પ્રાસંગિક -ખુશાલી દવે
થોડા સમય પહેલાં આવેલી વિદ્યા બાલન અભિનિત એક ફિલ્મમાં અમુક થિયેટરોમાં દર્શકોએ પૈસા ઉછાળ્યા હતા. મલ્ટિપ્લેક્સ પહેલાંના જમાનામાં જ્યારે એકલદોકલ થિયેટરોનો જમાનો હતો ત્યારે ઘણી ફિલ્મોના ગીત કે દૃશ્ય પર સીટીઓ વાગતી હોય કે ચિલ્લર ઉછાળવામાં આવતું હોય એવું ઘણીવાર જોવા મળતું.
મલ્ટિપ્લેક્સનું સોફેસ્ટીકેટેડ ઑડિયન્સ આવું નથી કરતું એવી દલીલ સાંભળવા મળે છે તો સામે પક્ષે દર્શકો એવું કહેતા સંભળાય છે કે હમણાં-હમણાં થિયેટરમાં સિક્કા ઉછાળવાની ઈચ્છા થાય એવી હિન્દી ફિલ્મો બને છે જ ક્યાં?
છેલ્લા કેટલાક વખતથી બોલીવુડની ફિલ્મો જે રીતે પછડાટ ખાઈ રહી છે એ જોતાં ઑડિયન્સની ફરિયાદ વાજબી લાગે છે.
હિન્દી ફિલ્મોનો હાલનો સિનારિયો જોતાં એ સ્પષ્ટપણે તારવી શકાય છે કે દર્શકોની ફિલ્મો માટેની પસંદગીમાં બહુ ફેર આવ્યો છે. ફિલ્મો ચાલે તો ચાર અઠવાડિયાથી વધારે પણ ચાલે નહીં તો એક જ અઠવાડિયામાં જે તે ફિલ્મના શોમાં કાગડા ઊડતાં દેખાય છે. વળી ફલોપ ફિલ્મોનો રેશિયો હિટ ફિલ્મો કરતાં ઘણો વધારે છે. સાવ તાજેતરની વાત કરીએ તો જેમ્સ કેમેરોનની હોલિવૂડ સાયન્સ ફિક્શન ‘અવતાર’ (૨૦૦૯)ની સિરીઝ ફિલ્મ ‘અવતાર – ધ વે ઑફ વોટર’ એટલે કે ‘અવતાર-૨’ ૧૬મી ડિસેમ્બરે વિશ્ર્વભરમાં રિલીઝ થઈ છે. એના પછી સુપરહિટ ફિલ્મોના મશીન ગણાતા બોલીવુડ ફિલ્મમેકર રોહિત શેટ્ટીની ૬૦ના જમાનાને દર્શાવતી ફિલ્મ ‘સર્કસ’ ૨૩મી ડિસેમ્બરે રિલીઝ થઈ છે.
તાજી આવેલી બે ફિલ્મોમાંથી ‘અવતાર-૨’તો વિશ્ર્વભરમાં વખણાઈ છે. આ ફિલ્મે વિશ્ર્વભરમાં રૂ. ૨૬૫ કરોડથી પણ વધારેનો બિઝનેસ કર્યો છે, ‘સર્કસ’નું ફારસ થઈ
ગયું છે.
