ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદમુક્ત, આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય: મોદી

દેશ વિદેશ

અમૃતકાળના પાંચ સંકલ્પો
* વિકસિત ભારતનું લક્ષ્ય
* ગુલામીના પ્રત્યેક અંશથી મુક્તિ
* આપણા વારસા પર ગર્વ
* એકતા અને એકજૂટતા
* નાગરિકોમાં કર્તવ્યની ભાવના

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને નવમી વાર સંબોધન કરતાં ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદમુક્ત આત્મનિર્ભર ભારત સહિત અનેક મુદ્દા પર ભાર મૂક્યો હતો.
આઝાદીના ૭૫ વર્ષ બાદ તેમણે તિરંગાને સલામી આપતી તોપનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વિશ્ર્વભરમાં ફેલાયેલા ભારતપ્રેમીઓ અને ભારતીયોને શુભેચ્છા આપતાં તેમણે કહ્યું હતું કે ભારતવાસીઓએ અનેક સિદ્ધિઓ મેળવી છે, અથાક પુરુષાર્થ કર્યો છે, ક્યારેય હાર નથી માની અને કરેલા નિશ્ર્ચયોને ક્યારેય દૃષ્ટિથી ઓઝલ થવા નથી દીધા.
અમૃતકાળની પહેલી સવાર આકાંક્ષી સમાજની આકાંક્ષાઓને સાકાર કરવાની સુંદર તક છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે દેશમાં કેટલું સામર્થ્ય ભરેલું છે તે તિરંગાએ દર્શાવી દીધું છે.
આજનો આ દિવસ ઐતિહાસિક છે. એક પુણ્ય પડાવ, એક નવી રાહ, એક નવા સંકલ્પ અને એક નવા સામર્થ્ય સાથે પગલું આગળ વધારવાનો આ શુભ અવસર છે.
દેશ સામે ભ્રષ્ટાચાર અને પરિવારવાદ એમ બે મોટા પડકારો છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે એક તરફ એવા લોકો છે જેમની પાસે રહેવા જગ્યા નથી અને બીજી તરફ એવા લોકો પણ છે જેમની પાસે ચોરીનો માલ રાખવા માટે જગ્યા નથી.
આ સ્થિતિ સારી નથી. જ્યાં સુધી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ પ્રતિ નફરતની લાગણી પેદા નથી થતી, સામાજિક સ્તરે તેમને નીચા દેખાડવા મજબૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ માનસિકતાનો અંત નહિ આવે, એમ તેમણે કહ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે હું જ્યારે પરિવારવાદ કે ભાઈ-ભત્રીજાવાદ અંગે વાત કરું છું ત્યારે લોકોને એમ લાગે છે કે હું માત્ર રાજકીય ક્ષેત્રની વાત કરું છું. કમનસીબે રાજકારણની આ ખરાબીએ હિન્દુસ્તાનની તમામ સંસ્થાઓમાં પરિવારવાદને પોષણ આપ્યું છે અને તેને કારણે દેશની છબીને નુકસાન પહોંચ્યું છે.
વિશ્ર્વ આજે ભારતને ગર્વ, આશા અને સમસ્યાના સમાધાનની નજરે તાકી રહ્યું છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વિશ્ર્વ આજે ભારતને એક એવા સ્થાન તરીકે નિહાળી રહ્યું છે જ્યાં આશા અને આકાંક્ષાઓ પૂરી થાય છે.
આજે વિશ્ર્વ પર્યાવરણ અને ગ્લૉબલ વૉર્મિંગની જે સમસ્યા સામે ઝઝુમી રહ્યું છે તેનાં સમાધાનનો માર્ગ આપણી પાસે છે અને એ માટે આપણી પાસે જે વારસો છે તે પૂર્વજોએ આપણને આપેલો છે.
છેલ્લાં આઠ વર્ષમાં ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા આધાર, મોબાઈલ જેવી આધુનિક વ્યવસ્થાઓનો ઉપયોગ કરતા ખોટા હાથોમાં બે લાખ કરોડ રૂપિયા જતા બચાવીને તેનો ઉપયોગ દેશના સારા કામ માટે કરવામાં અમે સફળ થયા છીએ, એમ તેમણે કહ્યું હતું.
આત્મનિર્ભર ભારત દેશના તમામ નાગરિકો અને દરેક સરકારની જવાબદારી બની જાય છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આત્મનિર્ભર ભારત એ સરકારી એજન્ડા કે સરકારી કાર્યક્રમ નથી. એ સમાજનું જનઆંદોલન છે, જેને આપણે આગળ વધારવાનું છે.
મોદીએ કહ્યું હતું કે ૧૪ ઑગસ્ટે ભારતના વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન નિમિત્તે આપણે એ લોકોને ભારે મનથી યાદ કર્યા હતા, જેમણે તિરંગાના સન્માન અને માતૃભૂમિ માટે બલિદાન આપ્યું હતું.
અગાઉની સરકારમાં જે લોકો દેશને લૂંટીને ભાગી ગયા છે તેમની સંપત્તિ જપ્ત કરીને તેમને પાછા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે જેમણે દેશને લૂંટ્યો છે તેમણે લૂંટેલું ધન પાછું આપવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ કરવાના અમારા પ્રયાસો છે.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમે નિર્ણાયક તબક્કામાં પગલું માંડી રહ્યા છીએ.
પડકારો ઘણા છે એ સાચું છે. આ દેશ સામે કરોડો સંકટ છે તો એટલા જ સમાધાન પણ છે, એમ તેમણે કહ્યું હતું.
૧૩૦ કરોડ દેશવાસીઓ પર મને ભરોસો છે. નિર્ધારિત લક્ષ્ય સાથે સંકલ્પ પરત્વે સમર્પણના ભાવથી જ્યારે ૧૩૦ કરોડ દેશવાસીઓ એક ડગલું આગળ વધે છે ત્યારે આખો દેશ ૧૩૦ કરોડ ડગલાં આગળ વધે છે, એમ તેમણે કહ્યું હતું.
ભૂતપૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ આપેલો ‘જય જવાન, જય કિસાન’ મંત્ર આજે પણ દેશ માટે પ્રેરણારૂપ છે. અટલજીએ જ્યારે તેમાં જય વિજ્ઞાન કહીને એક કડી જોડી દીધી હતી. જોકે, આઝાદીના અમૃત મહોત્સવમાં એમાં વધુ એક કડી જોડવી અનિવાર્ય છે અને તે છે જય અનુસંધાન. ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન’.
———
રાષ્ટ્રનાં સ્વપ્નો સાકાર કરવાની દિશામાં મહિલાઓનું ગૌરવ મહત્ત્વનો આધાર

