બૉક્સિગં, ટ્રિપલ જમ્પ,ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ -ભાવિના પટેલને સુવર્ણ,સોનલબહેન પટેલને કાંસ્યચંદ્રક -બૅડમિન્ટનમાં અનેક ચંદ્રક પાકા: મહિલા હોકીમાં કાંસ્ય

બર્મિંગહામ: અહીં રમાતા રાષ્ટ્રકુળ રમતોત્સવમાં ભારતના ત્રણ બૉક્સર નીતુ ઘણઘસ, નિખત ઝરીન અને અમિત પંઘાલને સુવર્ણચંદ્રક મળ્યા હતા. પૅરા ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે સુવર્ણચંદ્રક જીત્યો હતો. પૅરા ટેબલ ટેનિસમાં સોનલબહેન પટેલને કાંસ્યચંદ્રક મળ્યો હતો. પુરુષોની ટ્રિપલ જમ્પમાં ભારતના એલ્ડોસ પૉલને સુવર્ણ અને અબદુલ્લા અબુબાકરને રજતચંદ્રક મળ્યો હતો. ૧૦,૦૦૦ મીટરની રૅસવૉકમાં ભારતના સંદીપકુમારે કાંસ્યચંદ્રક મેળવ્યો હતો. ભાલા ફેંકમાં અન્નુ રાણીએ કાંસ્યચંદ્રક મેળવ્યો હતો. બેડમિન્ટનમાં પી. વી. સિંધુ અને લક્ષ્ય સેને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. બેડમિન્ટનની સેમિ ફાઈનલમાં ભારતના સાત્વિક અને ચિરાગની જોડીએ મલયેશિયાના ચાન પૅન્ગ સૂન અને ટાન કિઆન્ગ મૅન્ગને ૨૧-૦૬, ૨૧-૧૫થી પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.
ભારતની મહિલા હોકી ટીમે ન્યુ ઝીલૅન્ડની ટીમને ૨-૧થી પરાજય આપી કાંસ્યચંદ્રક જીત્યો હતો. બૉક્સિગંમાં અમિત પંઘાલે ૫૧ કિલોગ્રામ અને નીતુ ઘણઘસે ૪૮ કિલોગ્રામના વર્ગમાં સુવર્ણચંદ્રક મેળવ્યા હતા. અગાઉ, ભારતે શનિવારે એક જ દિવસમાં ૧૪ ચંદ્રક જીત્યા હતા. ભાવિના પટેલે ફાઈનલમાં નાઈજિરિયાની ટેનિસ ખેલાડીને ૧૨-૧૦, ૧૧-૦૨, ૧૧-૦૯ એમ ત્રણ સેટમાં પરાજય આપ્યો હતો. અગાઉ, ભાવિના પટેલે સેમિ ફાઈનલમાં ઈંગ્લૅન્ડની સૂ બૅલીને પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. નિખત ઝરીને પચાસ કિલો ગ્રામના વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો.
અમિત પંઘાલે ઈંગ્લૅન્ડના કિઆરાન મૅક ડૉનાલ્ડને ૫-૦થી અને બૉક્સર નીતુ ઘણઘસે ઈંગ્લૅન્ડની ડૅમી જૅડ રૅઝલાનને ૫-૦થી પરાજય આપ્યો હતો.
બેડમિન્ટનમાં પી. વી. સિંધુએ સિંગાપોરની યૅઓ જિયા મિનને ૪૯ મિનિટમાં ૨૧-૧૯, ૨૧-૧૭થી પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. સેમિ ફાઈનલમાં લક્ષ્ય સેને વિશ્ર્વના ૮૭મા ક્રમાંકિત સિંગાપોરના જિયા હૅન્ગને ૨૧-૧૦, ૧૮-૨૧, ૨૧-૧૬થી પરાજય આપ્યો હતો. દરમિયાન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રવિવારે તમામ ચંદ્રકવિજેતાઓને અભિનંદન આપ્યા હતા. ટૉકિયો પૅરાઑલિમ્પિક્સની રજતચંદ્રક વિજેતા ભાવિના પટેલને શુભેચ્છા આપતા મુર્મૂએ કહ્યું હતું કે આડે આવેલા તમામ અવરોધોને પાર કરીને વિજય મેળવનાર ભાવિના પાસેથી લોકોએ પ્રેરણા લેવી જોઈએ. ભાવિના પટેલે મહિલાઓની સિંગલ્સની શ્રેણીમાં ૩-૫થી વિજય મેળવ્યો હતો. (એજન્સી)

Google search engine