કવર સ્ટોરી-હેન્રી શાસ્ત્રી
કાયમ મલકાતાં મોઢે રહેલા ‘રામાયણ’ના મર્યાદા પુરુષોત્તમ અને પતિવ્રતા નારી હવે રૂપેરી પડદાના નવા અવતારમાં એકબીજા સાથે લડાઈ – ઝઘડા કરતાં જોવા મળશે
—
સમય સમયનું કામ કરે છે. આંખ મિચકારી, જીભ પર મધની ફેક્ટરી ખુલ્લી મૂકી ‘જાનુ-ડાર્લિંગ કે માય લવ’ કહેતાં પતિ પત્ની લગ્નજીવનનાં કેટલાંક વર્ષો પછી ‘ક્યાં મરી ગયા છો કે ક્યાં ગુડાણી છો’ એવી લીમડા વાણીથી એકબીજાને બોલાવતાં થઈ જાય છે જે તમે જોયું – સાંભળ્યું હશે કે કદાચ અનુભવ્યું હશે. રૂપેરી પડદા પર ફિલ્મોમાં પણ આ ફેરફારને જોઈ જાતને સાંત્વના પણ શાયદ આપી હશે. રામાનંદ સાગરની ૧૯૮૦ના દાયકાની અમરત્વ પ્રાપ્ત કરનાર ટીવી સિરિયલ ‘રામાયણ’ના મર્યાદા પુરુષોત્તમ રામ (અરુણ ગોવિલ) અને પતિવ્રતા નારી સીતા (દીપિકા ચિખલિયા)ને એકબીજા માટે કેવો અહોભાવ, કેવો આદર હતો એ જગજાહેર વાત છે. સાડા ત્રણ દાયકા પછી નાના પડદા પર અમર થઈ ગયેલા ‘રામ – સીતા’ હવે મોટા પડદે એટલે કે ફિલ્મમાં એકબીજા સામે ઘુરકિયું કરતાં જોવા મળશે. ૨૦૨૦ના રાષ્ટ્રીય લોકડાઉન વખતે ટીવી પર પ્રસારિત થયેલી ‘રામાયણ’ને મળેલા અદ્ભુત આવકારને પગલે રામાયણની કથા અને એનાં પાત્રો માટેની લાગણી અકબંધ હોવાનું જોવા મળ્યું હતું. અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયાને જોઈ રામ – સીતા સન્મુખ હોવાનો અનુભવ કરતા દર્શકોને આ જોડી વનવાસ પૂરો થતા હવે પતિ પત્નીના નવા અવતારમાં ‘નોટિસ’ નામની ફિલ્મમાં નજરે પડશે.
૧૦ માર્ચે મલાડના મઢ ટાપુ પર આ ફિલ્મના શૂટિંગની શરૂઆત કરવામાં આવી હતી. ગ્રામ્ય વાતાવરણનો અનુભવ કરાવતા સેટ પર ‘રામ – સીતા’ પધાર્યા છે એવી જાણ થતા તેમને જોવા (કે દર્શન કરવા?) લોકોનું એક નાનકડું ટોળું બળબળતી ગરમીમાં પણ હાજર થઈ ગયું હતું. ‘રામાયણ’ અને ‘મહાભારત’ની કથા અને એના પાત્રો સર્વકાલીન છે એવું અમસ્તું નથી કહેવાતું. ફિલ્મના નિર્માતા આદિત્ય પ્રતાપ સિંહ ‘નોટિસ’ ફિલ્મને રામાયણની આધુનિક કાળની વ્યાખ્યા ગણાવે છે. અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયાની સાર્વજનિક છબી (પબ્લિક ઇમેજ) પૌરાણિક કથાઓની પાર્શ્ર્વભૂમિ પર તૈયાર થઈ હોવાથી આ બંને કલાકાર તેમની ફિલ્મમાં નાયક – નાયિકા તરીકે યોગ્ય વિકલ્પ છે એવું નિર્માતાનું માનવું છે. આ મહિનાના અંત સુધી મુંબઈમાં શૂટિંગ કર્યા પછી મધ્ય પ્રદેશના સપના નામના ગામમાં ફિલ્માંકન આગળ ચાલશે. નિર્માતાએ આપેલી માહિતી અનુસાર ‘ફિલ્મમાં સત્ય માટે લડતો એક અસુરક્ષિત માણસ ભ્રષ્ટ પ્રશાસન વિરુદ્ધ લડત ચલાવી કેવી રીતે વિજય મેળવે છે એવી કથા છે. રામાયણ અને મહાભારતમાં આવી અનેક કથા ધરબાઈ પડી છે. ‘નોટિસ’ આધુનિક સમયના રામાયણની કથા છે. માણસને જ્યારે જ્યારે નોટિસ મળે છે ત્યારે એની સાથે સમસ્યાઓ વીંટળાઈને આવતી હોય છે અને એટલે ચિત્રપટનું શીર્ષક ‘નોટિસ’ રાખવામાં આવ્યું છે.’
