કવર સ્ટોરી-પ્રથમેશ મહેતા

યુઆન વાંગ ૫ નામના ચીની નૌકાદળના જહાજનું ૧૬ ઓગસ્ટના રોજ શ્રીલંકાના હંબનટોટા બંદર પર આગમન ભારત માટે એક નવો માથાનો દુખાવો બની ગયું છે. ચીનનું કહેવું છે કે આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે આ જહાજ હંબનટોટામાં રોકાયું છે. તે જ પ્રમાણે ચીને કહ્યું છે કે આ જહાજ દરિયાઈ વૈજ્ઞાનિક સંશોધન સંબંધિત જે પ્રકારનું કામ કરે છે, તે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર છે. ચીન તેને ‘રિસર્ચ શિપ’ કહે છે. એટલે કે નૌકાદળનું એક જહાજ જેનું કામ સમુદ્રમાં વૈજ્ઞાનિક સંશોધન કરવાનું છે. ભારત અને અમેરિકા જેવા દેશો તેને ‘જાસૂસ જહાજ’ માને છે. એટલે કે એક એવું જહાજ જે અન્ય બે દેશોની જાસૂસી માટે તહેનાત કરવામાં આવે છે.
ચીને એમ પણ કહ્યું છે કે આ જહાજની ગતિવિધિઓ કોઈ પણ દેશની સુરક્ષા અને આર્થિક હિતોને અસર કરતી નથી, પરંતુ ભારતમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શું હંબનટોટા બંદર પર યુઆન વાંગ ૫ના સાત દિવસના રોકાણથી જહાજને ભારતની નજીકથી જાસૂસી કરવાની તક મળશે, જે ભારતનાં સુરક્ષા હિતોને જોખમમાં મૂકી શકે છે.
હંબનટોટાથી ભારત કેટલું દૂર છે?
શ્રીલંકાના હંબનટોટા બંદરથી ભારતના ચેન્નાઈ બંદરનું અંતર લગભગ ૫૩૫ નોટિકલ માઈલ અથવા ૯૯૦ કિલોમીટર જેટલું છે. એ જ રીતે, હંબનટોટા અને કોચી બંદર વચ્ચેનું અંતર લગભગ ૬૦૯ નોટિકલ માઈલ અથવા ૧,૧૨૮ કિમી છે. વિશાખાપટ્ટનમ બંદર હંબનટોટાથી ૮૦૨ નોટિકલ માઈલ અથવા લગભગ ૧,૪૮૫ કિમી દૂર છે. સતીશ ધવન સ્પેસ સેન્ટર, જે ભારતીય સ્પેસ પ્રોગ્રામ માટે લોન્ચ બેઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે, તે શ્રીહરિકોટામાં સ્થિત છે, જે હંબનટોટાથી લગભગ ૧,૧૦૦ કિમી દૂર છે.
યુઆન વાંગ ૫એ ગયા અઠવાડિયે હંબનટોટા બંદર પર ડોક કરવાની પરવાનગી માગી હતી, પરંતુ આ જહાજ અંગે ભારતની ચિંતા નોંધાયા બાદ આ પરવાનગી મળી નહોતી. આ દરમિયાન ભારતે હંબનટોટામાં જહાજના રોકાણના મુદ્દે શ્રીલંકા પર કોઈ પણ પ્રકારનું દબાણ હોવાનો ઈનકાર કર્યો હતો.
જહાજ હંબનટોટા બંદર પર પહોંચ્યા બાદ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું છે કે ચીનને સૈન્ય હેતુઓ માટે હંબનટોટા બંદરનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. શ્રીલંકાના દક્ષિણમાં સ્થિત હંબનટોટા બંદર, ઉચ્ચ વ્યાજની ચીની લોનની મદદથી બનાવવામાં આવ્યું હતું. જ્યારે શ્રીલંકા ચીન પાસેથી લીધેલી લોનની ચુકવણી કરવામાં નિષ્ફળ રહ્યું, ત્યારે આ બંદર ચીનને ૯૯ વર્ષની લીઝ પર સોંપવામાં આવ્યું.
યુઆન વાંગ ૫ એ ચીનની નવીનતમ પેઢીનાં સ્પેસ-ટ્રેકિંગ જહાજોમાંથી એક છે જેનો ઉપયોગ સેટેલાઇટ, રોકેટ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ પ્રક્ષેપણ પર નજર રાખવા માટે થાય છે. આ જહાજ યુઆન વાંગ શ્રેણીનું ત્રીજી પેઢીનું ટ્રેકિંગ જહાજ છે, જે ૨૦૦૭માં ચીની સેનામાં જોડાયું હતું. આ જહાજ જિઆંગન શિપયાર્ડમાં બનાવવામાં આવ્યું છે.
ચીનના સરકારી પ્રસાર માધ્યમ ઈૠઝગના અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૦માં યુઆન વાંગ ૫ જહાજે ચીનના લોંગ માર્ચ-૫બી રોકેટના પ્રક્ષેપણમાં ભાગ લીધો હતો અને ૮૧ દિવસ સુધી પ્રશાંત મહાસાગરમાં ૨૦,૦૦૦ નોટિકલ માઈલથી વધુ મુસાફરી કરીને પરત ફર્યું હતું.
આ ૮૧ દિવસની લાંબી મુસાફરી દરમિયાન યુઆન વાંગ ૫ કોઈ પણ બંદર પર રોકાયું નહોતું. ભારતીય નૌકાદળના એક વરિષ્ઠ નિવૃત્ત અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું, ‘આ જહાજ આપણા નાક સુધી પહોંચી ગયું છે. ભારત પાસે ચિંતા કરવાનું દરેક કારણ છે.’
