(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ઠેર ઠેર ડિજિટલ હૉર્ડિંગ્સ જોવા મળે છે. અનેક મોટી કંપનીઓ શહેરના મુખ્ય જંક્શનો પર ડિજિટલ હૉર્ડિંગ્સ પર પોતાની કંપનીઓની જાહેરાત આપતી હોય છે. જોકે વધુને વધુ કંપનીઓ ડિજિટલ હૉર્ડિંગ્સ માટે આગળ આવે તે માટે પાલિકાએ ડિજિટલ હૉર્ડિંગ્સની ફીમાં ઘટાડો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ સાદા હૉર્ડિંગ્સ અને ડિજિટલ હૉર્ડિંગ્સના દર હવે સમાન કરી નાખવામાં આવ્યા છે. તેથી વધુ ને વધુ કંપનીઓ આગળ આવશે અને ડિજિટલ હૉર્ડિંગ્સના માધ્યમનો ઉપયોગ કરશે. તેને કારણે પાલિકાની આવકમાં પણ વધારો થશે.
મુંબઈના સુશોભિકરણ કાર્યક્રમ અંતર્ગત પાલિકાએ શહેરમાં ડિજિટલ હૉર્ડિંગ્સ ઊભા કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ ડિજિટલ હૉર્ડિંગ્સ માટે ફી વધુ હોવાથી તેમાં રાહત આપવાની માગણી કરવામા આવી રહી છે.
મુંબઈમાં જાહેરાતના હૉર્ડિંગ્સ લગાડવા માટે પાલિકા તરફથી ડિજિટલ હૉર્ડિંગ્સ માટે સ્કવેર ફૂટ માટે લગભગ ૧૪૦ રૂપિયાની ફી વસૂલવામાં આવે છે. તો સામાન્ય જાહેરાતના હૉર્ડિંગ્સ માટે ૧૦૦ રૂપિયા સ્કવેર ફૂટ પાછળ લેવામાં આવે છે.
ચોમાસામાં ડિજિટલ હૉર્ડિંગ્સ ખરાબ થવાની શક્યતા હોય છે. તેમ જ પાલિકા પણ તે માટે વધુ ફી વસૂલ કરતી હતી. તેથી ડિજિટલ હૉર્ડિંગ્સ માટે લોકો આગળ આવતા નહોતા. જોકે હવે ડિજિટલ હૉર્ડિંગ્સ માટેની ફીમાં ઘટાડો કરવાની કંપનીઓની માગણીને સ્વીકારવામાં આવી હોવાનું કહેવાય છે. તે મુજબ હવે સાદા હૉર્ડિંગ્સની માફક જ ડિજિટલ માટે પણ ૧૦૦ રૂપિયા પ્રતિ સ્કવેર ફૂટ હશે. તેથી વધુ ને વધુ કંપની હવે ડિજિટલ હૉર્ડિંગ્સ માટે આગળ આવશે એવું માનવામાં આવે છે.