કવર સ્ટોરી – અભિમન્યુ મોદી
ચેટબોટની દુનિયા આવી ગઈ છે. ચેટબોટ એટલે વિકસિત એવું આન્સરિંગ મશીન. આપણે ફોન કરીએ ને સામેથી ફોન વ્યસ્ત આવે તો જે કેસેટ વાગે તે એક જાતનો બહુ જ પ્રાથમિક કક્ષાનો બોલતો ચેટબોટ કહેવાય. આન્સરિંગ મશીન એક સમયે એક જ કામ કરે. વ્યસ્ત આવે તો એક કેસેટ વગાડે અને આઉટ ઓફ નેટવર્ક આવે તો બીજી કેસેટ વગાડે. હવે તે જ વ્યવસ્થાને વધુ વિકસાવીએ અને તેને વધુ સ્માર્ટ કરીએ તો? જુદા જુદા સંજોગો મુજબ જુદી જુદી સૂચના તે બ્રોડકાસ્ટ કરે. હવે તે વ્યવસ્થાને વધુ વિકસાવીએ અને તેને એટલી કાર્યક્ષમ બનાવીએ કે તે જાણે કોઈ માણસ હોય એમ જ જવાબ આપે તો? એ ચેટબોટ છે. ચેટ-જીપિટી હમણાં હમણાં વૈશ્ર્વિક સ્તરે પ્રખ્યાત થયેલું ચેટબોટ છે.
આ ચેટબોટ મજાની વસ્તુ છે. ચેટ કરતું રોબોટ એટલે ચેટબોટ. એપ્લિકેશનની જેમ જ તે કામ કરે છે. ચેટબોટ એટલે ખૂબ આઇ-ક્યુ ધરાવતી એલેક્સા. સ્વતંત્ર તથા રચનાત્મક બુદ્ધિ ધરાવતી આઇફોનની સીરી એટલે ચેટબોટ. તેને કમાન્ડ આપો કે ભગતસિંહ ઉપર ૨૦૦ શબ્દોમાં નિબંધ લખી આપ. તો તરત ભગતસિંહ ઉપર નિબંધ તૈયાર. બાળકોનું હોમવર્ક રેડી. ચેટ-જીપીટીને કમાન્ડ આપીએ કે ઇન્સ્ટાગ્રામની એક રિલ માટે ક્ધટેન્ટ જોઈએ છે તો તે તૈયાર કરી આપે છે. રિઝ્યુમ બનાવી આપે, બાયોડેટા તૈયાર કરી આપે, રિસર્ચને લગતું લખાણ પણ હાજર કરી આપે. તેના સિવાય તે બીજા ઘણાં કામ કરી આપે જે ફેકટરીમાં કે વેપાર ધંધામાં ઉપયોગી થાય. હિસાબ કિતાબથી લઈને બિલ બનાવવા સુધીની જવાબદારી સારો ચેટબોટ ઉપાડે છે.
ચેટ-જીપીટી તો શરૂઆત છે. આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની આખી દુનિયા બની રહી છે. એકોએક ક્ષેત્રમાં એ-આઇ પ્રવેશી રહ્યું છે. મોબાઈલના કેમેરાથી લઈને ટેલિવિઝન સુધી, લિફ્ટથી લઈને ટ્રેન સુધી, લેબોરેટરીથી લઈને મેડિકલ સાયન્સ સુધી બધે એ-આઇ કામ આવવાનું છે. માણસ જેટલી બુદ્ધિ વાપરી શકશે તેનાથી વધુ સારી રીતે અને ઓછા સમયમાં મશીન બુદ્ધિ વાપરશે. અમુક કામ વિચારવા માટે કે અમુક કામ કરવા માટે કલાકોના કલાકો થતાં તે આ ચેટબોટ જેવી કૃત્રિમ બુદ્ધિમતા ગણતરીની પળોમાં કરી દેશે. સમય બચશે. મેનપાવર બચશે. પૈસો બચશે. માની લો કે, એક દુકાનમાં હિસાબ કરવા માટે ૨ એકાઉટન્ટ રાખવા પડ્યા તો હવે કોઈની જરૂર નહિ રહે. સાંજે મહેમાનો આવે છે તેના માટે શું જમવાનું બનાવવું? આપણને મેન્યું ન સૂઝતું હોય તો ચેટ-જીપીટી પાંચસો ઓપ્શન આપશે, રેસિપી સાથે, વીડિયો સાથે! આખી દુનિયા કૃત્રિમ બુદ્ધિમતાને આધીન થવા જઈ રહી છે. વેપાર ધંધા ઉદ્યોગની વ્યાખ્યા બદલવાની છે.
ડિઝાઇનિંગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ બહુ કામ આવે. જુદા જુદા સ્પેર પાર્ટ, યાંત્રિક સાધનો, વિવિધ પુરજાઓ બનાવવા માટે તેની રચના બનાવવી એ માથાકૂટનું કામ હોય છે. આર્કિટેકટ માટે નકશો બનાવવો કે એન્જિનિયરો માટે ડ્રોઈંગ-સ્કેચ તૈયાર કરવા એ માથાપચ્ચીનું કામ છે. એ કામ આ સોફ્ટવેર સરળતાથી કરી આપે. ઘણા માનવ કલાકો બચે. હવે આ સોફ્ટવેરને થ્રી-ડી પ્રિન્ટર સાથે લિંક કરી દેવાય તો ઓટોમેટિક નવી નવી વસ્તુઓનું પ્રોડક્શન થઈ શકે. એક નવી ક્રાંતિ આવી શકે વેપાર વાણિજ્ય અને ઉત્પાદન ક્ષેત્રે. ઔદ્યોગિક ક્રાંતિ પછીની આ નવી ક્રાંતિ લેખાશે જેમાં દુનિયાની ઘણી સિસ્ટમો બદલી જશે.
