દિલ્હીની સાકેત કોર્ટે મંગળવારે પોતાની લિવ-ઇન ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વાલ્કરની હત્યા કરનાર આફતાબ અમીન પૂનાવાલાની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવી છે.
અહેવાલો અનુસાર, કોર્ટે પૂનાવાલાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવી છે અને જેલ સત્તાવાળાઓને તેમને ગરમ કપડા આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન આફતાબે કાયદાના કેટલાક પુસ્તકો ભણવા માટે વિનંતી કરી હતી. તેના લિવ-ઇન પાર્ટનરની હત્યા અને તેના શરીરના ટુકડા કરવાના આરોપી પૂનાવાલાને કોર્ટ લોકઅપમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અવિરલ શુક્લા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
28 વર્ષીય આફતાબ પૂનાવાલાએ મે મહિનામાં શ્રદ્ધાની હત્યા કરી હતી અને કથિત રીતે તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા અને દક્ષિણ દિલ્હીના મહેરૌલી સ્થિત તેના નિવાસસ્થાને લગભગ ત્રણ અઠવાડિયા સુધી 300 લિટરના ફ્રીજમાં રાખ્યા હતા. તેણે એક એક કરીને જંગલમાં જઇને આટૂકડાઓ ફેંકી દીધા હતા. દિલ્હી પોલીસે શ્રદ્ધાના પિતાની ફરિયાદના આધારે આફતાબની ધરપકડ કર્યા બાદ છ મહિના જૂના હત્યા કેસને ઉકેલવાનો દાવો કર્યો હતો. આફતાબ અને શ્રદ્ધા એક ડેટિંગ સાઇટ પર મળ્યા હતા અને સંબંધો વધતાં તેઓ છતરપુરમાં ભાડાના આવાસમાં રહેવા ગયા હતા.
શ્રદ્ધાના પિતાની ફરિયાદના આધારે, દિલ્હી પોલીસે 10 નવેમ્બરના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે આફતાબે 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કરી હતી, ત્યારબાદ તેણે લાશના નિકાલની રીતો પર સંશોધન કરવાનું શરૂ કર્યું હતું. તેણે તેના સ્ટ્રીમિંગ ઉપકરણો પર લોકપ્રિય ક્રાઈમ શોમાંથી મૃતદેહના નિકાલ અંગે જાણ્યું હતું, એમ દિલ્હી પોલીસે જાહેર કર્યું હતું. તેણે પોલીસને એમ પણ જણાવ્યું હતું કે તેણે તેની ગર્લફ્રેન્ડના શરીરને કાપતા પહેલા માનવ શરીરરચનાની પૂરી જાણકારી મેળવી હતી.