કવર સ્ટોરી-જયેશ ચિતલિયા
———————
અમેરિકન બૅંકનાં ઉઠમણાં અને ગ્લોબલ સ્તરે શોકસભા
સિલિકોન બૅંક ખીણમાં ધકેલાઈ જવાનાં આ રહ્યાં કારણો
મૂડીબજાર અને ફાઈનાન્સિયલ માર્કેટમાં અદાણી પ્રકરણની ચર્ચા હજી ચાલુ છે ત્યાં અદાણી પ્રકરણને બાજુએ રાખી દે એવી નવી ચર્ચાનો વિષય આવ્યો છે અમેરિકાની સિલિકોન વેલી બૅંકનો અને સિગ્નેચર બૅંકનો. હિન્ડનબર્ગ રિસર્ચ કંપનીએ ભારતના અદાણી ગ્રૂપ પર રિસર્ચ કરી ઘણા સવાલો-સંદેહ ઉઠાવ્યા, આક્ષેપો કર્યા, પણ અદાણી ગ્રૂપે કમસે કમ ઊઠમણું તો નથી જ કર્યું. હિન્ડનબર્ગનું ધ્યાન સિલિકોન વેલી બૅંક અને સિગ્નેચર બૅંકના ફંડામેન્ટલ્સ પર કેમ ન ગયું એ સવાલ હવે થવા લાગ્યા છે. હિન્ડનબર્ગ પણ તો અમેરિકામાં છે. શું થયું સિલિકોન વેલી અને સિગ્નેચર બૅંકને? શું કામ થયું? કઈ રીતે થયું? અને હવે તેની શું અસર થઈ શકે? એ સમજવામાં અને તેમાંથી બોધ લેવામાં તમામ દેશની સરકાર, બૅંકો અને નિયમન સંસ્થાઓ માટે સાર છે.
અમેરિકાની સિલિકોન વેલી બૅંક-સિગ્નેચર બૅંકના ઉઠમણાની ઘટના એ શું આ ૨૦૦૮ની લેહમેન બ્રધર્સ જેવી ફાઈનાન્સિયલ ક્રાઈસિસ છે? ના નથી, બલકે નવાં સાહસોને ધિરાણ આપવાના તેના દુ:સાહસથી, ફેડ રિઝર્વ દ્વારા સતત વ્યાજદર વધારાથી, બોન્ડસના ભાવો તૂટવાથી, વધુ પડતા જોખમી કામકાજ કરવાથી, એસેટસ-લાયાબિલિટીઝના મિસમેચથી અને ઓવરઓલ અમેરિકામાં સર્જાયેલી પરિસ્થિતિથી ઊભી થયેલી ક્રાઈસિસ છે. ભારતના અદાણી ગ્રૂપની અસર તો ભારતીય સ્ટોક માર્કેટ પર અને તેના શેરધારકો પર વધુ પડી, કિંતુ સિલિકોન બૅંકની અસર તો જગતની વિવિધ બૅંકો તેમ જ સ્ટાર્ટઅપ્સ તથા ફાઈ. માર્કેટ પર પણ પડવાની ઊંચી સંભાવના છે. આ ઓછું હોય તેમ યુએસની બીજી બેંકે પણ ક્રાઈસિસમાં ઉઠમણું નોંધાવ્યું છે, જેનું નામ છે, સિગ્નેચર બૅંક. વધુમાં હાલ યુએસની પાંચ બૅંકોની નબળાઈ પર રેટિંગ એજન્સીઓની બારીક નજર છે. અમેરિકાની ક્રાઈસિસની ઘટનાઓ આમ પણ જગતને ઘણી બધી રીતે અસર કરીને મુસીબતમાં મુકે છે, તેમાં આ એક વધુ ઉમેરો થયો. અમેરિકાના ઈન્ફલેશન, ઈન્ટરેસ્ટ રેટ, સંભવિત રિસેશન વગેરે ઉપરાંત આવી વિશાળ બૅંકનું બૅંકરપ્ટ થવું એટલે દુકાળમાં અધિક માસ. આડેધડ ધિરાણ કરવાનું આ વરવું પરિણામ ગણાય છે, જગતની તમામ બૅંકો માટે આ મહત્ત્વનો બોધપાઠ છે.
આ બૅંકની ક્રાઈસિસની અસર સ્વિડન પર સૌથી વધુ થઈ હોવાનું ચર્ચાય છે. કારણ કે સ્વિડનના વિશાળ પેન્શન ફંડ એલેકટાનું પચાસ ટકા મૂલ્ય આ ઘટનાથી ધોવાઈ ગયું છે. એલેકટા એસવીબીમાં સૌથી મોટી ચોથા ક્રમની શેરધારક છે, જેણે સિલિકોન વેલી બૅંકના ૬૦ ટકા વેલ્યૂ ધોવાણ સાથે પોતે ૫૪ ટકા વેલ્યૂ ધોવાણ સહન કરવું પડયું છે અને આપ સૌ સમજો છો કે પેન્શન ફંડમાં કોનું રોકાણ હોય?, હવે જો પેન્શન ફંડની આવી દશા થાય તો કેટલાંય લોકોને કેવું ટેન્શન થાય એ સમજી શકાય છે.
