ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી
ગુજરાતી ભાષા ક્યારથી શરૂ થઈ તે નિશ્ર્ચિતપણે કહી શકાય એમ નથી. આશરે એક હજાર વર્ષ જૂની હોવાનો અંદાજ છે. ગુજરાતી ભાષાના ગુજરાતના ભાષાવિજ્ઞાની પંડિત બહેચરદાસ કહે છે કે ગુજરાતી શબ્દ શ્રી હેમચંદ્રના સમયમાં જાણીતો હતો. વિકિપીડિયા અનુસાર ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં વક્તાઓની સંખ્યા પ્રમાણે ગુજરાતી છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ૫.૫૬ કરોડ લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ભારતની વસ્તીના લગભગ ૪.૫% જેટલા થાય છે. સમગ્ર વિશ્ર્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડ છે, જેથી ગુજરાતી ભાષા વિશ્ર્વમાં ૨૦૦૭ મુજબ ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. બુધવારે (૨૧ જાન્યુઆરી) માતૃભાષા દિવસ છે એ નિમિત્તે આજે આપણે ગુજરાતી ભાષાની કેટલીક મજેદાર વાતોનો લ્હાવો લઈએ. જો ગમે તો અન્ય ભાવકો સુધી પહોંચાડવાની કોશિશ કરીએ.
ભાષાનું માધુર્ય: ગુજરાતી ભાષા વાંચવા લખવાનું પ્રમાણ ઘટ્યું છે એ હકીકત છે, પણ બોલચાલમાં એ હજી પહેલા જેવી જ ધબકે છે. એનું માધુર્ય ગજબનું છે. એક જ શબ્દ એના વપરાશ અનુસાર કેવા અલગ અલગ રૂપ ધારણ કરે છે એના ઉદાહરણ જાણીએ તો હેરત પામી જવાય. ભગવદગોમંડલ અનુસાર દોરી એટલે ઝીણા તંતુ અથવા રેસાઓને સાથે વણીને બનાવેલી વસ્તુ જેને આપણે રસી, દોરડી કે દોરો એવા નામ આપ્યા છે. જોકે, આ દોરીના ટુકડાને જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. કપડાં સૂકવવા કે કઈ બાંધવા માટે વપરાય ત્યારે દોરી કહેવાય. બાળક ભમરડો ફેરવવા વાપરે ત્યારે એ જાળી બની જાય. બળદને અંકુશમાં રાખવા માટે વાપરવામાં આવે એ રાશ અથવા નાથ તરીકે ઓળખાય છે. જોકે, પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડું દોરડું વરત અને પાતળું દોરડું વરતડી કહેવાય છે. પશુ અને ગાડાંને બાંધતું દોરડું રાંઢવું તરીકે ઓળખાય છે જે મજબૂત જાડી દોરી હોય છે. જોતર એટલે હળ કે ગાડાંની ધૂંસરીએ જોડેલા જનાવરના ગળાની આસપાસ વીંટાઈ ધૂંસરીની બે તરફ જેના બે છેડા બંધાય છે એવો ચામડાનો, સૂતરનો કે છાલના રેસાનો બનાવેલો પટ્ટો. એના પરથી અનિચ્છાએ કામે વળગવું માટે જોતરે જોડાવું એમ કહેવાય છે. નીંજણું એટલે ગાય કે ભેંસ દોહતી વખતે તેના પાછલા પગે બાંધવામાં આવતું દોરડું. તેથી તે પાટુ નથી મારી શકતી. ડામણ એટલે ઘોડા કે ગધેડા દોડીને જાય નહી તે માટે તેને આગલે અને પાછલે એમ બે પગે બાંધવામાં આવતું બંને છેડે ગાળવાળું નાનું દોરડું. એ પગને જકડી રાખતું હોવાથી ઘોડાં – ગધેડાં નાસી જઈ શકે નહીં. નાડી અને નેતર: ચોરણી કે પાયજામામાં કમરે બાંધવાની દોરી નાડી કહેવાય જ્યારે છાશ કરવા વલોણાને ફેરવવા વપરાતી દોરી નેતર તરીકે જાણીતી છે. આ સિવાય દોરી શેમાંથી તૈયાર કરવામાં આવી છે એને આધારે પણ એની અલગ અલગ ઓળખ છે. શણમાંથી બનાવેલી દોરી સૂતળી અને નાળિયેરના છોતરામાંથી તૈયાર થયેલી દોરી કાથી કહેવાય છે. ગુજરાતી ભાષાની કેટલીક પંક્તિઓ સરળ ભાષામાં બહુ ગહન વાત કરી જાય છે.
