કવર સ્ટોરી – પૂર્વી દેસાઈ
ભારતના ઘણા બધા મેટ્રો સિટીમાં કબૂતરોની વસ્તી અધધ કહી શકાય એટલી છે. હવે આમાં આપણને શું કામ વાંધો હોવો જોઈએ એવું લાગતું હોય તો એનું કારણ એ છે કે આ કબૂતરો આપણા માટે જીવનું જોખમ બની શકે છે. ડૉક્ટરોએ કરેલાં સંશોધનો અને તેમના અનુભવો પ્રમાણે કબૂતરોની ચરકમાં એવા બેકટેરિયા હોય છે જે શ્ર્વાસમાં પહોંચે તો આપણા ફેફસાંને બહુ નુકસાન પહોંચાડે છે. કબૂતર જ્યાં બેસતાં હોય છે ત્યાં જ ચરકતાં પણ હોય છે અને એમાંથી આવતી એક વિશિષ્ટ ગંધ ને કારણે તેઓ ફરી પાછા થોડુંક ઊડીને ત્યાં જ આવી ને બેસે છે, હવે આ કબૂતરો જ્યાં ત્યાં વિષ્ટા કરે અને પછી એ સુકાય ત્યારે પાવડર જેવું થઇ જાય છે અને એમાંથી અત્યંત દુર્ગંધ પણ આવતી હોય છે. હવે બીજાં કબૂતરો આજ દુર્ગંધ ને કારણે એ જગ્યા પર આવે અને ત્યાંથી ઊડે ત્યારે એ ચરકનો પાઉડર તેમની પાંખમાં ભરાઈ જાય છે. આને લીધે થાય એવું કે પછી જ્યાં જ્યાં તેઓ જાય ત્યાં આ પાઉડર ફેલાતો રહે જે આપણા ઘરમાં થઈને આપણા શ્ર્વાસમાં જાય અને અનેક ગંભીર બીમારીઓનું કારણ બને છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એટલે કે એમ્સના ડૉક્ટરોનું તો કહેવું છે કે કબૂતરોની આ ચરકને લીધે ફક્ત ફેફસાં જ નહીં પણ હાર્ટ અટેક આવવા સુધીની સંભાવનાઓ છે! ડી.એન.એ નાં એક રિપોર્ટ અનુસાર કબૂતરોને કારણે લગભગ ૬૦ જેટલી બીમારીઓ થઇ શકે છે!
ડૉક્ટરોની ભાષામાં કહીએ તો દેશનાં ઘણાં મહાનગરોમાં જ્યાં કબૂતરોની વસ્તી વધારે છે ત્યાં એક્યુટ હાઇપર સેન્સિટિવિટીની બીમારીનાં દર્દીઓ વધતા જઈ રહ્યા છે. હવે જાણીએ કે શું છે આ મસમોટા નામ વાળી બીમારી. સાદી ભાષામાં કહીએ તો જયારે શ્ર્વાસ દ્વારા દર્દીના શરીરમાં એલર્જિક તત્ત્વો દાખલ થઇ જાય ત્યારે એને કારણે ફેફસાં ઉપર સોજો આવે છે અને સમયસર સારવાર ના મળે તો ઘાવ પણ થઇ જાય છે. આ બીમારીને લીધે શરીરના બીજાં અંગો પર પણ સોજો આવી શકે છે અને પરિસ્થિતિ વધારે વકરે તો અસ્થમા એટલે કે દમ પણ ઘર કરી જાય એમ બને. પલ્મોનોલોજીસ્ટ એટલે કે શ્ર્વસનતંત્રને લગતા રોગોના નિષ્ણાત અને માહિમમાં પ્રેકટીસ કરતા ડૉક્ટર સાર્થક રસ્તોગીનું કહેવું છે કે ફેફસાંના રોગો ઉપરાંત પણ એક ગંભીર રોગ કબૂતરોની ચરકથી ફેલાઈ શકે છે અને એ છે ફંગસ ઇન્ફેક્શન. આ ઇન્ફેકશનને કારણે ચામડી બળવી, લાલ ચકામાં પડી જવા, ખંજવાળ આવવી જેવી અનેક તકલીફો થઇ શકે છે.