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રના નાગરિકોને નારીના સન્માનને હાનિ કરે એવું કંઈપણ વાણી કે વર્તન દ્વારા નહીં કરવાનો સંકલ્પ લેવાનો અનુરોધ કર્યો હતો. નારી સન્માન રાષ્ટ્રના વિકાસ-વૃદ્ધિમાં મહત્ત્વનો સ્તંભ હોવાનું ભારપૂર્વક જણાવતાં ‘નારી શક્તિ’ને સમર્થનની જરૂરિયાત દર્શાવી હતી. આપણે વાત વાતમાં મહિલાઓ માટે અપમાનજનક શબ્દો અને ભાષા વાપરતા હોઇએ છીએ. આપણે આપણા વર્તન, સંસ્કૃતિ અને રોજિંદા જીવનમાંથી મહિલાના અપમાનની આદતોથી મુક્તિનો સંકલ્પ ન કરી શકીએ?
વડા પ્રધાને રાષ્ટ્રનાં સ્વપ્નો સાકાર કરવાની દિશામાં મહિલાઓનું ગૌરવ મહત્ત્વનો આધાર બનશે, એવો વિશ્ર્વાસ દર્શાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મને તેમાં શક્તિના દર્શન થતા હોવાથી હું એ બાબતનો આગ્રહી છું. તમે ગ્રામીણ પ્રદેશોમાં લોકપ્રતિનિધિઓને જુઓ. એ બધાં ગામડાંની સમસ્યાઓના ઉકેલમાં સક્રિય છે. જ્ઞાન-વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં દેશની નારી શક્તિ ટોચ પર છે. પોલીસ દળોમાં પણ નારી શક્તિ લોકરક્ષણની જવાબદારી લેવા તત્પર રહે છે. આવતા પચીસ વર્ષોમાં સાર્વજનિક જીવનમાં મહિલાઓની સહભાગિતા અનેકગણી વધે એવાં એંધાણ વરતાઈ રહ્યા છે. એ રીતે નારી શક્તિ આપણા અંદાજથી વધારે ક્ષમતા ધરાવે છે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નારી શક્તિ દેશને નવી ઊંચાઈ પર લઈ જશે. દેશના ‘અમૃતકાળ’નાં સ્વપ્નો સાકાર કરવાના પ્રયાસોમાં નારી શક્તિ ઉમેરાશે તો આપણા શ્રમ, પ્રયાસો અને સમયગાળામાં પણ ઘટાડો થશે. આપણાં સ્વપ્નો વધુ સઘન, આકર્ષક અને તેજસ્વી બનશે. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.