રોહિત શેટ્ટી જેવા બ્લોકબસ્ટર ફિલ્મમેકર અને રણવીર સિંહ જેવા સુપરસ્ટારનો જાદુ પણ દર્શકોને થિયેટર સુધી ખેંચી શક્યો નથી. ૨૩મી ડિસેમ્બરે ઓપનિંગ ડે (શુક્રવારે)એ ‘સર્કસ’નો કુલ બિઝનેસ ૬.૨૫ કરોડ હતો. બીજે દિવસે શનિવારે માત્ર ૬.૪૦ કરોડ થયો. રવિવારે રજાના દિવસે આ ફિલ્મ જોઈ દર્શકોને મજા આવશે એવું લાગ્યું નહીં હોય એટલે રવિવારે પણ આ ફિલ્મે માત્ર ૭.૪૫ કરોડની કમાણી કરી. એ પછીના દિવસોમાં પણ સિનેમાગૃહોની ખુરશીઓ ખાલી જ દેસાઈ. સામાન્ય રીતે રોહિત શેટ્ટીની ફિલ્મોનો ૧૦૦ કરોડ કલબમાં સમાવેશ થતો જ હોય છે, પણ ‘સર્કસ’ના હાલહવાલ જોતાં લાગતું નથી કે આ ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયા જેટલી પણ કમાણી કરે.
‘સર્કસ’ સફળ ન રહેતાં ફિલ્મ વિશેષજ્ઞો પણ ચર્ચા કરવા લાગ્યા છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પડતા પર પાટુ જેવો સીન છે. કોરોનાના ગાળા પહેલાં હિન્દી સિનેમાની ફિલ્મો બ્લોક બસ્ટર રહેતી એવો સમય હવે રહ્યો નથી. અરે, પહેલાં બિગ બેનરની, બિગ સુપરસ્ટાર્સ ધરાવતી બિગ બજેટ ફિલ્મો કમ સે કમ બે સપ્તાહ તો સિનેમાગૃહોમાં ટકી રહેતી હતી, પણ હવે દર્શકોની પસંદ સાવ બદલાઈ રહી છે. અધધધ પૈસાના ધુમાડા સાથે બનતી મોટા બેનરની દિગ્ગજ સુપરસ્ટાર્સ સાથેની ગ્લેમરસ હિન્દી ફિલ્મોને પણ દર્શકો ફલોપનો ધબ્બો લગાવી દે છે. સામે સાવ સામાન્ય બજેટ ધરાવતી ફિલ્મો પણ સુપરહિટ બનીને બોક્સઑફિસ હિટ સાબિત થાય છે. જેનું ઉદાહરણ છે, ‘દૃશ્યમ – ૨’.
અભિષેક પાઠક દિગ્દર્શિત અને અજય દેવગણ અભિનીત ફિલ્મ ‘દૃશ્યમ-૨’ ૧૮મી નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ હતી. આશ્ર્ચર્યની વાત એ છે કે ‘સર્કસ’ જેવી બિગ બજેટ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થયા છતાં હજી ‘દૃશ્યમ-૨’ થિયેટર્સમાંથી ઊતરી નથી. પહેલાં કહ્યું તેમ ‘સર્કસ’ ૧૦૦ કરોડ ક્લબમાં પહોંચી શકશે કે નહીં એની શંકા છે તો ‘દૃશ્યમ-૨’એ અત્યાર સુધીમાં કુલ ૨૩૦ કરોડ રૂપિયાથી વધારે બિઝનેસ કરી નાખ્યો છે અને હજી પણ કમાણી કરી રહી છે.
‘દૃશ્યમ-૨’ની સફળતા જોઈને ફિલ્મ વિશેષજ્ઞો કહે છે કે હવે બોલીવૂડના ફિલ્મમેકર્સે બહુ વિચારીને ફિલ્મો બનાવવાની જરૂર છે. અધધધ બજેટ, સુપરસ્ટાર હીરો, શિફોન સાડીમાં ઝાડ ફરતે ગીત ગાતી ગ્લેમરસ હિરોઈન, વિદેશી લોકેશન્સ અને ફિલ્મનું ધુંઆધાર માર્કેટિંગ ફિલ્મને બ્લોકબસ્ટર બનાવી નાખે એ સમજવું ભૂલ ભરેલું હશે. સહેજ પણ માર્કેટિંગ વગર દમદાર વિષય ધરાવતી ‘કાશ્મીર ફાઈલ’ અહીં ચાલી શકે છે અને ‘દૃશ્યમ-૨’ જેવી મજબૂત સ્ક્રીનપ્લે અને માવજત ધરાવતી ફિલ્મો પણ ૧૦૦ કરોડ ક્લબમાં એન્ટ્રી લઈ શકે છે.