ડૉક્ટરોના સર્વસામાન્ય મત પ્રમાણે સમજીએ તો શ્ર્વાસમાં આ તત્ત્વો જતાં રહ્યાં છે એ સમજતાં જ ઘણું મોડું થઈ જતું હોય છે એટલે કે સામાન્ય શ્ર્વાસની કે ખાંસી કે ચામડીની તકલીફ થાય તો નોર્મલ દવાઓ ચાલતી રહે અને તકલીફ વધતી જ જાય કારણ કે હજુ આ અંગે લોકોમાં જોઈએ એટલી જાગૃતિ આવી નથી. ઘણીવાર ડૉક્ટરને પણ ખરું કારણ સમજાતું નથી. આવે વખતે કબૂતરોને કારણે વધી રહેલી આ ફેફસાંની બીમારી એનું વરવું સ્વરૂપ ધારણ કરી લે તો લંગ ટ્રાન્સપ્લાન્ટ એ એક જ ઉપાય રહી જાય. દિલ્હીથી ડૉક્ટર દિપક તલવાર કહે છે કે અત્યારે એમને ત્યાં ફેફસાંના આ રોગના લગભગ બસ્સો દર્દીઓ છે અને આ સંખ્યા વધતી જઈ રહી છે. મુંબઈ જેવા મહાનગરના ડૉક્ટરો પણ કબૂતરોને લઈને ખાસ્સા ચિંતિત છે. મહારાષ્ટ્રના પુણેના ડૉક્ટર વિજય વદારે સતત બે વર્ષ સુધી હજ્જારો લોકોના બ્લડ સેમ્પલ લીધાં જેમાં ૧૧૦૦ જેટલાં બાળકો પણ હતાં. આ રિસર્ચનું તારણ એ આવ્યું કે આ તમામ લોકોમાંથી લગભગ ૩૭ ટકા લોકોમાં કબૂતરના ચરકને લીધે ફેલાતાં ઇન્ફેક્શનનાં લક્ષણો મળી આવ્યાં! હવે જયારે શહેરમાં કબૂતરોની વસ્તી ખાસ્સી એવી વધતી જતી હોય અને આવાં બીમારીના કિસ્સાઓ
બહાર આવે તો સરકારનું પણ ચિંતિત થવું સ્વાભાવિક જ છે.
મહારાષ્ટ્રમાં થાણે નગર પાલિકાએ કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ મુક્યો છે અને ૫૦૦ રૂપિયાનો દંડ પણ જાહેર કર્યો છે. થાણે મહાનગર પાલિકાએ તો ઘણી જગ્યાઓ એ કબૂતરને લીધે થતી હાનિનાં પોસ્ટરો પણ લગાડ્યાં છે અને લોકોને કબૂતરોથી દૂર રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત કબૂતરોની વસ્તીને નિયંત્રણમાં રાખવાનાં પગલાંઓ વિષે પણ ચર્ચા વિચારણા થતી જ રહે છે. મુંબઈના જ કાંદિવલી પરાંમાં પોતાનું ક્લિનીક ચલાવતાં એક ડૉક્ટર કહે છે કે હમણાં થોડાં સમયથી મારે ત્યાં સામાન્ય ખાંસીની તકલીફ લઈને આવેલાં દર્દીઓ જયારે સામાન્ય દવાઓથી સાજા ન થયાં ત્યારે અમે એમના ઘણા રિપોર્ટ્સ કરાવ્યા જેમાં ખાંસીના દર્દીઓમાંથી લગભગ ૧૫ ટકા દર્દીઓને દમની તકલીફ પણ માલૂમ પડી. બારીકાઈથી તપાસ કરતાં સમજ પડી કે આ બધાં જ કોઈ ને કોઈ કારણસર કબૂતરોના લાંબા સમય સુધીનાં સંસર્ગમાં રહ્યા હતાં! ત્યારથી સામાજિક જવાબદારીના ભાગરૂપે હું મારાં તમામ દર્દીઓને કબૂતરો અને તેમનાથી થતાં રોગો વિષે માહિતગાર કરતો રહું છું.
