બાર વર્ષીય બાળકીની પિતા દ્વારા થતી જાતિય સતામણીના કેસમાં ગુજરાત હાઈ કોર્ટે જામીન નકારી હતી. દેવભૂમિ દ્વારકામાં રહેતા પિતા વિરુદ્ધ તેમની પત્નીએ જ પુત્રીને બે વાર જાતીય રીતે સતાવવાની ફરિયાદ પતિ એટલે કે પુત્રીના પિતા સામે નોંધાવી હતી. પિતાની આઈપીસી સેક્શન 354એ અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ (પોક્સો) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. પિતાએ જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી.
કોર્ટે જામીન નકારતા નોંધ્યું હતું કે અરજદાર પિતા પોતે આચરેલા ગુના માટે અપરાધભાવ કે શરમ અનુભવતા નથી. આ સાથે જામીન મળ્યા બાદ તે ફરી આ ગુનો ન આચરે તેની કોઈ ખાતરી નથી. તે બાદ ન્યાયાધિશ સમીર દવેએ પિતાની જવાબદારી વર્ણવતા બે શ્લોક નોંધ્યા હતા, જે મનુસ્મૃતિ અને પદ્મ પુરાણના હતા.
મનુસ્મૃતિના શ્લોકને નોંધતા તેમણે જણાવ્યું હતું કે એક આચાર્ય દસ ઉપાધ્યાય કરતા મહાન હોય છે, એક પિતા સો આચાર્ય કરતા મહાન હોય છે અને એક માતાનો મહિમા હજાર પિતા કરતા પણ મહાન છે. જ્યારે અન્ય એક શ્લોક દ્વારા તેમણે સમજાવ્યું હતું કે જે જન્મ આપે, જે જ્ઞાન આપે, જે ભોજન પૂરું પાડે અને ભય સામે રક્ષણ આપે તે પિતા કહેવાય છે. પદ્મ પુરાણના તેમણે નોંધેલા શ્લોકનો અર્થ થાય છે કે મારા પિતા મારો ધર્મ છે, મારા પિતા મારું સ્વર્ગ છે અને તે મારા જીવનની અંતિમ તપશ્ર્ચર્યા છે.
કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે એક પિતા દ્વારા પુત્રીના શારિરીક શોષણ થવાના ગુનાથી વધારે ગંભીર અને શરમજનક ગુનો બીજો કોઈ નથી. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે મહિલાઓ ઘરની બહાર સુરક્ષિત ન હોવાનું કહેવા માટે તો આપણે ટેવાઈ ગયા છે, પરંતુ અમુક કેસમાં તેઓ તેમના ઘરમાં પણ સુરક્ષિત ન હોવાનું જણાઈ આવે છે.