ચીન, જાપાન અને અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના કેસોમાં ફરી અચાનક વધારો થયા બાદ ભારતના નાગરીકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારોએ કોરોનાને લઈને ઈમરજન્સી બેઠક યોજી રહી છે. દરમિયાન, કોરોનાના કેસોમાં તીવ્ર વધારાની શક્યતાને ધ્યાનમાં રાખીને, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને(IMA) ચેતવણી આપી છે અને લોકોને તાત્કાલિક અસરથી કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે.
મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે વિશ્વભરમાં કોરોનાના કેસોમાં ભારે વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 5 લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. તેને ધ્યાનમાં રાખીને કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. આગામી 10 થી 15 દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
IMA સાથે જોડાયેલા 3.50 લાખથી ડોક્ટરોએ જો કોરોનાંની સંભવિત લહેર આવે તો સેવા આપવા તૈયાર હોવાનું આશ્વાસન આપ્યું છે. IMA નાં મીડિયા કોર્ડીનેટર ડોક્ટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, કોરોનાને ફેલાતો અટકાવવા આપણે મેળાવડા ટાળવા પડશે, માસ્ક પહેરવું પડશે, કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ બાકી હોય તો લેવા અપીલ કરી છે. એટલું જ નહીં, કોરોનાના લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવી, તજજ્ઞની સલાહ લેવા અનુરોધ કર્યો છે.
ગુજરાતમાં પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં કોવીડ ગાઈડલાઈન્સનું પાલન ન થતું હોવાનું જોવા મળી રહ્યું છે એ પત્યા બાદ અમદવાદમાં જાન્યુઆરી મહિનામાં જૈન સમાજનો પણ વિશાળ કાર્યક્રમ યોજવાનો છે. ડિસેમ્બરના અંતમાં અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે વાત કરતા ડોક્ટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, કોઈપણ પ્રકારના મેળાવડા ટાળવા જોઈએ. ભીડભાડ ના થાય તેવા પ્રયાસ કરવા જોઈએ. આગામી 10 થી 15 દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એકવાર ફરી કોરોનાનાં 500 કેસો આવ્યા એટલે કોરોનાની સંભવિત લહેર શરુ થઇ શકે છે.