એસવીબી શું કરતી હતી અને શું થયું ?
આની મૂળ હકીકત સમજીએ તો એસવીબી એ કેલિફોર્નિયા સ્થિત બૅંક છે, જે સ્ટાર્ટઅપ્સ, વગેરેને ધિરાણ આપે છે. અમેરિકાના પચાસ ટકાથી વધુ સ્ટાર્ટઅપ્સને, ખાસ કરીને ટેક અને હેલ્થ સ્ટાર્ટઅપ્સને, તેણે ધિરાણ આપ્યું છે, જેમાંથી અનેક સ્ટાર્ટઅપ્સ લગભગ એકાદ વરસ જેટલાં નવા છે. આ બૅંકના આડેધડ ધિરાણ આપવાના ચોકકસ ખોટા નિર્ણયોને લીધે તેના રોકાણની કિંમતનું
ધોવાણ થવા લાગ્યું હતું, જેને લીધે આ બૅંકમાંથી નાણાં ઉપાડવાનું ઝડપથી શરૂ થયું અને બૅંક પર આર્થિક દબાણ વધતું ગયું, બીજી બાજુ તેના સ્ટાર્ટઅપ્સના શેરોનું મૂલ્ય પણ ધોવાતું ગયું અને બૅંકને તેમના સ્ટોકસ વેચવાની ફરજ પડી. આમ તેના પોતાના સ્ટોકનું માર્કેટ કેપ ૬૦ ટકાથી વધુ ધોવાઇ ગયું, પરિણામે તેનું ઉઠમણું જાહેર થવાની ફરજ પડી આ નાદારી નોંધાતા ફેડરલ ડિપોઝિટ ઈન્સ્યુરન્સ કોર્પોરેશનની તેના રિસિવર તરીકે નિમણૂક થઈ છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ના અંતે એસવીબી પાસે ૨૦૯ અબજ ડૉલરની કુલ એસેટસ હતી, જયારે કે ૧૭૫ અબજ ડૉલરની ડિપોઝિટ હતી. આમાંથી તમામ ઈન્સ્યોર્ડ ડિપોઝિટ ઘરાકોને તેમના નાણાં પરત મળે એવી જોગવાઈ કરાઈ રહી છે. આ બૅંકે તેના રોકાણના વેચાણ પર ટેકસ બાદની ૧.૮૦ અબજ ડૉલરની લોસ બુક કરી છે. કરૂણતા એ છે કે આ બૅંકના તૂટવાથી શરૂના બે-ત્રણ દિવસમાં જ પેનિકને કારણે જગતભરના ફાઈનાન્સિયલ સ્ટોકસમાં ૪૬૫ અબજ ડૉલરનું ધોવાણ થયું છે. આમ પડે છે ત્યારે સઘળું પડે છે એનું આ વરવું ઉદાહરણ કહી શકાય.
પ્રવાહિતાનો પ્રોબ્લેમ
છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં પ્રવાહિતાની ખેંચ શરૂ થઈ હતી, જેનું પરિણામ મોંઘવારી અને તેને પગલે આવતો જતો વ્યાજ વધારો હતો. એસવીબીના ગ્રાહકો તેમની જરૂરિયાત માટે નાણાં ઉપાડતા જતા હતા. આમ લોકો સતત નાણાં ઉપાડવા લાગતા એસવીબીને તેના ૨૧ અબજ ડૉલરના બોન્ડસ વેચવાની ફરજ પડી હતી. જેમાં બૅંકને ૧.૮ અબજ ડૉલરની ખોટ ગઈ, આ માટે તેણે મૂડી ઊભી કરવાની નોબત આવી. અમેરિકન સરકાર વ્યાજ વધારો કરતી જતા બોન્ડસની વેલ્યૂ ડાઉન થવા લાગી હતી. એસવીબીએ આ સંજોગોમાં નાણાં જરૂરિયાત પૂરી કરવા ૨.૨૫ અબજ ડૉલરની ઈકિવટી અને પ્રિફર્ડ ક્ધવર્ટિબલ સ્ટોકસ વેચવાનું પગલું ભર્યુ, જેને પરિણામે સ્ટોકના ભાવમાં કડાકા બોલાયા અને પછી તો ક્રેશનો સિલસિલો શરૂ થઈ ગયો, જેની અસર હાલ સૌની નજર સામે છે.
