Homeઉત્સવખર્ચ વધશે, ખર્ચ ઘટશે!

ખર્ચ વધશે, ખર્ચ ઘટશે!

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

હમણાં સરકાર પાસેથી બે વાત એક સાથે સામે આવી છે. પહેલી વાત એ કે વહીવટી ખર્ચમાં ઘટાડો થશે અને બીજી વાત એ કે સંસદના સભ્યોને જે દર મહિને પૈસા મળી રહ્યા છે, એમાં વધારો કરાશે. સંસદના સભ્યોના પૈસા વધશે તો થોડા દિવસમાં વિધાનસભાના સદસ્યોના પૈસા પણ વધી જશે. એટલે હાલ પૂરતો ઠરાવ એ છે કે અધિકારી તંત્રને થોડી તકલીફમાં રાખીએ અને નેતા લોકોને થોડા ખુશ કરીએ. આવી જ વાતોથી આપણને દેશનું સ્પષ્ટ આર્થિક વલણની ખબર પડે છે.
વહીવટી ખર્ચમાં ઘટાડો શું હોય શકે? કાગળ પર પિન ઓછી લગાવવામાં આવશે, એક જ કાર્બન પેપરનો વધારે વખત ઉપયોગ કરવામાં આવશે, એક જ ફાઈલમાં બે કેસના કાગળો રહેશે, અધિકારી પ્રવાસે જશે નહીં અથવા જશે તો વહીવટી ખર્ચમાં ઘટાડાના કારણે અડધે રસ્તે ઊતરી જશે. તો શું આજકાલ સમિતિની બેઠકમાં પણ ચા સાથે બે બિસ્કિટ જ અપાશે? ખર્ચને પહોંચી વળવા માટે સરકારી કચેરીઓનો થોડોક ભાગ પ્રાઈવેટ પાર્ટી માટે, બૅંકોને અથવા ભાડેથી આપી દેવામાં આવશે. જે પગાર મળે છે એમાં વધારે કામ કરાશે. બે લોકો ત્રણ લોકો જેટલું કામ કરશે. ટેન્ડરો છપાશે નહીં, મૌખિક આપવામાં આવશે. સ્ટોર માટે સામાન ખરીદવાને બદલે વેચવામાં આવશે. પુસ્તકાલય માટે પુસ્તકો ખરીદાશે નહીં, દાનમાં માગવામાં આવશે. ખુરશી તૂટી જાય તો રિપેર કરાશે નહીં. વહીવટી ખર્ચમાં ખોટ શું હોય? પૈસાની ખોટના કારણે પોલીસના ડંડાની લંબાઈ તો ઓછી નહીં થાય. પણ શું ટિયર ગેસ છોડવામાં કરકસર કરવામાં આવશે?
જો સંસદના સભ્યોને વધારે પૈસા મળી ગયા તો તેઓ આગામી ચૂંટણી લડવા માટે શું પૈસાની બચત કરશે? સંસદના સભ્યોને સસ્તામાં સરસ ખાવાનું મળે છે. દૂધ, દવાઓ, માખણ, ચિકન અને મધ વગેરે ઓછા ભાવે લઈ શકે છે. નેતા લોકો કપડા સસ્તામાં ખરીદી શકે એટલા માટે આખા દેશમાં લાંબા સમય સુધી ખાદી ભંડારમાં સેલ ચાલતું રહે છે. સંસદના સભ્યોની યાત્રાઓ મફત થાય, મકાન મફતમાં મળે, સમાચારપત્ર મફતમાં મળે, નોકરો મફતમાં મળે, ફોન મફતમાં મળે..કોણ જાણે બીજું શું શું મફતમાં મળે છે? ભથ્થું લીધા વગર એ લોકો સંસદની બેઠકમાં બેસતા નથી. બિલ વસૂલ કર્યા વગર સંસદમાંથી ઘરે પાછા આવતા નથી. ચૂંટણીમાં હારી ગયા પછી પણ સરકારી મકાનમાં અને કામ વગરના થયા પછી પણ રાજકારણમાં ટકી રહે છે. છતાં પણ આપણે એમને બે લાખ નહીં, પાંચ લાખ રૂપિયા આપવા જોઈએ. જેથી એ લોકો માથું ઊંચું રાખીને ફરે અને દરેક પૈસાવાળા, ફેક્ટરીવાળા અથવા વેપારીને જોઈને ભીખ માગવા લાગે નહીં. એ લોકોને અમીરોના પગમાં બેસી રહેવા માટે થોડા ચૂંટવામાં આવ્યા છે!?
ગમે તે કહો, આપણો દેશ એ આપણો દેશ છે! સરકાર, આખરે સરકાર છે! ક્યાંક પૈસા વધારી રહી છે તો ક્યાંક ઘટાડો કરી રહી છે. જેને જરૂર નથી એને પૈસા આપી રહી છે. જેને પૈસા જોઈએ છે એના રોકીને વિચાર કરી રહી છે. કોઈ ઓછા પૈસા મળવા પર રડી રહ્યું છે તો કોઈ વધારે મળવા પર હસી રહ્યું છે. પણ તમે એ નહીં કહી શકો કે આપણી સરકાર આર્થિક બાબતોમાં સાવ વિચાર્યા વગર કામ કરે છે. સરકાર વિચાર તો કરે જ છે. પછી તો જેણે જે સમજવું હોય તે સમજે અને જે વિચારવું હોય તે વિચારે! (મૂળ લેખ ૧૯૮૬)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular