Homeવીકએન્ડમોદીને બીબીસી કે કોઈ ચૌદશિયાના સર્ટિફિકેટની જરૂર નથી

મોદીને બીબીસી કે કોઈ ચૌદશિયાના સર્ટિફિકેટની જરૂર નથી

કવર સ્ટોરી – વિજય વ્યાસ

બ્રિટનની ટીવી ચેનલ બીબીસીએ ભારતમાં મુસ્લિમોની સ્થિતી પર બનાવેલી ડોક્યુમેન્ટરી ‘ઈન્ડિયા:ધ મોદી ક્વેશ્ર્ચન’ના કારણે મોટો વિવાદ સર્જાઈ ગયો છે. બે ભાગમાં બનાવાયેલી ડોક્યુમેન્ટરીનો પહેલો ભાગ ૧૭ જાન્યુઆરીએ રીલીઝ કરાયો એ સાથે જ વિવાદ શરૂ થઈ ગયેલો.ભારત સરકારે આ ડોક્યુમેન્ટરી ભારત સરકાર તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેનો કુપ્રચાર ગણાવીનેતેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
ભારત સરકારે યુટ્યૂબને પણ ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ડોક્યુમેન્ટરીનો પહેલો એપિસોડ હટાવી લેવાનું ફરમાન કરી દીધેલું. ટ્વિટરને પણ આ ડોક્યુમેન્ટરીની લિંક્સ શેર કરતી ટ્વિટને ડિલિટ કરવા કહી દેવાયેલું. તેના કારણે બીબીસીની ડોક્યુમેન્ટરી ભારતમાં ક્યાંય રિલીઝ થઈ નથી.
બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે પણ ભારતના વલણને ટેકો આપેલો. સુનકે આ ડોક્યુમેન્ટરીમાં નરેન્દ્ર મોદીનું ચિત્રણ જે રીતે કરાયું છે તે પોતાને માન્ય નહીં હોવાનો સ્પષ્ટ મત વ્યક્ત કરેલો. બીબીસીએ આ બધી વાતોને અવગણીને બીજો એપિસોડ ૨૪ જાન્યુઆરીએ રિલીઝ કરી દીધો છે.
ભારતમાં ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ પર પ્રતિબંધ છે તેથી ભારતમાં ખુલ્લેઆમ એ જોઈ શકાય તેમ નથી પણ ઈન્ટરનેટના જમાનામાં કશાને રોકવું શક્ય નથી. બીબીસીની વેબસાઈટ, યુટ્યૂબ ચેનલ કે બીજા સત્તાવાર પ્લેટફોર્મ પર એ ના બતાવાય પણ તેને ડાઉનલોડ કરીને બીજી વેબસાઈટ પર કે ઈવન યુટ્યૂબ ચેનલ પર ચડાવી જ શકાય. ટેલીગ્રાફ મારફતે તેની લિંક પણ શેર કરી શકાય તેથી ભાજપનું શાસન નથી એવા રાજ્યોમાં આ ડોક્યુમેન્ટરી ખુલ્લેઆમ જોવાઈ રહી છે.
તેલંગણાના હૈદરાબાદમાં ભાજપવિરોધી ભારત રાષ્ટ્ર સમિતિના કે. ચંદ્રશેખર રાવની સરકાર હોવાથી મોદી વિરોધીઓને કોઈ રોકનાર કે ટોકનાર નથી તેથી હૈદરાબાદ યુનિવર્સિટીમાં તો ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ જાહેરમાં દર્શાવાઈ. હજારો વિદ્યાર્થીઓએ આ ડોક્યુમેન્ટરી જોઈ અને એ અંગે કોમેન્ટ્સ પણ કરી છે. હૈદરાબાદ પોલીસે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાં મારવાનો ધંધો કરીને નોંધવા ખાતર ફરિયાદ નોંધી છે પણ કોઈ પગલાં લીધાં નથી.
દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં પણ આ ડોક્યુમેન્ટરી જાહેરમાં દર્શાવાઈ. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જવાબદારી કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે છે તેથી ચાર વ્યક્તિની ધરપકડ કરી છે પણ તેનો મતલબ નથી. આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે વગોવાયેલી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં પણ ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ ડોક્યુમેન્ટરી જાહેરમાં દર્શાવવાના ઉધામા થઈ રહ્યા છે ને તેના કારણે તનાવનો માહોલ છે. બીજે પણ ઘણે આવા ઉધામા થઈ રહ્યા છે તેથી આ ડોક્યુમેન્ટરીને કારણે મામલો ગરમ છે.
બીબીસીએ ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ ડોક્યુમેન્ટરી બનાવીને લુચ્ચાઈ કરી છે ને એક રીતે ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરી છે. તેની વાત કરતાં પહેલાં ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ ડોક્યુમેન્ટરી વિશે એક સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે. આ ડોક્યુમેન્ટરી ભારતમાં રીલીઝ થઈ નથી તેથી તેમાં ખરેખર શું બતાવાયું છે એ ખબર નથી પણ મીડિયામાં કહેવાય છે એ રીતે ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ ડોક્યુમેન્ટરી માત્ર ગુજરાતનાં રમખાણો પર કેન્દ્રિત નથી પણ ભારતના મુસ્લિમોની સ્થિતિ પર આધારિત છે. ડોક્યુમેન્ટરીમાં નરેન્દ્ર મોદીને ગોધરાકાંડ પછી ફાટી નિકળેલાં ગુજરાતનાં રમખાણો માટે જ આરોપીના કઠેડામાં ઊભા કરાયા છે એવું નથી પણ મોદીને મુસ્લિમોને દબાવીને શોષણ કરનારા શાસક ગણાવાયા છે.
બીબીસીએ ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ ડોક્યુમેન્ટરીના પહેલા એપિસોડ અને બીજા એપિસોડની પૂર્વભૂમિકામાં જે કંઈ લખ્યું છે એ વાંચશો તો આ વાત સમજાઈ જશે.
પહેલા એપિસોડની પ્રસ્તાવનામાં મોદીને ભારતની હાલની પેઢીના સૌથી શક્તિશાળી નેતા અને એશિયામાં ચીનના વધતા વર્ચસ્વને રોકવા માટે પશ્ર્ચિમની સંરક્ષણાત્મક દીવાલ ગણાવાયા છે. મોદી યુકે અને યુએસ બંનેના મહત્વના સાથી હોવાનો પણ ઉલ્લેખ છે. એ પછી ટિપ્પણી કરાઈ છે કે,આ બધા છતાં મોદી સરકારના ભારતના મુસ્લિમો તરફના અભિગમના કારણે તેમના પર સતત આક્ષેપો થાય છે. દાવો કરાયો છે કે,આ સિરીઝમાં આ આક્ષેપોની સત્યતા અંગે તપાસ કરાઈ છે. સાથે સાથે ભારતની સૌથી મોટી ધાર્મિક લઘુમતી એવા મુસ્લિમો તરફની નીતિની વાત આવે ત્યારે ઉઠતા સવાલોના જવાબ મેળવવા મોદીનો ભૂતકાળ પણ ફંફોસવામાં આવ્યો છે. મોદીના રાજકારણમાં પ્રવેશ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંબંધો,ભાજપમાં તેમનો ઉદય,મુખ્યમંત્રી તરીકે વરણી અને ૨૦૦૨નાં રમખાણોના મુદ્દાને તેમાં આવરી લેવાયા છે.
બીજા એપિસોડમાં મોદી ૨૦૧૯માં ફરી વડા પ્રધાન બન્યા પછી તેમની કહેવાતી વિવાદાસ્પદ નીતિઓની વાત કરાઈ છે. બંધારણની કલમ ૩૭૦ની નાબૂદીથી માંડીને સીએએ સુધીના નિર્ણયો દ્વારા મોદીએ મુસ્લિમોને અન્યાય કર્યો હોવાનો દાવો થાય છે એવું પણ કહેવાયું છે. મુસ્લિમો પર હિંદુઓ દ્વારા હુમલા કરાય છે એવું પણ કહેવાયું છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ સહિતનાં માનવાધિકાર સંગઠનો આ નીતિઓને મુસ્લિમ વિરોધી ગણાવે છે એવું પણ કહેવાયું છે.