એક માહિતી અનુસાર મુંબઈમાં છેલ્લા થોડા સમય દરમિયાન કબૂતરોની ચરક અને પાંખોમાંથી ઉડેલા હાનિકારક તત્ત્વોને કારણે બે મહિલાઓમાં ફેફસાં બદલવાની શસ્ત્રક્રિયા કરવી પડી અને કારણો જાણતાં માલૂમ પડ્યું કે આ બંને મહિલાઓના ઘરની આસપાસ ઘણા બધાં કબૂતરોનો વર્ષોથી જમાવડો રહેતો હતો. બોરીવલીમાં રહેતી ૩૮ વર્ષની હેમાલી શાહ કહે છે કે તેમણે નવું ઘર બદલ્યું ત્યારે ત્યાં ઘણા બધાં કબૂતરો ઘરની અંદર પણ આવી જતા અને ખૂબ પાંખો ફડફડાવીને ઉડાઉડ કરતાં રહેતાં. એકવાર અમારું ધ્યાન ગયું કે જ્યાં એ.સી. રાખ્યું હતું એની બહારની તરફની ખાલી પડેલી જગ્યા કબૂતરની ગંદકીથી ભરાઈ ગઈ છે ત્યારે અમે તેને સાફ કરાવડાવી પરંતુ આ જગ્યા સાફ કરતી વખતે ઉડેલી ઘણી બધી ધૂળ તેમનાં શ્ર્વાસમાં જતી રહી હતી અને સાવ થોડાં જ દિવસોમાં તેમને શ્ર્વાસની તકલીફ ઊભી થઇ અને પરિસ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. ૨૦૧૯માં એમનું લંગ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરાવવું પડ્યું!
ડૉક્ટર પ્રહલાદ પ્રભુ દેસાઈ એ આપેલી માહિતી અનુસાર ઉધરસ, શ્ર્વાસ લેવામાં તકલીફ થવી, ગળામાં તકલીફ થવી અને સામાન્ય દવાઓથી ઠીક ન થવું આ અને આ પ્રકારની બીજી તકલીફો લાંબા સમયથી હોય તો સત્વરે તપાસ કરાવી લેવી જોઈએ. હવે કબૂતરોથી ફેલાતાં આ રોગોને રોકવા શું કરી શકાય એ અંગે ડૉક્ટરોનું કહેવું છે સૌથી પહેલાં તો માનવીય રહેઠાણ વાળા વિસ્તારોમાં કબૂતરોને ખાવાનું આપવાનું બંધ કરવું જોઈએ કારણ કે એના લીધે જ તેઓ માનવવસ્તી તરફ વધુ ને વધુ આવવા માટે પ્રેરાશે. આ ઉપરાંત ઘરમાં તો કબૂતર ન જ આવે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એને માટે ઝીણા કાણાંવાળી જાળી પણ મળી રહે છે. ઘરની ગેલેરીમાં, એ.સી. ડક્ટની પાછળ કે બીજાં કોઈ ખૂણામાં કબૂતર માળો ન બનાવે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જયારે પણ ઘરની આજુબાજુના વિસ્તારોની સફાઈ કરવાની થાય ત્યારે માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે.
આ ઉપરાંત મહાનગરોનાં ઊંચાં મકાનોમાં રહેતાં લોકો પોતાના ઘરની બાલ્કનીઓમાં ફૂલ છોડ રાખતાં હોય છે એમાં કશું જ ખોટું નથી ઊલટું સારું જ છે પણ ઘણીવાર ખાલી પડેલાં કૂંડાઓમાં કબૂતરો ખૂબ ઝડપથી માળો બનાવી લેતાં હોય છે તો આવું ન બને એનું ધ્યાન રાખવું જોઈએ.