કવર સ્ટોરી – મુકેશ પંડ્યા
પતંગ ન ચગાવવો હોય તો પણ આ ઋતુમાં અગાશીમાં કે ખુલ્લા સ્થળે
હવા ખાવા જરૂર જજો
—
શિયાળામાં મકાનની અગાશી, ખુલ્લા બાગબગીચા કે મેદાનોમાં સૂર્યની
સાથેસાથે વાયુસ્નાન કરવામાં તમારે મેળવવાનું ઘણું છે, ગુમાવવાનું કશું જ
નથી. પાણીને જ શરીરશુદ્ધિનું સાધન માનનારે એ જાણવું જરૂરી છે કે વાયુ
પણ એટલી જ સારી-સુંદર રીતે શરીરને બહારથી અને અંદરથી પણ શુદ્ધ
કરે છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે ‘પવિત્ર કરનારામાં પવન હું છું.’
એ સાબિત કરે છે કે પવન કેટલું ઉચ્ચ સ્થાન ભોગવે છે. અનેક ગ્રંથોમાં
પવનદેવ અને તેના પુત્ર હનુમાન જે પવનસૂત હનુમાન તરીકે
જગવિખ્યાત છે અને વાયુપુત્ર ભીમનો ઠેરઠેર ઉલ્લેખ છે. ઉનાળાની
ગરમીથી ત્રસ્ત અને ચોમાસાના ભેજથી ગ્રસ્ત થયેલો પવન શિયાળામાં સૂકો
અને હળવો બની તમારી સાથે મસ્તીમજાક કરવા આવતો હોય છે. તેમાં
ડૂબકી દઈ ગંગા નાહ્યાનું પુણ્ય અગાશીમાં બેઠાબેઠા મેળવવાનું ચૂકશો નહીં.
સૂકી હવા ખાવા લોકો દૂરદૂર સુધી જાય છે. હિલસ્ટેશન, દરિયાકિનારા,
ગામડાં, ખેતરો આ દરેક સ્થળોએ લોકો ખર્ચો કરીને જતાં હોય છે.
શિયાળામાં આવી સૂકી હવા તમારા ઘરઆંગણે આવી પહોંચે છે. માનવીને
કુદરતે પગ આપ્યા છે એટલે વિવિધતા મેળવવા એક સ્થળેથી બીજે સ્થળે
મુસાફરી કરી શકે છે, પણ વર્ષોથી ધરતીના પેટમાં મૂળિયાં ઘાલીને બેઠેલા
ઝાડ-છોડ, વનસ્પતિ તેમ જ અસમર્થ મનુષ્યોને મળવા સામે ચાલીને આવે
છે. વાયુનો સદુપયોગ ત્યારે જ થાય જ્યારે તમે ઊંડા શ્ર્વાસ લો. આજનું
વિજ્ઞાન આરોગ્યમય જીવન માટે ઊંડા શ્ર્વાસ લેવાનું કહે છે. આપણાં
શાસ્ત્રોમાં પણ ‘પ્રાણાયામ’ને ઉચ્ચ કસરત ગણવામાં આવી છે, કારણ કે
તેનાથી ફેફસાંને અને પેટને કસરત તો મળે છે, સાથેસાથે વધુ પ્રાણવાયુ
લોહીમાં ભળવાથી તે વધુ શુદ્ધ બને છે અને શરીરને સ્ફૂર્તિ અને શક્તિ બક્ષે
છે. પાણી શરીરને બહારથી શુદ્ધ કરે છે પરંતુ વાયુ તો શરીરને બહારથી
અને અંદરથી શુદ્ધ કરે છે.