આની સામે એક બીજો સવાલ એ ઊભો થાય છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની પેશકદમી પછી ઘણી નોકરીઓ ચાલી જશે તો? આમ પણ દુનિયાની મોટી મોટી કંપનીઓ અનેક કર્મચારીઓની છટણી કરી રહી છે. એમેઝોન, ગૂગલ, ટવીટર વગેરે કંપનીઓએ હજારો કર્મચારીઓને પાણીચું પકડાવ્યું છે. આવતા સમયમાં ચેટ-જીપીટી ઘણા બધા એમ્પ્લોયીનું કામ લઈ લેશે. આ એક દહેશત વ્યાપેલી છે અને તે ખોટી નથી. જે વેપારીઓ છે, જે ઉદ્યોગપતિઓ છે, જે ધંધો લઈને બેઠા છે તેને ફાયદો થવાનો છે.
પણ નોકરિયાત વર્ગોને તકલીફ પડવાની છે.
અમેરિકાની પેન્સિલવેનીયા યુનિવર્સિટીએ ચેટ-જીપીટી અને ઓપન-એઆઈ જેવી નવી ટેકનોલોજીકલ ક્રાંતિ દ્વારા સાંપ્રત નોકરીઓની શું અસર પડશે તેના વિશે વિગતવાર યાદી બહાર પાડી છે. હાલના તબક્કે, અમેરિકાના નેવું ટકા કર્મચારીઓના દસેક ટકા જેટલાં કામો મશીન લઈ લેશે. આ ટકાવારી ધીમે ધીમે વધતી જશે જેમ જેમ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સનો વિકાસ થતો જશે. એવું પણ અનુમાન બહાર આવ્યું છે કે મોટા ભાગના નોકરિયાતોનો પગાર હવે ઘટી શકે કારણ કે મગજમારીનું ઘણું કામ આ ચેટબોટ લઈ લેશે. જે કોઈ પ્રોફેશનલ માત્ર ગ્રેજ્યુએટ છે અને જે તે વિષયના નિષ્ણાત નથી તેને પહેલી અસર પડશે. હા, લેબર વર્ગને એટલે કે મજૂર વર્ગને ચેટ-જીપીટીને કારણે કોઈ અસર પડશે નહિ. તો અસર કોને થશે?
ગણિતશાસ્ત્રીઓ, આંકડાશાસ્ત્રીઓ, ટેકસની ફાઈલ તૈયાર કરનારા, એનાલિસ્ટ, લેખકો, અનુવાદકો, ડિઝાઇનરો, કોર્ટના રિપોર્ટરો, પ્રૂફ રીડર્સ, કોપી મેકર્સ. આ બધાને ચેટબોટ ખાસ્સી હદે પ્રભાવિત કરશે અને આ પ્રોફેશનલના કામ છીનવી લેશે. પછી જે હિસાબ લખતા હોય, ડેટા એન્ટ્રી કરતા હોય, સમાચારનું પૃથકકરણ કરતા હોય, પત્રકારો હોય કે વહીવટી અધિકારીઓ હોય તેનું ભારણ પણ સાવ ઓછું થઈ જશે. પણ અત્યારના સંજોગો જોતા પાંચેક વર્ષ સુધી કોઈની પણ નોકરી જાય એવું લાગતું નથી. આ ટેકનોલોજી બહુ શરૂઆતના તબક્કામાં છે અને તેને યૂઝર – ફ્રેન્ડલી બનાવતા વાર લાગશે. મેડિકલ સાયન્સના સંશોધનમાં, પ્રોટીન સિકવન્સ કે ડીએનએ મેપિંગમાં કે ચેસની ગેમને વધુ સારી રીતે સમજવામાં આ એઆઈ ઉપયોગી થશે. ટુંકમાં આ ટેકનોલોજીની આર્થિક, સામાજિક, કાયદાકીય અને સાંસ્કૃતિક બાબતોમાં પણ સારી અસર થશે.
આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની અસર કોને નહીં થાય? ખેલાડીઓ કે એથ્લીટને. જે સિમેન્ટ બનાવે છે તેને. જે મોચી, પ્લમ્બર, કડિયા કે મિસ્ત્રીકામ કરે છે તેને. બારટેન્ડર કે રંગારાને અસર નહીં થાય. ટુંકમાં જે કામમાં શારીરિક શ્રમ પડે છે તેને હાલપૂરતી અસર નહી થાય, પરંતુ રોબોટ બનશે એમ તે બધાં કામો પણ મશીન કરવા માંડશે. આવનારું ભવિષ્ય એક રીતે સરળ બનશે પણ એક રીતે અણધાર્યું પણ હશે. આપણે સૌએ અણધાર્યા અને વણદેખ્યા ભવિષ્ય માટે તૈયાર રહેવાનું છે.