કવર સ્ટોરી – મુકેશ પંડ્યા
ભારતના પ્રથમ ગુજરાતી વડા પ્રધાન મોરારજી દેસાઈ જો જીવતા હોત તો તેમણે આજે ૧૨૭ વર્ષ પૂરાં કર્યાં હોત. જોકે તેમણે આયુષ્યનાં નવ્વાણુ વર્ષ પૂરાં કર્યાં અને એ પણ કોઇ પણ જાતની મોટી બીમારી વગર એ કાંઇ જેવી તેવી વાત નથી. મોરારજીભાઈ ૨૯ ફેબ્રુઆરી, ૧૮૯૬માં જન્મેલા. ૨૯ ફેબ્રુઆરી દર ચાર વર્ષે આવે છે એટલે આજે ૨૮ ફેબ્રુઆરીએ શિવામ્બુ ચિકિત્સાને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપીએ.
સ્વમૂત્રપાનથી શરીરની કેટલીય બીમારીઓ દૂર થાય છે એવું મોરારજીભાઈ દૃઢપણે માનતા હતા. તેમનો આ પ્રયોગ ચર્ચાસ્પદ પણ બન્યો હતો. વર્ષ ૧૯૫૯માં માનવમૂત્ર પર લખાયેલી એક પુસ્તકની પ્રસ્તાવના લખી હતી ત્યારે સંસદના એક સભ્યે તેમની ટીકા કરતાં કહ્યું હતું કે ફાઇનાન્સ મિનિસ્ટર આવી વાત કેવી રીતે લખી શકે? આ પ્રશ્ર્નનો જવાબ આપતાં મોરારજીભાઈએ કહ્યું હતું કે ‘આ વિશે મેં એક મિનિસ્ટર તરીકે નહીં, પણ અદના નાગરિક તરીકે લખ્યું છે. હું મિનિસ્ટર બન્યો તેનો અર્થ એવો થોડો છે કે મારી કોઇ વ્યક્તિગત લાઇફ ન હોય.’ શું આ યુરિન થેરપીથી ખરેખર ફાયદો થાય છે ખરો? તેનો કોઇ સાયન્ટિફિક આધાર ખરો? એવો પ્રશ્ર્ન તેમને પુછાતાં તેમણે જણાવ્યું હતું કે ‘મને કેટલાય લોકો પોતાના અનુભવથી લખીને જણાવે છે કે આનાથી ઘણા ફાયદા થાય છે અને તમે કયા સાયન્ટિફિક રિસર્ચની વાત કરો છો? લોકોને એલોપેથિક દવાઓ વિશેના રિસર્ચની જાણ હોય છે ખરી? તોયે લોકો કેટલી હાનિકારક દવાઓ ખાધા કરે છે.’
ત્યાર બાદ તેમણે ઇંગ્લેન્ડના જોન ડબ્લ્યુ. આર્મસ્ટ્રોન્ગ નામના માણસનું ઉદાહરણ આપ્યું હતું. તેઓ ટીબીના દર્દી હતા. તેમને બાઇબલમાંથી મૂત્રપાનની પ્રેરણા મળી. તેમાં લખ્યું હતું કે તારા પોતાના શરીરમાંના જળમાંથી જ તું (દર્દ નિવારવા) પાન કર. સૌપ્રથમ પોતાની જાત પર પ્રયોગો કરીને તેમણે અનેક રોગોમાંથી મુક્તિ મેળવી. ત્યાર બાદ અનેક લોકોને મૂત્રોપચારનું માર્ગદર્શન આપી તેમને મૂત્ર-ચિકિત્સા માટે પ્રેર્યા. વર્ષ ૧૯૪૪માં તેમણે પોતાના અનુભવો પર આધારિત ‘વૉટર ઑફ લાઇફ’ નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તક યુરોપ અને અન્ય દેશોમાં મૂત્ર ચિકિત્સાનો સર્વ પ્રથમ પ્રચાર-પ્રસાર કરવામાં નિમિત્ત બન્યું હતું.
ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં આ પદ્ધતિનો પ્રચાર કરવામાં ‘ભારત સેવક સમાજ’ના સ્વ. રાવજીભાઈ મણિભાઈ પટેલ નિમિત્ત બન્યા છે. તેમણે હૃદયરોગ સહિતની પોતાની અનેક તકલીફો આ ચિકિત્સાથી દૂર કરી અને અન્ય સેંકડો દર્દીની પણ સારવાર કરી. તેમણે ‘માનવમૂત્ર’ નામે ગુજરાતી ભાષામાં આ ચિકિત્સા વિશે સર્વ પ્રથમ પુસ્તક લખ્યું, જે ૧૯૫૯માં છપાયું. આ પુસ્તકની પંદર ઉપરાંત આવૃત્તિઓ અત્યાર સુધીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં છપાઇ ચૂકી છે. આ એ જ પુસ્તક છે જેની પ્રસ્તાવના મોરારજી દેસાઈએ લખી હતી અને તેમને મૂત્રપાનના પ્રયોગો કરવાની પ્રેરણા પણ આપી હતી. તેમણે ૩૦થી વધુ વર્ષો સુધી નિયમિત સ્વમૂત્રપાન કરીને ૯૯ વર્ષ સુધી સ્વસ્થ રીતે જીવન જીવી શકવાનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું.