એથી પણ વિશેષ મધ્યમ કે ઓછા બજેટની પણ પાવરફુલ પ્રોડક્શન અને પટકથા ધરાવતી ફિલ્મો પર પણ દર્શકો ઓવારી જાય છે. ‘દૃશ્યમ-૨’ પછી ૨૫મી નવેમ્બરે આવી અમર કૌશિક ડિરેક્ટેડ, વરુણ ધવન – ક્રિતી સેનન અભિનીત ફિલ્મ ‘ભેડિયા’. ‘ભેડિયા’ને ‘દૃશ્યમ-૨’ જેટલી સફળતા તો મળી નથી, પણ ૬૦ કરોડ રૂપિયામાં બનેલી ‘ભેડિયા’એ અત્યાર સુધીમાં આશરે ૮૬ કરોડ રૂપિયાથી વધુ કમાણી તો કરી જ છે. વળી સાઉથ ઈન્ડિયન ફિલ્મ ‘કાંતારા’ તો આ દરેક ફિલ્મોની બોક્સઓફિસ કમાણી જોઈને દાંત કાઢતી હશે! તમે કહેશો વ્હાય? શા માટે? તો મૂળે કન્નડમાં બનેલી ફિલ્મ ‘કાંતારા’ની કમાણી જોઈને ભલભલી મોટા બજેટની ફિલ્મો લજાઈ મરે એવી સ્થિતિ છે.
ક્ધનડ ફિલ્મમેકર રિષભ શેટ્ટી દિગ્દર્શિત – અભિનિત ફિલ્મ ‘કાંતારા’ માત્ર ૧૬ કરોડ રૂપિયામાં બની છે. આ ફિલ્મ ૩૦મી સપ્ટેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ. હજી પણ આ ફિલ્મ દેશભરના સિનેમાગૃહોમાં ચાલી રહી છે. જાણો છો આ ફિલ્મની હિન્દી ડબ સાથેની કમાણી? જવાબ છે, ૪૦૦ કરોડ રૂપિયાથી પણ વધારે અને ૫૦૦ કરોડ રૂપિયાથી પણ વધારે કલેક્શન આ ફિલ્મ કરશે એવી ધારણા ફિલ્મ વિશેષજ્ઞોની છે. ‘કાંતારા’ની જબરદસ્ત સફળતા પછી ફિલ્મ નિષ્ણાતોએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફિલ્મમેકર્સને સાવચેતીની સૂચના આપતાં ચેતવ્યા છે કે, હવે ઓડિયન્સ ખૂબ સમજદાર થયું છે તેને ફેન્ટસી ફિલ્મો કરતાં વાસ્તવિક બેકગ્રાઉન્ડ અને મજબૂત કથાવસ્તુ ધરાવતી ફિલ્મોમાં વધુ રસ પડવા લાગ્યો છે. હવે એ દિવસો ગયા કે તમે ધારો એમ દર્શકો ફિલ્મ પસંદ કરશે. હવે દર્શકોની પસંદ પારખીને મોટા ફિલ્મમેકર્સે ફિલ્મો બનાવવી પડશે.
કોરોનાએ લોકોને ઓટીટી પ્લેટફોર્મ અને અન્ય ભાષાની ફિલ્મો જોતા કર્યા છે. હવે તેમની પાસે ખૂબ બધી ચોઈઝ છે. બોલીવુડે જો દર્શકોને ફરી થિયેટર સુધી ખેંચી લાવવા હશે તો તેમની પસંદગી સમજીને એ મુજબની ફિલ્મો બનાવવી પડશે નહીં તો દર્શકો તેમની કંપનીઓ પર તાળાં લગાડી દેશે.