યુઆન વાંગ ૫ની ક્ષમતાઓ વિશે તે કહે છે, ‘આવાં જહાજો કેટલાય સ્તરોમાં સમુદ્રની ઊંડાઈનું નિરીક્ષણ કરે છે જે ઊંડાઈ સુધી સબમરીન તહેનાત કરી શકાય છે. સબમરીન તહેનાત કરવાની પેટર્ન પાણીની અંદરના તાપમાન પર આધાર રાખે છે અને તે તાપમાન એક દિવસમાં લેવામાં આવતું નથી. તે મહિનાઓ અને વિવિધ ઋતુઓમાં લેવામાં આવે છે. હિંદ મહાસાગરના પ્રદેશમાં આવાં જહાજ મહિનાઓ સુધી રહી શકે છે.’
નૌકાદળના અન્ય એક વરિષ્ઠ નિવૃત્ત અધિકારી કહે છે, ‘પાણીની અંદરના તાપમાન વિશે માહિતી એકત્રિત કરીને એ અંદાજ લગાવી શકાય છે કે જો કોઈ ચોક્કસ પ્રકારની સબમરીન કોઈ ચોક્કસ વિસ્તારમાં હોય તો તે કેટલી
ઊંડાઈએ હશે જેથી તે દુશ્મનોથી પોતાને સારી રીતે છુપાવી, બચાવી શકે. આ જહાજ બેલેસ્ટિક મિસાઈલોને ટ્રેક કરે છે. આનો અર્થ એ છે કે આ જહાજનાં રડાર અને સેન્સર ખૂબ જ શક્તિશાળી છે. આ જહાજો લશ્કરી હિલચાલની પેટર્ન સ્થાપિત કરવા માટે જરૂરી છે.’
વાઈસ એડમિરલ અનૂપ સિંહ ભારતના પૂર્વ નૌકા કમાન્ડના ભૂતપૂર્વ કમાન્ડર-ઈન-ચીફ, ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી છે. અનૂપ સિંહ કહે છે, ‘ચિંતાનો વિષય એ પણ છે કે શા માટે શ્રીલંકા એવા જહાજને મંજૂરી આપી રહ્યું છે જે લશ્કરી જહાજ કરતાં ઘણું વધારે છે. આ જહાજને દ્વિ-ઉપયોગી જાસૂસી જહાજ ગણવામાં આવે છે. તે એક સર્વેક્ષણ જહાજ છે, જે જળ સર્વેક્ષણના નામે દરિયાની સપાટીનું નિરીક્ષણ કરવા જેવી અન્ય ઘણી બાબતો કરી શકે છે. જ્યારે હંબનટોટા બંદર પર ચીનનો કબજો હતો ત્યારે ભારતને ચિંતા હતી કે ચીન હવે આ બંદરનો ઉપયોગ તેમના પીએલએ-નેવીનાં જહાજો અને સબમરીન માટે આરામ અથવા રિફ્યુએલિંગના નામે કરશે. ચીને ઘણી વખત કહ્યું છે કે તેઓ આ બંદરનો ઙકઅ નેવલ બેઝ તરીકે ઉપયોગ કરશે નહીં, પરંતુ કોણ જાણે છે કે તેઓ શું કહે છે અને તેમનો ખરેખર અર્થ શું છે.’
અનૂપ સિંહનું કહેવું છે કે ભૂતકાળમાં પણ ચીન હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવાં જહાજો મોકલતું રહ્યું છે. ‘જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ કહ્યું કે આ જહાજો તેમના ઉપગ્રહોને ટ્રેક કરવા માટે તરતા અર્થ સ્ટેશન તરીકે કામ કરે છે અને તેમને પસંદગીનાં સ્થળોએ તહેનાત કરવાની જરૂર છે,’ એવું અનૂપ સિંહ વધુમાં કહે છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અનુસાર, ચીને તેના ૨૦૧૫ ડિફેન્સ વ્હાઇટ પેપરમાં યુદ્ધના નવા ડોમેન તરીકે સત્તાવાર અંતરિક્ષને ગણ્યું છે. યુએસનું કહેવું છે કે ચીન દેશો વચ્ચેના ભાવિ સંઘર્ષમાં અંતરિક્ષ મહત્ત્વની ભૂમિકા ભજવવાની અપેક્ષા રાખે છે, જ્યાં લાંબા અંતરથી ચોકસાઈથી હુમલા કરવાની ક્ષમતા અને અન્ય સેનાઓની સંચાર ક્ષમતાઓને નષ્ટ કરવાની ક્ષમતા પર ભાર મૂકવામાં આવશે.
યુએસ કોંગ્રેસને આપેલા વાર્ષિક અહેવાલમાં સંરક્ષણ વિભાગે કહ્યું કે ચીનની સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સનો સ્પેસ સિસ્ટમ્સ વિભાગ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનાં લગભગ તમામ સ્પેસ ઓપરેશન્સ માટે જવાબદાર છે. આ સ્પેસ મિશનમાં સ્પેસ લોન્ચ, સર્વેલન્સ અને સ્પેસ વોરફેરનો સમાવેશ થાય છે. અમેરિકાનું કહેવું છે કે ચીનનું સ્પેસ સિસ્ટમ ડિપાર્ટમેન્ટ ઓછામાં ઓછા આઠ બેઝનું સંચાલન કરે છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ચીનની સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ નામિબિયા, પાકિસ્તાન અને આર્જેન્ટિનામાં ટ્રેકિંગ, ટેલિમેટ્રી અને કમાન્ડ સ્ટેશનનું સંચાલન કરે છે.
આ જ સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ સેટેલાઇટ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલોના પ્રક્ષેપણને ટ્રેક કરવા માટે યુઆન વાંગ જહાજોને સંચાલિત કરે છે.

Google search engine