ઓડિશાના આરોગ્ય પ્રધાન નબા કિશોર દાસ પર રવિવારે બપોરે 1 વાગ્યે ASI દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, જે બાદ ભુવનેશ્વરમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આરોગ્ય પ્રધાન ઓડિશાના ઝારસુગુડામાં એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા ત્યારે ASIએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ASI ગોપાલ દાસે પોતાની સર્વિસ રિવોલ્વરથી મંત્રીને ગોળી મારી હતી. આ હત્યાકાંડમાં ગોપાલ દાસ અને આરોગ્ય મંત્રી વચ્ચે કોઈ અંગત અદાવત હતી કે અન્ય કોઈ કારણસર ASIએ મંત્રીને ગોળી મારી દીધી એ તપાસનો વિષય છે.
ગોળી વાગ્યા બાદ આરોગ્ય પ્રધાનને ગંભીર હાલતમાં એરલિફ્ટ કરીને ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા હતા અને તેમનો જીવ બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન આરોગ્ય પ્રધાનનું મોત નીપજ્યું હતું. ASI ગોપાલ દાસે આરોગ્ય પ્રધાન નબ કિશોર દાસને શા માટે ગોળી મારી? આખરે શું કારણ હતું કે ASIએ આવું પગલું ભરવું પડ્યું?
એમ જાણવા મળ્યું છે કે ASI ગોપાલ દાસ માનસિક બિમારીથી પીડિત છે અને તેને હાઈ બ્લડ પ્રેશરની પણ બીમારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મનોચિકિત્સા વિભાગના વડાએ જણાવ્યું હતું કે ગોપાલ દાસ બાયપોલર ડિસઓર્ડરથી પીડિત છે. તેમણે જણાવ્યું હતું કે ગોપાલ દાસ છેલ્લા લગભગ 10 વર્ષથી સારવાર હેઠળ હતો. તે કોઈપણ બાબતમાં ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જતો હતો.
વિભાગના વડાએ વધુમાં જણાવ્યું હતું કે તે આ રોગ માટે નિયમિતપણે દવાઓ લઈ રહ્યા છે કે કેમ તે અંગે તેઓ જાણતા નથી, પરંતુ તેમના રોગ માટે નિયમિતપણે દવાઓ લેવી તેમના માટે સૌથી મહત્વપૂર્ણ હતું. આ સિવાય ગોપાલ દાસની પત્નીએ પણ તેમની બીમારીની પુષ્ટિ કરી છે. દાસની પત્નીએ જણાવ્યું કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડિત હતા અને સતત દવાઓ લેતા હતા. ASI ગોપાલ દાસની પત્નીએ કહ્યું હતું કે તે પણ જાણતી નથી કે તેને નબા કિશોર દાસ સાથે કોઈ અંગત દુશ્મનાવટ છે કે કેમ.