કવર સ્ટોરી – અભિમન્યુ મોદી
ઝેરોદા. એક તો દક્ષિણ ભારતીયોને ભારતીય નામના ઈંગ્લિશમાં બધે ‘એચ’ ઘુસાડવાની આદત અને એમાં ઉપરથી પાછો સૂપિરિયોરીટી કોમ્પલેક્ષ ખરો. એટલે ઝેરોદાના સ્પેલિંગ મુજબ એને ઝેરોધા બોલવું કે ઝેરોદા લખવું એ પણ મૂંઝવણ થાય. પોતાની ભાષા સિવાય બીજી કોઈ ભાષા આવડતી હોય તો પણ ન બોલવાનો ત્યાંના લોકોનો હઠાગ્રહ જાણીતો છે. એ ચાર – પાંચ રાજ્યોને લીધે હિન્દી રાષ્ટ્રભાષા નથી બની શકી એ પણ હકીકત છે. સાથે એ પણ સત્ય છે કે ભારતીય અસ્મિતા અને ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને જાળવવાનું કામ દક્ષિણ ભારતે જે કક્ષાએ કર્યું છે તે અદ્ધિતીય છે. જૈન અને હિન્દુ – આ બંને ધર્મોની સંસ્કૃતિના જુદા રંગો દક્ષિણ ભારતે સાચવ્યા છે. દક્ષિણ ભારતનાં મોટાં મોટાં શહેરો ભારતની ઇકોનોમીને પ્રબળ વેગ આપતા રહે છે. ત્યાંની ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે તહેવારોની પરંપરા – ભારતના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક ક્વોશન્ટને ઊંચો રાખવામાં દક્ષિણ ભારતે મોટી ભૂમિકા ભજવી છે. પણ આજે વાત છે બે શહેરોની અને તેની સરખામણીની. ક્યા ક્ષેત્રમાં કયું શહેર બેહતર? બેંગલુરુ કે મુંબઈ?
આ સરખામણીની શરૂઆત ઝેરોદાના સહ-સ્થાપક નિખિલ કામથે કરી છે. ચાલીસ ઉંમરથી નીચેના બિલિયોનર ભારતીય યુવાનોમાં તેની ગણના થાય છે. ભારતની કદાચ સૌથી મોટી સ્ટોક બ્રોકરેજ ફર્મના તે માલિક છે. જબરદસ્ત સફળતા મેળવી છે અને ભારતના પાવરફુલ લોકોમાં તેની ગણના થાય છે. નિખિલ કામથે કહ્યું કે બેંગલુરુમાં ખૂબ પૈસાદાર વ્યક્તિ પણ ચપ્પલ પહેરીને ફરી શકે છે. મુંબઈમાં એ શક્ય નથી. સાઉથ દિલ્હી કે સાઉથ મુંબઈના લોકો જે પૈસાનો દેખાડો કરે છે એવો દેખાડો બેંગલુરુમાં થતો નથી માટે હું બેંગલુરુને મુંબઈ કે દિલ્હી કરતાં વધુ પ્રિફર કરું. એમણે એવું પણ કહ્યું કે બેંગલુરુના લોકો કટ્ટર પ્રતિસ્પર્ધી નથી જે સારી વાત છે. આગળ નિખિલ ભાઈ ઉમેરે છે કે બીજાં શહેરોની જેમ બેંગલુરુના લોકો બીજાના ખભે ચડીને સફળતા નથી મેળવતા. એમનો ઈશારો દિલ્હી કે મુંબઈ તરફ જ હશે એ સમજી શકાય છે. તો હવે અહીં વાત આવે છે અને વાત માંડીને કરવાનું મન થાય છે કે મુંબઈ એટલું નબળું છે? સાચે જ અહીં માત્ર શો-બાઝી છે? બેંગલુરુમાં પૈસાદારો ચપ્પલ પહેરી શકે છે તો એ લોકો નિખાલસ છે તો મુંબઈમાં લોકો દંભી છે? આ ચર્ચામાં લાગણીઓ નહીં પણ તટસ્થતા જરૂરી છે.