બીબીસીએ પોતાની વેબસાઈટ પર બંને એપિસોડની પ્રસ્તાવનાનો આ સાર છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે,આ સિરીઝમાં વાત ગોધરાકાંડ પછીનાં ગુજરાતનાં રમખાણો માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવાયા એ પૂરતી મર્યાદિત નથી પણ મોદી શાસનમાં મુસ્લિમો પર અત્યાચાર થાય છે,મુસ્લિમ વિરોધી નીતિઓ ઘડાય છે,મુસ્લિમો પર હિંદુઓ દ્વારા હુમલા કરાય છે એવી બકવાસ વાતો પણ છે.ગોધરાકાંડ પછી ફાટી નીકળેલાં ગુજરાતનાં રમખાણોમા મોદીએ વિલનની ભૂમિકા
ભજવેલી એવો આક્ષેપ તો વાહિયાત છે જ પણ મોદી શાસનમાં મુસ્લિમો પર અત્યાચાર થાય છે એ વાત વધારે ગંભીર છે.
ગોધરાકાંડ પછી ફાટી નીકળેલાં ગુજરાતનાં રમખાણોમાં મોદીની સંડોવણીની વાત બકવાસ છે એ પહેલાં જ સાબિત થઈ ગયું છે. ગુજરાતનાં રમખાણો થયાં ત્યારથી આ રમખાણો મોદીના ઈશારે થયેલાં એવા આક્ષેપો થાય છે. મોદીએ પોલીસને કશું ના કરવા દઈને મુસ્લિમોની હત્યા કરી હોવાના આક્ષેપો વરસોથી સાંભળીએ છીએ. આ અંગે પહેલાં મોદી સામે મીડિયા ટ્રાયલ ચાલ્યો ને અંગ્રેજી મીડિયાએ એવું ચિત્ર ઊભું કરી દીધેલું કે, મોદીએ ગુજરાતનાં તોફાનો ભડકાવ્યાં અને રમખાણગ્રસ્તોને મદદ કરવાના બદલે તોફાનીઓને છૂટો દોર આપીને ગુજરાતમાં મુસ્લિમોને વીણી વીણીને સાફ કરવાનું કાવતરું ઘડેલું.
આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયેલો ને સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં રમખાણોના ૧૦ કેસોની તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ) બનાવી હતી. એસઆઈટીએ માર્ચ ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટને આપેલા રિપોર્ટમાં મોદીને ક્લિન ચીટ આપેલી.તેની સામે સુપ્રીમ કોર્ટ સુધી અરજી થયેલી પણ સુપ્રીમ કોર્ટે સુધ્ધાં મોદીને ક્લીન ચીટ આપી તેથી આ આક્ષેપોની હવા નીકળી ગયેલી. આ પછડાટ છતાં મોદી વિરોધી જમાત એકની એક રેકર્ડ વગાડીને મોદીને મુસ્લિમોના હત્યારા ચિતરવા મથ્યા કરે છે.
આ રમખાણોના બહાને મોદીને મુસ્લિમ વિરોધી ચિતરવાના ધમપછાડા વરસો ચાલ્યાં. તેમાં ફાવ્યા નહીં એટલે મોદી કોઈ પણ નિર્ણય લે તેને મુસ્લિમ વિરોધી ગણાવીને મોદી દેશના મુસ્લિમોને દબાવે છે, તેમને સાફ કરી નાખવા મથે છે એવી વાતો ચલાવાય છે.
બીબીસીની ડોક્યુમેન્ટરીમાં એ જ ધંધો કરાયો છે. આ પ્રકારના આક્ષેપો કરીને બીબીસીએ ભારતની આંતરિક બાબતમાં દખલ કરી છે એ કોઈ સંજોગોમાં ના ચલાવી લેવાય. આ દેશના મુસ્લિમો આ આક્ષેપો કરતા નથી. એ લોકો તો ભારતમાં ખુશ છે પણ માનવાધિકારો અને મુસ્લિમોના નામે ચરી ખાતા પાંચ-સાત ચૌદશિયાઓ આ વાતો કરે છે. બીબીસીએ આ ચૌદશિયાઓને આગળ કરીને ડોક્યુમેન્ટરી બનાવી દીધી છે ને ભારતને બદનામ કરવાની કોશિશ કરી છે. આ ડોક્યુમેન્ટરી ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર કરાય છે એવું ચિત્ર ઊભું કરવાની હલકટાઈ કરે છે.