સીતા મૈયા, મતલબ કે દીપિકા સાથે ફરી જોડી જમાવવા અરુણ ગોવિલ કાયમ ઉત્સુક હોય છે. લોકડાઉનમાં ‘રામાયણ’ને બહોળો પ્રતિસાદ મળ્યા પછી અનેક ઠેકાણે બંનેએ સાથે ‘દર્શન દીધા’ હતા. ટીવી કાર્યક્રમ અને કેટલીક જાહેરખબરમાં પણ રામ – સીતા સાથે નજરે પડ્યા. અરુણ ગોવિલને રિયુનિયન વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે ‘ફરી એની (દીપિકા) સાથે કામ કરવામાં આનંદ આવશે. ન્યાય મેળવવા લડત ચલાવતા એક સામાન્ય માણસનો રોલ હું કરી રહ્યો છું. મારા
પાત્રમાં ધર્મ અને સત્યનું પ્રતિબિંબ છે એટલે મેં આ ફિલ્મ સાઈન કરી છે.’
અરુણ ગોવિલે તો પોતાની ઇમેજ અકબંધ રહે એવી ભૂમિકા હોવાથી હા પાડી છે, પણ દીપિકા ચિખલિયાની બાબત તો સાવ ઊંધી છે. સ્થૂળ સ્વરૂપે સીતા મૈયાથી જોજનો દૂર એવી ગૃહિણીનો રોલ દીપિકા કરી રહ્યાં છે. સીતા મૈયાનું કહેવું છે કે ‘અમારી ‘રામાયણ’ સિરિયલના વખતમાં અને આજના સમયમાં ઘણો બદલાવ આવી ગયો છે. એ સમયે અમે જુવાન હતાં. ફિલ્મમાં અરુણ ગોવિલનો રોલ એક અધીરા અને ગુસ્સાવાળી સ્વભાવની વ્યક્તિનો છે. મારું પાત્ર પણ આક્રમક સ્વભાવની પત્નીનું છે. ‘રામાયણ’માં અમારે સતત હસતા રહેવું પડતું હતું. ‘નોટિસ’ ફિલ્મના અમારા પાત્રો નથી જુવાન, ખાસ્સા ઉંમરલાયક છે અને એટલે તેમના ચહેરા સતત મલકાતા જ રહે એ જરૂરી નથી. પડદા પર હું તમને અરુણજી પર બૂમાબૂમ – રાડારાડ કરતી દેખાઈશ અને મને આ પાત્ર ભજવવામાં ચોક્કસ બહુ જ મજા પડશે.’
દીપિકા ચિખલિયાની ઉંમર ભલે વધી ગઈ, પણ સ્ત્રીઓની જ ભાષામાં જ કહીએ તો તેમણે મેઇન્ટેન કર્યું છે. રૂપાળા દેખાય છે. લગ્ન પછી અનેક ગુજરાતી મહિલાની જેમ શરીર સ્થૂળ નથી થવા દીધું. ૧૯૯૪ પછી પરિવાર અને રાજકારણ માટે પડદાથી પૂંઠ ફેરવી લેનારા દીપિકાજી ગુજરાતી ફિલ્મ ‘નટસમ્રાટ’માં પ્રભાવ પાડી ગયાં, પણ પ્રાંતીય ભાષાની ફિલ્મ હોવાથી સીમિત દર્શકોના ધ્યાનમાં આવ્યા. હા, આયુષ્માન ખુરાનાની ‘બાલા’માં હતાં પણ બહુ નાનો રોલ હોવાથી બહુ ધ્યાનમાં ન આવ્યાં. બ્યૂટી વિથ બ્રેઈનને સમાંતર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વ્યાખ્યા અભિનય અને સૌંદર્યના સુમેળની વ્યાખ્યામાં ફિટ બેસતા દીપિકા ચિખલિયાને રૂઢ અર્થમાં સીતા મૈયાથી સાવ વિપરીત એવા બૂમાબૂમ બીબીના રોલમાં જોવાની ઉત્સુકતા તો રહેવાની જ. પરંપરા અનુસાર દૈવી સ્વરૂપ રામ – સીતા કાયમ આપણને એટલે કે જનતાને સુખ, સંતોષ અને સફળતા મળે એ માટે આશીર્વાદ આપતા રહ્યા છે. આજે રામ -સીતા એટલે કે અરુણ ગોવિલ – દીપિકા ચિખલિયાને આપણે શુભેચ્છા આપીએ કે પતિ – પત્નીની જોડીને રામ – સીતા જેવી સફળતા અને આવકાર મળે.