બેંગલુરુ વિશ્ર્વમાં ખૂબ ચર્ચાતું ભારતીય શહેર છે. સિલિકોન વેલી કે ચાઇનાના શાંઘાઈમાં મુંબઈ કરતાં બેંગલુરુની ચર્ચા વધુ થાય છે. આંત્રપ્રેન્યોરશીપ માટે બેંગલુરુ મક્કા ગણાય છે. સ્ટાર્ટ-અપ હબ્બ બન્યું છે તે. ત્યાં વસતા લોકો જાણે એનઆરઆઈ જ જોઈ લો. ત્યાંની કંપનીઓ દેશ વિદેશમાં કામ કરે છે માટે ત્યાંના લોકોની અંદર એક ગ્લોબલ કલ્ચર કેળવાયેલું છે. માટે ચપ્પલ પહેરવા તે લોકો માટે નવિન વાત નથી. અડધું શહેર સ્ક્રીન સામે બેઠું રહે છે અને ઈંગ્લિશમાં વાત કરે છે, ઈંગ્લિશમાં વિચારે છે. બેંગલુરુની નજર ભવિષ્ય તરફ રહે છે. કારણ કે તે શહેર આઇટી – ટેકનોલોજી સાથે દિવસ રાત કામ કરે છે. ત્યાંના ટેકનોસેવી લોકો ભવિષ્યના સર્જક છે. આ લખાઈ છે ત્યાં સુધી કમસે કમ એક હજાર લોકો બેંગલુરુમાં બેઠા બેઠા એવું કામ કરી રહ્યા હશે કે ભવિષ્યમાં આવા લેખો કોઈ માણસ નહીં પણ રોબોટ લખે કે સોફ્ટવેર લખે. બેંગલુરુની સામૂહિક માનસિક ચેતનાના કેન્દ્રસ્થાને માણસ નહીં પણ સિલિકોન ચિપ છે, ટચ સ્ક્રીન છે, કોડિંગ છે. તે લોકો માટે શરીર એક માધ્યમ માત્ર છે જે તેને મગજને, આંગળીઓને, આંખોને માત્ર ‘કેરી’ કરે છે. માટે જલસા કરવા હોય ત્યારે કરી લેવાના એ પછી કામ લાગવાનું. ગોળાકાર સ્વરૂપમાં રહેલું બેંગલુરુ શહેર ટ્રાફિકમાં અટવાયેલું રહે છે અને ટ્રાફિક સિગ્નલો ઉપર ગાડીઓની અંદર પણ લેપટોપ ખુલ્લા રહે છે. માટે ત્યાંના રિક્ષાવાળાઓને મીટર પ્લસ ફિફ્ટી એમ વધારાનું ભાડું લેવામાં છોછ નથી. બિન્દાસ બનીને તે ગ્રાહકો પાસે વધુ પૈસા વસૂલે છે. તે શહેરની આત્મામાં મશીન મુખ્ય છે. બેંગલુરુનું વાતાવરણ ખૂબ રમણીય છે માટે લોકો ખુશમિજાજ મળે છે.
આ બાજુ મુંબઈ ભારતની માત્ર આર્થિક જ નહીં પણ સાંસ્કૃતિક રાજધાની પણ છે. અહીં દરેકે દરેક રાજ્યમાંથી લોકો પોતાની પ્રતિભા અને નસીબ અજમાવવા આવે છે. મરાઠીઓ અને ગુજરાતીઓએ આખા ભારતમાંથી મુંબઈ આવી રહેલા લોકોને આવકાર્યા છે. અહીં સિનેમા અને સ્ટોક એક્સચેન્જ સિવાય પણ દરેકે દરેક ફિલ્ડને આકાશ ચૂમવાનો અવકાશ મળે છે. ટેકસ્ટાઈલ, ફૂડ ઇન્ડસ્ટ્રી, મેન્યુફેકચરીંગ, ફાઇનાન્સ, આર્ટ, મેડિસીન- ફાર્મસી, કોસ્મેટિક્સ તો ઠીક એનજીઓ જેવા સેક્ટરમાં પણ મુંબઈ શિરમોર રહે છે. કહેવાય છે કે આ શહેર સૂતું નથી. સાચે જ નથી સૂતું. અહીં લોકોને એકબીજા સાથે કામ વિના વાત કરવાનો ટાઈમ નથી હોતો. ઘડિયાળના કાંટે ભાગે છે આ શહેર, પરંતુ આ શહેરના કેન્દ્રસ્થાને મશીન નહીં પણ માણસ છે. મનુષ્યત્વનું થોડું આકરું સ્વરૂપ મુંબઈની માનસિક ચેતનામાં રહેલું છે. એને જ મુંબઈનો સ્પીરિટ કહેવાય છે. જે મુંબઈને આપત્તિઓમાં પણ બેસવા નથી દેતું.