વાયુના કણો પાણીના કણો કરતાં પણ સૂક્ષ્મ હોઈ અને ઝડપથી પ્રસરતા
હોઈ શિયાળામાં શરીરના રોમરોમમાં પ્રવેશી તેને સ્વચ્છ કરવામાં સુંદર
ભાગ ભજવે છે. આ દિવસોમાં પતંગ ચગાવવાના બહાને પણ અગાશીમાં કે
ખુલ્લાં મેદાનોમાં ફરવા જવું જરૂરી છે. સૂર્યની ગરમી અને પવનની ઠંડક
બન્નેના મિશ્રણથી તૈયાર થયેલી હૂંફ તમારા તન અને મનને પ્રફુલ્લિત કરી
મૂકે છે. પવન આવતો હોય એ દિશામાં મોં કરી ચહેરા, હાથ અને પગ પર
હળવો હાથ ફેરવવાથી છિદ્રો ખૂલે છે અને વધુ પ્રમાણમાં પ્રાણવાયુ શરીરમાં
પ્રવેશી કોષોને અધિક શક્તિ પ્રદાન કરે છે. બને તેટલા ઓછા અને ખુલતા
સુતરાઉ કાપડ જેવાં છિદ્રાળુ વસ્ત્રો પહેરવાથી વાયુસ્નાનનો વધુ ફાયદો લઈ
શકાય છે.
આપણા શરીરમાં જે પાંચ પ્રકારના વાયુ ઋષિમુનિઓએ વર્ણવેલા છે, જેમ કે
પ્રાણવાયુ, ઉદાનવાયુ, સમાનવાયુ, અપાનવાયુ અને વ્યાનવાયુ તે આજના
શોધાયેલા વાયુઓની સાથે ઘણી રીતે મળતા આવે છે. દાખલા તરીકે
પ્રણાવાયુ એટલે ઑક્સિજન કે જેના આધારે જ દરેક જીવસૃષ્ટિના પ્રાણ ટકી
રહેલા છે. આપણાં શાસ્ત્રોમાં પ્રાણવાયુનું સ્થાન હૃદયમાં બતાવ્યું છે, જે
આજનું વિજ્ઞાન પણ કહે છે કે ઑક્સિજન ફેફસાં વાટે હૃદયમાં પહોંચી
જીવનઊર્જા અર્પણ કરે છે. ઉદાનવાયુ, જેનું સ્થાન શાસ્ત્રોમાં કંઠ બતાવેલ છે,
જેને કાર્બન ડાયોકસાઈડ વાયુ ગણી શકાય, જે આપણા શરીરની અશુદ્ધિ
ગળામાંથી નાક વાટે બહાર કાઢે છે, જેને કારણે બોલવાનું પણ શક્ય બને
છે. માટે જ તેનું સ્થાન કંઠમાં બતાવેલ છે. સમાનવાયુ, જે પેટના સ્થાનમાં
રહેલો ગણાવ્યો છે, જે શરીરમાં ભૂખ અને તરસ લગાડવાનું કામ કરે છે. આ
સમાનવાયુને આજના હાઈડ્રોજન વાયુ સાથે સરખાવી શકાય, કારણ કે
પેટમાં રહેલા ઍસિટિક તત્ત્વ તેમાં રહેલા હાઈડ્રોજનના કારણે જ સક્રિય હોય
છે, જે ભૂખ અને તરસની લાગણી જન્માવે છે. અપનાવાયુ આંતરડાંમાં
રહેલા મળને ધકેલી મળદ્વાર વાટે બહાર કાઢવામાં મદદ કરે છે. આ વાયુને
આજના મિથેન વાયુ સાથે સરખાવી શકાય. વ્યાનવાયુ મસ્તક તેમ જ
સમગ્ર શરીરમાં પ્રસરેલો બતાવેલો છે, જે આજના શોધાયેલા નાઈટ્રોજન
વાયુને મળતો આવે છે. આ નાઈટ્રોજન એટલે માથાથી લઈ પગ સુધી
પ્રસરેલા પ્રોટીનના એક મહત્ત્વનો ઘટક જે શરીરનો વિકાસ કરે છે.
