમારે યોગ્ય વાદળની જરૂર હોય છે. ક્લાઉડ સીડિંગને કારણે મનમાન્યાં પરિણામો તો મેળવી જ શકાય છે, પણ તેની સાથે સાથે ઘણી વખત તેની સાઈડ ઈફેક્ટ પણ જોવા મળે છે.
વાતાવરણ અને પર્યાવરણ સાથે સંકળાયેલી સ્થિતિઓ પર કાબૂ મેળવવાના પ્રયાસમાં હંમેશાંથી જ એક સંઘર્ષ જોવા મળ્યો છે અને એનો એક લાંબો ઈતિહાસ પણ રહી ચૂક્યો છે. વિયેટનામ યુદ્ધ વખતે અમેરિકાએ વાતાવરણને એક હથિયારની જેમ ઉપયોગમાં લીધું અને ક્લાઉડ સીડિંગ કર્યું. મોન્સૂનને લાંબા સમય સુધી ખેંચવા માટે ટૉપ સિક્રેટ યોજના બનાવવામાં આવી અને તેને નામ આપવામાં આવ્યું પોપઆઈ. રસ્તા પર નદીઓ વહેવા લાગી, પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી. આ બધાને કારણે સૈન્ય સુધી શસ્ત્રો કે સામાન પહોંચી
શકે નહીં…
વિયેટનામ યુદ્ધ પૂર્ણ થયા બાદ ૧૯૭૬માં એક આંતરરાષ્ટ્રીય સંધિનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો અને એનમોડ નામની આ સંધિ ૧૯૭૮માં અમલમાં મુકાઈ. આ સંધિ મુજબ યુદ્ધ માટે ટેક્નિકની મદદ લઈને વાતાવરણમાં પરિવર્તન લાવવા પર પાબંદી મૂકવામાં આવી, પરંતુ શાંતિ કાળમાં આના ઉપયોગ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો.
નિષ્ણાતોનું એવું માનવું છે કે જળવાયુ પરિવર્તની સમસ્યા ૨૧મી સદીમાં મનુષ્યજાતિ માટે સૌથી મોટો પડકાર છે અને આશા રાખીએ દુનિયાભરના વડા આ બાબતને સમજે છે.
પ્રકૃતિ એ માયા સમાન છે, જેની સાથે છેડછાડ કરવી હિતાવહ નથી અને પાછા આવીએ એ સવાલ પર કે શું આપણે મોસમને કાબૂમાં કરી શકીએ છીએ કે? તો આપણે બધા જ જાણીએ છીએ કે દુકાળ, પૂર, હીટ વેવ, જંગલની આગ અને તોફાન બધી જ આપત્તિઓમાં લોકોના જીવનું જોખમ રહેલું છે અને તેની સાથે સાથે આર્થિક નુકસાન પણ એટલું જ થાય છે, એટલે આપણે સમજીવિચારીને જ પ્રકૃતિ સાથે છેડછાડ કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં વધુ ખરાબ પરિણામો આપણે ન જોવાં પડે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.