એક ઉદાહરણ જોઈએ: ‘કાણાને કાણો ન કહીએ, કડવાં લાગે વેણ, ધીરે રહીને પૂછીએ શીદ ગુમાવ્યા નેણ.’ માની ઓળખાણ ‘બાપાની બૈરી’ તરીકે આપીએ તો એ ખોટી નથી, પણ એ ઉચિત નથી.
એટલે જ સાંજ પડે એટલે ‘દુકાન બંધ કરી’ એમ નથી બોલાતું, પણ ‘દુકાન વધાવી લીધી’ એમ કહેવાતું. રસોઈના સમયે શાક કાપવું એમ નથી બોલાતું, પણ શાક સમારવું એમ કહેવાય છે. લગ્ન કર્યા પછી દીકરીને મોકલી એમ નથી કહેવાતું, દીકરીને વળાવી એમ કહેવાય છે. ‘મરી ગયો’ને સ્થાને ‘સ્વર્ગવાસી’ ‘ગોલોકવાસી’, વૈકુંઠવાસી – ‘પરલોકવાસી થયા’ કે ‘દેવ થયા’ જેવા શબ્દો વપરાય છે. બંગડી ‘ફૂટી’ને બદલે ‘નંદવાણી’ જેવા બોલી પ્રયોગો નોંધાયા છે.
—————
માન ન માન,
મૈં તેરા મેહમાન
ગુજરાતીમાં પરભાષાની ભેળસેળ થયેલી દેખાય છે. બધી ભાષામાં કંઈ ને કંઈ મિશ્રણ હોય જ છે. પરિણામે પરભાષાથી આવેલા શબ્દો અને રૂઢિઓ વ્યવહારમાં નજરે પડે છે. મિશ્રણના કારણો અનેક છે – ભિન્ન ભિન્ન ભાષાના લોકોનો સહવાસ, તેમની વચ્ચે વેપાર ધંધા, એકના ઉપર બીજાના રાજ્યાધિકાર, એકબીજા પાસેથી વિદ્યા, કળા અને ધર્મનો બોધ, એવાં અનેક કારણોથી અનેક ભાષામાં અન્ય ભાષાના શબ્દો ઘર કરી જાય છે. મુસલમાનો આવ્યા પછી ગુજરાતમાંથી સંસ્કૃત ભણવાનો ચાલ ઓછો થયો, તેથી સંસ્કૃતને બદલે ફારસી શબ્દ ગુજરાતીમાં દાખલ થવા માંડ્યા, પણ તે લોકો મૂળ વતની સાથે ભળી.ન ગયા તેથી ગુજરાતીનાં અંદરનાં સ્વરૂપ, રૂઢિ કે વાક્ય રચના પર અસર થઈ નથી. માત્ર થોડા અરબી, ફારસી અને તુર્કી ભાષાના શબ્દ તેમાં મળી ગયા છે. જેમકે, અરબી – અક્કલ, ઈજા, આબેહૂબ, ઉમદા, હુકમ, દુનિયા, ખર્ચ, તકરાર, દલીલ, કુદરત, અફવા, કિસ્મત. ફારસી – વખત, જમીન, દરિયો, હોશિયાર, હવા, હજાર, શેતરંજી, રૂમાલ, કારકુન. તુર્કી – તોપ, બંદૂક, રકાબી, ચાદર, કૂચ, ચાકુ વગેરે.