ભારતીય કંપનીઓ: અસર અને આશ્ર્વાસન
આ ઘટનાને પરિણામે સોફટવેરને સર્વિસ તરીકે ઓફર કરતી-ચલાવતી અને એગ્રિટેક ભારતીય કંપનીઓ પર અસર થવાની શકયતા છે. ઘણાં ભારતીય સ્ટાર્ટઅપ્સ અમેરિકામાં કાર્યરત છે અને તેમણે એસવીબી મારફત નાણાં ઊભાં કર્યાં છે. આવા ભારતીય સ્ટાર્ટઅપ્સને હવે ભય છે કે એસવીબી બંધ થવાને લીધે તેમના રોકાણકારો પણ મુંઝાશે અને તેમને વળતર મળવામાં વિલંબ થઈ શકે. આની અસર ભારતીય સ્ટાર્ટઅપ્સના વેલ્યુએશન પર પણ પડી શકે. વિશ્ર્વની અન્ય બૅંક પર પણ છાંટા ઊડયા વિના નહીં રહે. હવે પછી બની શકે કે સ્ટાર્ટઅપ્સને નાણાં ધિરાણ કરનારા વધુ ફુંક મારીને દૂધ પીશે અથવા છાશ પણ ફુંકીને પીશે.
એક સૌથી નોંધપાત્ર આશ્ર્વાસન એ છે કે ભારતીય સ્ટાર્ટઅપ્સ ઉધોગ પર આ ઘટનાની ગંભીર અસર થશે નહીં, કારણ કે અહીં માર્કેટ સારી રીતે નિયમન હેઠળ છે, તેમ જ ઓવર એકસપોઝર ટાળવામાં આવ્યું છે. ભારતીય બૅંકો અગાઉ કરતાં વધુ પરિપકવ થઈ છે અને રિઝર્વ બૅંક પણ સતત સતર્કતા દાખવીને, સમયસર પગલાં ભરીને અને અગમચેતી જાળવીને બાજી બગડતા પહેલાં સંભાળી લે છે.
બાકી હાલ અમેરિકન ફેડરલ રિઝર્વ સામે મોટો પડકાર ઊભો થયો છે. અહી આર્થિક કટોકટીને ટાળવા તેણે યોગ્ય, સમયસર અને નક્કર કદમ ભરવા અનિવાર્ય છે. અમેરિકાએ અન્ય બૅંકો પર પણ આફત ન આવે તે માટે સજાગ રહેવું જોઈશે અને આ બૅંકને બેઈલ આઉટ (ઉગારવી) જોઈશે. અન્યથા ડિપોઝિટધારકો અને શેરધારકોના વિશ્ર્વાસને ગંભીર ઠેસ પહોંચી શકે છે.
૨૦૦૮ બાદની સૌથી મોટી નિષ્ફળતા
વરસ ૨૦૦૮માં લેહમેન બ્રધર્સ ક્રાઈસિસ બાદની અમેરિકન બૅંકની આ સૌથી મોટી નિષ્ફળતા છે. જેમાં ફેડરલ રિઝર્વ તેને ઉગારવાની કોશિશ જરૂર કરી રહયું છે, કિંતુ આ ચિત્ર હજી સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, દરમ્યાન આપણા એલન મસ્ક તો છે જ, તેમણે એસવીબીને ખરીદવાનો વિચાર કર્યો છે અને અને તેને ડિજિટલ બૅંકમાં પરિવર્તિત કરવાનું વિચાર્યું છે.
યુએસ એફડીઆઈસી ક્રાઈસિસ મૅનેજ કરશે
ગ્લોબલ ઈન્વેસ્ટર બિલ વેકમેન કહે છે કે સરકારી ઓથોરિટીઝ આ વિષયમાં દરમ્યાનગીરી કરે તો પણ એસવીબીની અસર રૂપે અન્ય બૅંકો મુસીબતમાં આવી શકે છે. જો કે ગયા સપ્તાહનાં પોઝિટિવ અહેવાલ એ હતા કે યુએસ ફેડરલ ડિપોઝિટ ઈન્સ્યુરન્સ કોર્પોરેશને સિલિકોન બૅંકના કામકાજને અસર ન થાય એ માટે તેની એસેટસ-ડિપોઝિટસ એક નવી બ્રિજ બૅંકને ટ્રાન્સફર કરી દીધી હતી, જયારે કે યુકે સ્થિત સિલિકોન વેલી બૅંકની સબસિડિયરીને એચએસબીસીએ માત્ર એક પાઉન્ડમાં હસ્તગત કરી લઈને તેને લગભગ બચાવી લીધી હતી. આ સબસિડિયરીની લોન્સ ૫.૫ અબજ પાઉન્ડ છે અને ડિપોઝિટસ ૬.૭ અબજ પાઉન્ડ છે. બૅંક ઓફ ઈંગ્લેન્ડે આ માટે સપોર્ટ આપ્યો છે અને તેમાં કરદાતાઓએ સહન ન કરવું પડે તેમ જ સ્ટાર્ટઅપ્સને પણ રાહત થાય એ રીતે આ ખરીદી કરાઈ છે. દરમ્યાન યુએસમાં હાલ તો આ મામલો યુએસ એફડીઆઈસી સંભાળી લેશે એવું અનુમાન છે.
