કવર સ્ટોરી – મુકેશ પંડ્યા
આજે ૨૧ ફેબ્રુઆરી વિશ્ર્વભરમાં માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. દુનિયાના મોટા ભાગના દેશોમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવામાં આવે છે. બાળક માતાના ખોળામાં જેટલું ખીલે એટલું આયાના ખોળામાં ન ખીલી શકે. જર્મની અને જાપાન જેવા વિકસિત દેશોમાં સર્વેક્ષણો થયા ત્યારે તેનાં તારણોમાંથી જાણવા મળ્યું હતું કે માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિને જિંદગીના બધા પડકાર ઝીલવા સક્ષમ બનાવે છે.
ઇઝરાયલ આપણાં દેશ કરતાં ઘણો નાનો દેશ છે,પણ તેણે વિજ્ઞાન ક્ષેત્રે ઘણી પ્રગતિ સાધી છે. માતૃભાષામાં શિક્ષણ લેનાર વિદ્યાર્થી માનસિક રીતે વધુ સક્ષમ હોય છે. ભણતી વખતે વિદ્યાર્થી માનસિક રીતે વધુ સ્વસ્થ હોય એ અત્યંત જરૂરી છે.
મનોવૈજ્ઞાનિકો અને બાળરોગ ચિકિત્સકો પણ માને છે કે બાળક જ્યારે ઘરે અલગ ભાષા બોલતું હોય અને શાળામાં અલગ ભાષા શીખતું હોય ત્યારે મુંઝાય છે. ઘરે માતૃભાષા શીખેલું બાળક માતૃભાષામાં બોલતા-સાંભળતા તો શીખી જ ગયું હોય છે. શાળામાં તેણે આ ભાષા ફક્ત વાંચતા-લખતા જ શીખવી પડે છે. જ્યારે અન્ય ભાષામાં દાખલ કરાયેલ બાળકને બોલતા-સાંભળતા-લખતાં-વાંચતા એમ ચારે પ્રકારની ક્રિયાઓ શાળામાં જ શીખવી પડે છે, જે સરખામણીમાં વધુ મુશ્કેલ પડે છે.
જે ભાષામાં બાળકનો ઉછેર થયો હોય એ ભાષામાં તેની ગ્રહણ શક્તિ, સમજણ શક્તિ અને વિચાર શક્તિ વધુ ખીલી ઊઠે છે. મગજ એક કૉમ્પ્યુટર છે અને તેમાં સૌથી વધુ બંધબેસતી ભાષા માતૃભાષા છે.
માતૃભાષામાં શીખેલા બાળક, અન્ય ભાષાઓ સપોર્ટ લેન્ગવેજ તરીકે જલદીથી શીખી જાય છે. અંગ્રેજી ભાષામાં શીખનાર જ વધુ ભણી શકે, ડૉક્ટર, વૈજ્ઞાનિક, એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટ બની શકે એ વાતમાં દમ નથી. માતૃભાષામાં ભણેલા આપણા ભારતીય વિદ્યાર્થીઓ અનેક વિકસિત દેશોની મોટી મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે.
માતૃભાષામાં શીખતું બાળક પોતાની સંસ્કૃતિ પણ ઝડપથી આત્મસાત કરી લે છે. અંગ્રેજીમાં ભણતું બાળક ઇંગ્લેન્ડની કવિતા ગણગણે છે….
રેઇન રેઇન ગો અવે… આ કવિતા લંડનમાં ચાલે જ્યાં વરસાદ વારંવાર વિઘ્ન બનીને આવતો હોય ત્યાં ચાલી શકે. ભારત જેવા દેશોમાં તો વર્ષમાં માંડ બેથી ત્રણ મહિના જ વરસાદ આવતો હોય ત્યારે વરસાદને આવકારવાની વાતો થવી જોઇએ.
માતૃભાષામાં ભણતો બાળક ચોમાસામાં
આવ રે વરસાદ, ઘેવરિયો વરસાદ
ઊની ઊની રોટલીને કારેલાનું શાક
ગાઇને જે આનંદ અનુભવી શકે છે એ રેઇન રેઇન ગો અવે … નામથી ન જ અનુભવી શકે. માતૃભાષામાં શીખતો બાળક આપણા દેશની સંસ્કૃતિની સાથે આરોગ્યનો એકડો પણ શીખી શકે છે. વરસાદ જેવી રોગિષ્ટ ઋતુમાં ગરમ ભોજન ખાવા જોઇએ અને શરીરની સુખાકારી માટે કારેલા ખાઇને કડવો રસ પણ શરીરમાં જવા દેવો જોઇએ એ વાત ઝડપથી શીખી જાય છે.
ઘરમાં દાદા-દાદીને ભગવાન રામ કે કૃષ્ણનું નામ લેતા સાંભળે તો શાળામાં અંગે્રેજી પુસ્તકમાં ઓહ ગોડ કહીને ઇશુની પ્રાર્થના કરતા લેખકોની વાતો વાંચે ત્યારે નાનું બાળક મુંઝાઇ જાય એ સ્વાભાવિક છે. ઘણી વાર નાનપણમાં જ બેવડી સંસ્કૃતિનો ભાર માથા પર પડવાથી કેટલાક બાળક આ સહન ન કરી શકવાથી ભણવામાં કાચા રહી ગયા હોવાના દાખલા પણ બન્યા છે.
સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાતના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રમોદકુમાર તિવારી જણાવે છે કે બાળપણમાં માતૃભાષા સિવાયની અન્ય ભાષાઓનો બોજ ઠોકી બેસાડવાથી બાળકોને ભણવામાંથી જ રસ ઊડી જાય તેવું બની શકે. ભૂતકાળમાં ઘણાં બાળકોને અંગ્રેજી માધ્યમમાંથી ઉઠાડી ફરીથી માતૃભાષાના માધ્યમમાં દાખલ કરાયા છે.
દરેક પ્રજાને પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે ખૂબ લગાવ હોય છે. માતૃભાષાને કારણે વર્ગખંડમાં જ જીવન મૂલ્યો અને સાંસ્કૃતિક મૂલ્યોને સ્થાન મળવાથી બાળકનો શ્રેષ્ઠ નાગરિક તરીકે વિકાસ થાય છે. બાળક માતૃભાષામાં જ વિચારતું હોય છે, કલ્પના કરતું હોય છે કે સપના જોતું હોય છે. આ ભાષામાં જ જો તેને લખવા-વાંચવાનું જ મળી જાય તો એ બમણી ગતિથી વિકાસ સાધી શકે છે.
જૂન ૨૦૨૩થી ભારતમાં પ્રત્યેક બાળકને કમ સે કમ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં ભણવા મળે એવી સરસ કેન્દ્રિય નીતિ આવી રહી છે તેનો લાભ દરેક વાલીઓએ ઉઠાવવો જોઇએ. ઉ