૧૭મા સૈકામાં મરાઠીની અસર થવા લાગી. તે અસર પણ ખાસ કરીને બહારની હતી. મરાઠી અને ગુજરાતી પંડિતોની હરીફાઈને લીધે આઇ એટલે મા, સંસ્કૃત આર્યા – અજજન – મરાઠી આજી ઉપરથી. આપો એટલે પિતા, સંસ્કૃત આત્મન ઉપરથી. ચિચોડા એટલે આંબલિયા સંસ્કૃત ચિંચા – મરાઠી ચિંચ ઉપરથી વગેરે ગુજરાતીમાં દાખલ થયા. દક્ષિણી બ્રાહ્મણ અને મરાઠા નોકરીને લીધે ગુજરાતમાં વસવાથી મરાઠી શબ્દો દાખલ થતા ગયા જેમકે, માહિતી, દેણગી, વર્ગણી, ચિટનીસ, દગડ (પથ્થર), મોજણી, ચંબુ, પેઢી, નિદાન (ઓછામાં ઓછું), વાટાઘાટ, ચળવળ વગેરે. ગુજરાતમાં જાત્રાનાં અનેક ઠેકાણાં હોવાથી હિન્દી યાત્રાળુઓના ગુજરાત સાથેના સહવાસને લીધે અને કેટલાક હિંદી સાધુઓના અહીં વસવાટને લીધે હિંદી શબ્દો પણ ગુજરાતીમાં દાખલ થયા છે. જેમકે, આટો, કચેરી, ચાવલ, અચ્છું, દામ, બિછાનું, પત્તો, પઢવું, મિટ્ટી, ફાટક, પસીનો. પોર્ટુગીઝ લોકો વેપારઅર્થે ગુજરાત અને કાઠિયાવાડમાં ૧૫મા સૈકાની આખરમાં આવ્યા. એમના સહવાસને લીધે પોર્ટુગીઝ શબ્દો પણ દાખલ થયા. જેમકે, પાયરી, હાફુસ, પગાર, પાદરી, પિસ્તોલ, મેજ, કાફી, પલટણ, ચાવી, તમાકુ, બટાટા, તબેલો, બંબો વગેરે.
—————-
આ શબ્દો ખબર છે?
આકાશકુસુમવત્: આકાશ એટલે નભ અથવા આસમાન. કુસુમ એટલે ફૂલ અને વત્ એટલે જેવું. કોઈ બાબત અશક્ય કે અસંભવિત હોય એના માટે આકાશમાં ફૂલ ન હોઈ શકે એવો અશક્ય અર્થ એમાં સમાયેલો છે. કિંકર્તવ્યમૂઢ: કિં એટલે શું, કર્તવ્ય એટલે કોઈ કામ અને મૂઢ એટલે ગભરાયેલું. ટૂંકમાં શું કરવું એની ગતાગમ ન પડવાને કારણે ગભરાયેલું કે બેબાકળું બનેલું. કપોત: કપોત એટલે કબૂતર અથવા પારેવું અને કપોતવૃત્તિ એટલે રોજ કમાવું અને રોજ ખાવું તે, કબૂતર જેવું સંચય રહિત જીવન. કપોતપાલિકા એટલે કબૂતરખાનું અથવા ચબૂતરો. કૂપમંડૂક: કૂપ એટલે કૂવો અને મંડૂક એટલે દેડકો. કૂવામાં વસવાટ કરતા દેડકાની દુનિયા કૂવાથી શરૂ થઈ કૂવા પર જ પૂરી થતી હોય છે. એના પરથી કૂવામાંના દેડકાની માફક સંકુચિત વૃત્તિવાળી વ્યક્તિ કૂપમંડૂક કહેવાય છે. મિતાહારી અને મિતભાષી: સંસ્કૃત શબ્દ મિત એટલે માપેલું અને આહાર એટલે ખોરાક. એના સંયોજનથી બન્યો મિતાહારી જેનો અર્થ માફકસર અથવા પચે એટલું જ ખાનાર એવો અર્થ થાય છે. બહુ જાણીતી વાત છે કે મિતાહારીને વૈદ્ય શું કરવો છે? મતલબ કે માપસર ખાનારને વૈદ્યની જરૂર હોતી નથી. એ જ રીતે મિતભાષી એટલે ઓછાબોલો કે પ્રમાણસર બોલનારો. અન્યમનસ્ક અને શૂન્યમનસ્ક: અન્યમનસ્કમાં અન્ય એટલે બીજું અને મનસ્ક એટલે મનવાળું, ચિત્ત પર. જેના પર ધ્યાન રાખવાનું હોય એની બદલે બીજી જ વસ્તુ પર ચિત્ત ચોંટ્યું હોય એવી ધ્યાન રહિત અવસ્થા. શૂન્યમનસ્ક એટલે મનમાં વિચાર કરવાની પ્રક્રિયાનો અભાવ હોય તેવું, ‘એબ્સન્ટ માઇન્ડેડ’. અભિસારિકા: આશિકને મળવા સંકેતવાળે ઠેકાણે જનારી સ્ત્રી; સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જનારી સ્ત્રી. વખત પ્રમાણે રૂપ અને શણગાર સજવા, બુદ્ધિબળ બતાવવું, સાહસ અને છળ કરવાં એ તેના હાવભાવ છે. પરકીયા અભિસારીકાની ત્રણ જાત છે: કૃષ્ણાભિસારિકા એટલે અંધારી રાતે મળવા જનારી, શુક્લાભિસારીકા એટલે ચાંદનીમાં મળવા જનારી અને દિવાભિસારિકા એટલે દિવસે મળવા જનારી.
આજાનબાહુ: આ એટલે સુધી, જાનુ એટલે ઢીંચણ કે ઘૂંટણ અને બહુ એટલે હાથ. ઢીંચણ સુધી પહોંચે તેવા લાંબા હાથવાળું. સીધા ઊભા રહેતા જેના હાથ ઢીંચણને અડે એ ભાગ્યશાળી ગણાય છે. શ્રી રામને આજાનબાહુ કહ્યા છે. સંગમારી: પથ્થર અથવા પાષાણને ફારસીમાં સંગ કહેવાય છે. હિન્દી ફિલ્મના ગીતમાં ‘દુનિયા હૈ બડી સંગદિલ’ એમ સાંભળવા મળે છે. મતલબ કે દુનિયા પથ્થર દિલ છે (લાગણી વિનાની છે) એવો અર્થ છે. સંગમારી એટલે માણસને જમીનમાં અડધો દાટી દઈને પથ્થર મારી મારીને મારી નાખવાની સજા. મોંજોણું અને મોંસૂઝણું: મોં એટલે મોઢું અને જોણું એટલે જોવું. મોંજોણું એટલે પ્રથમ વખત ક્ધયા કે વરને મોં જોઈને અપાતી ભેટ અથવા વધાઇની રકમ. મોંસૂઝણું એટલે સૂર્યોદય પહેલાં તથા રાત પડ્યે અંધારું થયા પહેલાં એક બીજાનાં મોં દેખાય તેટલા ઉજાશવાળો સમય. પ્રોષિતભર્તૃકા: આ બે સંસ્કૃત શબ્દના સંયોજનથી બનેલો શબ્દ છે. પ્રોષિત એટલે પરદેશ કે વિદેશ ગયેલું અને ભર્તૃકા એટલે શોકાતુર સ્ત્રી, વિયોગથી દુ:ખી નારી. પતિ પરદેશ જતો રહ્યો હોવાથી એના વિયોગમાં દુ:ખથી વિહવળ બનેલી સ્ત્રી પ્રોષિતભર્તૃકા તરીકે ઓળખાય છે. વીરાંગના અને વારાંગના: વીરાંગના એટલે બહાદુર સ્ત્રી. આ શબ્દ વીર એટલે બહાદુર અને અંગના એટલે સ્ત્રીના સંયોજનથી બન્યો છે. વારાંગના એટલે ગણિકા, વેશ્યા. આ શબ્દ સંસ્કૃતના વાર એટલે ટોળું અને અંગના એટલે સ્ત્રીના સંયોજનથી બન્યો છે.