આ લેહમેન ક્રાઈસિસ સમાન નથી
કોટક મ્યુચ્યુઅલ ફંડના એમડી નિલેશ શાહના મતે સિલિકોન વેલી બૅંકને લેહમેન બ્રધર્સની ક્રાઈસિસ સાથે સરખાવી શકાય નહીં. આ મામલે ફેડરલ રિઝર્વ યોગ્ય માર્ગ કાઢશે એવી આશા રાખી શકાય. જો કે હાલ સોશિયલ મીડિયા પર ચાલતા પ્રચારથી સતર્ક રહેવું જોઈશે. ભારતીય રિઝર્વ બૅંક ભારતમાં એસવીબી જેવી દશા ઊભી થવા દેતી નથી, તેનું બહેતર નિયમન આવી કટોકટીને ઊગતી ડામવામાં નિમિત્ત બને છે. ભારતીય બૅંકોના ધિરાણ ખૂબ વૈવિધ્યસભર હોય છે, તેનું વિતરણ ભૌગોલિક દ્રષ્ટિએ પણ વહેંચાયેલું રહે છે. તેનું એકસપોઝર અમુક અપવાદને બાદ કરતા મર્યાદામાં રહે છે. ઈન શોર્ટ, ભારતમાં હાલ બેન્કિંગ રેગ્યુલેશનનું પાલન વ્યવસ્થિત થઈ રહ્યું હોવાનું કહી શકાય. અલબત્ત, આ વિષયમાં સતત જાગૃતિ અને સતર્કતા આવશ્યક છે.
આ લેખ છપાવા જઈ રહ્યો છે ત્યારે આવેલા અહેવાલ મુજબ અમેરિકન સરકાર સિલિકોન વેલી બેંકની જવાબદારી લઈ શકી નહીં હોવાથી આ બેંકે નાદારી (બેંકરપ્સી ) ફાઈલ કરી છે. બીજીબાજુ સ્વિઝ બેંક ક્રેડિટ સ્યુઝ પણ આર્થિક કટોકટીમાં ઘેરાઈ ગઈ છે.
બોકસ
આ મુદાઓ પર વિચાર કરવા જેવા છે
અમેરિકાની ૧૬ માં ક્રમે આવતી વિશાળ સિલિકોન વેલી બૅંક માત્ર બે દિવસમાં ૨૦૯ અબજ ડૉલર સાથે ઊઠી ગઈ.
સિલિકોન વેલી બૅંકના શેરધારકોએ આ બૅંકના બે ઉચ્ચ અધિકારીઓ સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ બેંકે સાવ નવા સ્ટાર્ટઅપ્સને આડેધડ ધિરાણ આપવાનુી ભૂલો કરી છે. આવાં ધિરાણ સામે સવાલો ઊભા થાય છે.
હવે પછી વિવિધ સ્ટાર્ટઅપ્સ માટે ધિરાણ મેળવવાનું મુશ્કેલ બની શકે.
આ પ્રકરણ ધિરાણ માર્કેટની નબળાઈ અને બેજવાબદારી પુરવાર કરે છે.
આ સંજોગોમાં સિલિકોન બૅંકની યુકે સબસિડિયરી માટે એચએસબીસીએ પ્રેકટિકલ માર્ગ કાઢયો છે.
યુએસના એફડીઆઈસીએ પણ સિલિકોન વેલી બૅંકને ઉગારવા, તેના ડિપોઝિટ ધારકોના રક્ષણ તેમ જ કરદાતાઓના હિતમાં પ્રયાસ શરૂ કર્યા છે.
સિલિકોન બૅંકના ઉઠમણાની અસરે શરૂના ત્રણ દિવસમાં જ ગ્લોબલ સ્તરે ફાઈનાન્સિયલ સ્ટોકસમાં ૪૬૫ અબજ ડૉલરનું ગાબડું પડ્યું છે.
અમેરિકાની રિસર્ચ કંપની હિન્ડનબર્ગ આ બૅંકો બાબતે કેમ ઊંઘતી ઝડપાઈ ગઈ? તેને ભારતમાં અદાણી દેખાયા, કિંતુ પોતાના દેશની આવી મોટી બૅંકો ન દેખાઈ?
રિઝર્વ બૅંક અને ભારતીય બૅંકો સહિત તમામ પ્રકારના લેન્ડર્સ આમાંથી બહુ જ મહત્ત્વના સબક લઈ શકશે.