શ્ર્વાસોશ્ર્વાસ અને પાચનથી થતી દહનક્રિયાના પરિણામથી જે અશુદ્ધિ પેદા
થાય છે, તેમાં મુખ્ય કાર્બન હોય છે. આ કાર્બનને હૃદયમાં રહેલો ઑક્સિજન,
કાર્બન ડાયોકસાઈડ (ઈઘ૨)ના રૂપમાં ઉચ્છવાસ દ્વારા બહાર કાઢે છે અને
પેટમાં રહેલો હાઈડ્રોજન મિથેનના (ઈઇં૪) રૂપમાં મળદ્વાર દ્વારા બહાર કાઢે
છે. લોહીમાંની અશુદ્ધિ નાઈટ્રોજન સાથે સંયોજાઈ મૂત્ર સ્વરૂપે બહાર નીકળે
છે. આમ, સમગ્ર શરીરની અશુદ્ધિ બહાર કાઢવાનું કાર્ય મુખ્યત્વે વાયુ દ્વારા
થાય છે અને શરીર શુદ્ધ ને પવિત્ર બને છે. માટે જ ‘પવિત્ર કરનારામાં
પવન હું છું’ એમ શ્રીકૃષ્ણ ભગવાને કરેલી વાત અહીં સાર્થક થાય છે. માત્ર
શુધ્ધીકરણ જ નહીં, શરીરની પ્રત્યેક હિલચાલ વાયુને આભારી છે. હૃદયમાંનું
શુદ્ધ લોહી વાયુના લીધે જ અંગેઅંગમાં પહોંચે છે.
શરીરની જેમ શરીરની બહાર પણ વિવિધ પ્રકારના વાયુ ભ્રમણ કરતા હોય
છે. જે રીતે માછલી પાણીથી ઘેરાયેલી હોય છે એ જ રીતે સમગ્ર જીવસૃષ્ટિ
વાયુના આવરણથી ઘેરાયેલી હોય છે. આ આવરણ મનુષ્યને જિવાડે તો છે
જ, પણ તેના સૌથી ઉપલા થરમાં રહેલા ઓઝોન વાયુના કારણે સૂર્યનાં
હાનિકારક કિરણોથી બચાવ પણ કરે છે. વાયુના કારણે જ વાદળાં બંધાય છે
અને વરસાદ પણ આવે છે. તેજસ્વી સૂર્ય પણ ધગધગતા હાઈડ્રોજન
વાયુનો ગોળો જ છે. આમ, શરીર અને જગતનું સંચાલન વાયુદેવના કારણે
જ શક્ય બને છે. આવા શક્તિશાળી દેવ, સૂર્યદેવ, અગ્નિદેવ કે જળદેવની
જેમ જોઈ શકાતા નથી. તેથી તેમના તરફ દુર્લક્ષ સેવાય છે, પરંતુ તે પણ
અતિ મહત્ત્વના છે.
ઉત્તરાયણ: પોષમાં પોષણ આપતો તહેવાર
ખગોળ વિજ્ઞાનની દૃષ્ટિએ ઉત્તરાયણ વખતે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે
છે. આ રાશિનો માલિક શનિ છે, જે વાયુકારક ગણાય છે. માટે આ દિવસોમાં
વાયુદેવની કૃપા મેળવવા માટે ખુલ્લા મેદાનમાં કે અગાશીમાં જઈને
વાયુસ્નાનનો લાભ લેવો જરૂરી છે.
ઉત્તરાયણ અને પતંગ: આ દિવસોમાં પતંગ ચગાવવાથી વધુ સમય
આપણે વાયુદેવના સાન્નિધ્યમાં રહી શકીએ છીએ. સૂર્યની સાક્ષીએ વાયુદેવ
સાથે રમતાં રમતાં, શરીરનું સ્વાસ્થ્ય સુધારવાનો આ સોનેરી અવસર છે.
જેમને પતંગ ચગાવવાનો શોખ ન હોય તે લોકોએ પણ ખુલ્લા મેદાન કે
અગાશીમાં જઈ વાયુસ્નાનનો લાભ અવશ્ય લેવો જોઈએ. ખુલ્લા આકાશ
નીચે તળાવ કે નદીમાં શક્ય હોય તો સ્નાન માટે જવું જોઈએ. આલીશાન
બાથરૂમમાં ઈમ્પોર્ટેડ સાબુ વડે સ્નાન કરવાથી શરીરને જે ફાયદા થાય છે
તેનાથી પણ વધુ ફાયદા ખુલ્લી જગ્યાએ વાયુ સાથે પાણીનું સ્નાન કરવાથી
થાય છે, માટે જ આપણાં શાસ્ત્રોમાં ઉત્તરાયણના દિવસે પવિત્ર નદીઓના
સ્નાનનો મહિમા ગણાયો છે.