ભારતીયોએ આ હલકટાઈ સામે પ્રચંડ વિરોધ કરવો જોઈએ ને બીબીસી સુધી પડઘો પડવો જોઈએ. ભારતની પ્રજાએ ચૂંટેલી સરકાર ને તેના વડા સામે વાહિયાત આક્ષેપો કરનારને ભારતની પ્રજા સાંખી નહીં લે તેનો અહેસાસ બીબીસીને કરાવવો જોઈએ. આ વિરોધની આગેવાની મુસ્લિમોએ લેવી જોઈએ. મોદીશાસનમાં મુસ્લિમો પર કોઈ અત્યાચાર થતા નથી કે અન્યાય થતા નથી એ વાત મુસ્લિમોએ મોટા અવાજે કહેવી જોઈએ કેમ કે આ મુદ્દો તેમના દેશનો પણ છે,તેમના દેશના વડા પ્રધાનની બદનામીનો પણ છે. બહારનાં લોકો તેમના નામે દેશને બદનામ કરે તેની સામે મુસ્લિમો ચૂપ નહીં બેસે એ મેસેજ સાફ રીતે જાય એ જરૂરી છે. મુસ્લિમો આ દેશના નાગરિકો છે ને દેશના બીજા નાગરિકોની જેમ મુસ્લિમો પણ અહીં તમામ અધિકારો ભોગવે છે એ વાત તેમણે સાફ શબ્દોમાં કરવી જોઈએ.
જ્યાં સુધી મોદીનો સવાલ છે, મોદીને બીજા કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. તેમાંય ભારતવિરોધી ચશ્મા ચડાંવીને બેઠેલા બીબીસીના પત્રકાર કે ભારતમાં જ રહીને ભારતનું ખોદતા બબૂચક જેવા રાજકીય વિશ્ર્લેષકોના સર્ટિફિકેટની તો બિલકુલ જરૂર નથી. મોદી નિર્દોષ છે એવું સર્ટિફિકેટ ગુજરાતની પ્રજાએ બહુ પહેલાં જ આપી દીધેલું ને દેશની પ્રજાએ તેમ જ આ દેશની સર્વોચ્ચ અદાલતે પણ આપી દીધું છે. ગુજરાતની પ્રજાએ સળંગ ત્રણ વાર મોદીના નેતૃત્વમાં ભારતને જીતાડેલો ને આ દેશની પ્રજાએ મોદીને સળંગ બે વાર લોકસભાની ચૂંટણીમાં જીત આપીને દેશના વડા પ્રધાન બનાવ્યા છે. આ દેશના ૮૦ કરોડ મતદારોએ ક્લીન ચીટ આપી દીધી, આ દેશની સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી દીધી પછી બીબીસી કે બીજું કોઈ કંઈ પણ ભસ્યા કરે તેનાથી કોઈ ફરક પડતો નથી.
મોદી સરકારે ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકી દીધો તેથી ભારતવિરોધ લવારા કોણે કર્યા છે, આ દેશનું ખાઈને દેશનું ખોદનારા ગદ્દાર કોણ છે એ આપણને ખબર નથી પણ આ નમૂનોઓને ઉઘાડા પાડવા જોઈએ. મોદીને બદનામ કરવાની વિકૃતિ સંતોષવા માટે એ લોકો દેશને બદનામ કરી રહ્યા છે તેમની સામે કડક હાથે કામ લેવું જોઈએ.
અંગ્રેજોએ આ દેશમાં ભાગલા પાડો ને રાજ કરો એ નીતિ અપનાવીને દોઢસો વરસ રાજ કરેલું. અંગ્રેજો દ્વારા ચલાવાતી બીબીસી એ જ ખેલ કરી કરી છે ત્યારે ભારતીયો એક થઈને અવાજ ઉઠાવે. બાકી આ રીતે ગમે તે આપણને ગાળો દઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular