ચીનનાં ઉત્પાદનના ડેટા નબળા આવતા કોપર અને ઝિન્કમાં નરમાઈ

વેપાર વાણિજ્ય

સ્ટોકિસ્ટોની લેવાલીએ નિકલ અને ટીનમાં સુધારો

મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે વિવિધ ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને કોપર, ઝિન્ક સ્લેબ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૪નો ઘટાડો આવ્યો હતો, જ્યારે નિકલ, ટીન અને બ્રાસ શીટ કટિંગ્સમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૦, રૂ. ૮ અને રૂ. બેનો સુધારો આવ્યો હતો.
ગત જુલાઈ મહિનાના ચીનના ઉત્પાદનના ડેટા નબળા આવ્યા હોવાથી આર્થિક મંદીની ચિંતા હેઠળ આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ આગલા બંધથી ૦.૩ ટકાના ઘટાડા સાથે ટન દીઠ ૭૮૯૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. આ સિવાય અન્ય ધાતુઓમાં પણ સાંકડી વધઘટ સાથે મિશ્ર વલણ રહ્યું હતું. દરમિયાન સ્થાનિક ધાતુ બજારમાં આજે લંડન મેટલ એક્સચેન્જના નિરુત્સાહી અહેવાલે ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જેમાં કિલોદીઠ ધોરણે ઝિન્ક સ્લેબના ભાવ રૂ. ૪ ઘટીને રૂ. ૨૯૮, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને અનુક્રમે રૂ. ૬૫૭, રૂ. ૬૫૦ અને રૂ. ૪૬૫ તથા કોપર આર્મિચર અને કોપર વાયરબારના ભાવ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૬૪૭ અને રૂ. ૬૮૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગને ટેકે નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ વધીને રૂ. ૨૦૬૩ અને ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૮ વધીને રૂ. ૨૨૨૫ના મથાળે રહ્યા હતા અને ઔદ્યોગિક માગને ટેકે બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૨ વધીને રૂ. ૬૪૭ના મથાળે રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.