રાવજીભાઈના પુસ્તક ઉપરાંત ‘વૉટર ઓફ લાઇફ’ પણ ખૂબ લોકપ્રિય થયું અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં મૂત્રોપચારનો એક તબીબી પદ્ધતિ તરીકે પ્રચાર, પ્રસાર અને સ્વીકાર થયો.
મોરારજી દેસાઈએ મૂત્ર ચિકિત્સા વિશે ૭૦ વર્ષની ઉંમરે અભિપ્રાય આપતાં એક ઠેકાણે લખ્યું હતું કે તેમને ૪૦ વર્ષથી બંધકોષની સમસ્યા હતી. તે મૂત્રપાનથી સદંતર મટી ગઇ હતી. આંખે મોતિયો આવવાની શરૂઆત થતાં તેમણે આંખમાં પણ સ્વમૂત્ર આંજવા માંડ્યું હતું જેનાથી મોતિયો આવ્યો નહોતો. કાનમાં ટીપાં નાખવાથી કાન પણ સ્વસ્થ થયા હતા. તેમણે વધુમાં લખ્યું હતું કે ‘હું રોજ ૨૦૦ મિલિ. જેટલું સ્વમૂત્ર પીઉં છું અને છેલ્લાં ૩૦ વર્ષથી મને કોઇ બીમારી નથી. ચામડીના રોગમાં પણ સ્વમૂત્ર અસરકારક છે. શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો કૅન્સર અને ટીબી જેવા અસાધ્ય રોગોમાંય ફાયદો થાય છે. મેં અનેક દર્દીઓને મૂત્ર પ્રયોગ બતાવ્યો છે અને તે બધા સારા થયા છે.’
વૉટર ઑફ લાઇફના લેખક આર્મસ્ટ્રોન્ગ જણાવે છે કે ‘મેં મારા જ મૂત્ર અને નળના પાણી પર નભીને ૪૫ દિવસના ઉપવાસ કર્યા અને શરીરે માલિશ કર્યું. પછી મેં ઉપવાસ છોડ્યા. ખોરાક લેવાનું શરૂ કર્યું. સાથે સ્વમૂત્ર
લેવાનું ચાલુ રાખ્યું. આ પ્રયોગથી મને નવજીવન મળ્યું. ( તેમને ૧૯૧૪ની સાલમાં ફેફસાના ટી.બી.નું દર્દ હતું.) મારું વજન વધ્યું. મારી ત્વચા પણ એક નાનકડી છોકરીની જેમ સુંવાળી અને તેજસ્વી થઇ હતી. મારો ટી.બી. તથા ડાયાબિટીસ જડમૂળથી મટી ગયા હતા.’
ગુજરાતમાં આ ચિકિત્સાનો પ્રચાર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર અને ‘માનવમૂત્ર’ પુસ્તકના લેખક સ્વમૂત્રોપચાર વિશે અભિપ્રાય આપતાં જણાવે છે કે રાવજીભાઈ પટેલ જણાવે છે કે ‘બગડેલા સ્વાસ્થ્યને પાછું પ્રાપ્ત કરવા માટે શરીરમાં વધઘટ પામેલાં પાંચ મહાભૂત તત્ત્વોને સપ્રમાણ કરવાં જોઇએ. આ કાર્ય કરવાની શક્તિ કેવળ સ્વમૂત્રમાં જ છે. જીવમાત્ર માટે સ્વમૂત્ર એક કુદરતી બક્ષિસ (ઔષધિ) છે.’
હવે સાનંદાશ્ર્ચર્ય થાય એવી વાત એ છે કે આપણાં પુરાણો અને પ્રાચીન શાસ્ત્રોમાં પણ આ પદ્ધતિનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ થયો જ છે. સંસ્કૃત ભાષામાં લખાયેલા ‘શિવામ્બુકલ્પ’નામના ગ્રંથમાં ભગવાન શિવ અને પાર્વતી વચ્ચે થયેલા સંવાદમાં મૂત્રને અમૃતરૂપે આલેખી તેનાથી થતા અનેક ફાયદાઓનું વર્ણન થયું છે. શિવામ્બુ શબ્દને છૂટો પાડીએ તો શિવ+અમ્બુ થાય. શિવ એટલે કલ્યાણકારી અને અમ્બુ એટલે જળ. પોતાના શરીરનું કલ્યાણકારી મૂત્રરૂપી જળ એટલે જ શિવામ્બુ.
આ ઉપરાંત પણ અનેક પ્રાચીન ભારતીય ગ્રંથોમાં તેનો ઉલ્લેખ થયો છે તેની રસપ્રદ વાતો અને શિવામ્બુનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વધુ વિગતો આવતે અઠવાડિયે જાણીશું. (ક્રમશ:)