વાત ચપ્પલ પહેરવા કે દેખાડાની નથી. પણ મુંબઈ આધુનિક છે તો બેંગલુરુ અનુઆધુનિક છે. મુંબઈમાં મહેનતની વેલ્યૂ છે. ટેક્સીવાળા કોઈ કદાચ ગોળ ગોળ ફેરવે પણ મીટરથી વધુ ભાડું નહીં લે. અહીં ટિફિનના ડબ્બાવાળાઓ સિક્સ સિગ્મા લેવલે એકદમ ચોકસાઈથી કામ કરે છે. અહીં દરેક તહેવાર ઉજવાય છે. ધામધૂમથી ઉજવાય છે. અમુક તહેવારોનું તો એવું ગ્રાન્ડ સેલિબ્રેશન થાય છે કે મહારાષ્ટ્રની ઇકોનોમીમાં તેની નોંધ લેવી પડે. અહીં જુદી જુદી કાસ્ટના લોકો વચ્ચે કોઈ સરહદ રહેતી નથી. ગણપતિ હોય કે નવરાત્રી બધા એક થઈ જાય છે. કારણ કે પ્રસંગ સંસ્કૃતિનો છે. સંસ્કૃતિ સાથે એના ચોક્કસ પહેરવેશ આવે અને ચોક્કસ રીત રિવાજ આવે. મુંબઈ ટાપુ છે. ભૌગોલિક રીતે ભારતની ભૂમિથી થોડો અલગ પડતો પ્રદેશ છે પણ ભારત અહીં ધબકે છે. પ્રાચીન ભારત અને આધુનિક ભારત બંનેના દર્શન મુંબઈ કરાવે છે. મુંબઈ તેની જૂની ભૂલોમાંથી શીખે છે માટે તેનો ભૌતિક વિકાસ પણ વ્યવસ્થિત અને ચોક્કસ દિશા તરફ જ થાય છે. તેનું પાણી અને રોડ રસ્તા વર્લ્ડ બેસ્ટ છે તો લોકોની નેવર સે ડાઈ એટિટયુડ પણ. બેંગલુરુના નવનિર્મિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાજુ કાચા રસ્તાઓ છે. મુંબઈમાં અંડરવર્લ્ડના ડોન પણ ઘર જેવું ફીલ કરે. મુંબઈની આ ખાસિયત છે. મરીન ડ્રાઇવની પહોળી બાજુઓ માશુકાના આલિંગન જેવી
લાગે. મુંબઈ પાસે આત્મા હોય એવી અનુભૂતિ પહેલા થાય.
ખેર, આ સરખામણી
અસ્થાને છે. દરેક શહેરની અલગ તાસીર હોય. અલગ રસરુચિ હોય અને અલગ બંધારણ હોય. દરેક શહેર જુદા જુદા પાયા ઉપર ઊભા રહીને અલગ
અલગ ઇમારતોનું ચણતર કરે. કરોડો લોકોની આવનજાવન, બધાના ધંધાઓ, ભાષા, આબોહવા વગેરે જે તે શહેરની લાક્ષણિકતાઓ ઘડે. બેંગલુરુ તેની જગ્યાએ ઉત્તમ છે તો મુંબઈ પરાપૂર્વથી શ્રેષ્ઠતાના શિખરે બિરાજે છે. બેંગલુરુની ઘડિયાળ ભવિષ્ય બતાવતી હોય છે જ્યારે મુંબઈની ઘડિયાળના કાંટા સંપૂર્ણપણે વર્તમાનની પ્રતીતિ કરાવે છે. બંને શહેરો ભારતીય છે અને ભારતનું વિશ્ર્વમાં નામ કરવા માટે બન્ને શહેરોનો મોટો ફાળો છે. એક ભારતીય તરીકે બન્ને શહેરો ઉપર ગર્વ હોવો જોઈએ.