કૂર્ગ, કોફી એસ્ટેટ અને ફાર્મ સ્ટે

ઉત્સવ

રંગ છલકે – ક્ધિનર આચાર્ય

ગુજરાતનું એક દંપતી ડોડી (જીવંતી) નામની વનસ્પતિનાં બીજનું નિ:સ્વાર્થભાવે વિતરણ કરે છે. કહેવાય છે કે ભારતીય વનસ્પતિશાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે જીવંતીનો નાશ થશે ત્યારે સમજવું કે પર્યાવરણનો સોથ વળી ગયો. અગાઉ આપણે ત્યાં ઘાસની જેમ જીવંતીની વેલી ફૂટી નીકળતી ઠેર ઠેર. આંખ માટે એ આયુર્વેદનું સર્વોત્તમ ઔષધ ગણાય છે. અગાઉ ગાયો ચરવા નીકળતી અને તેના દૂધ વાટે તેના ગુણ આપણા શરીરને મળતા. પર્યટક તરીકે આપણી નૈતિક ફરજ શી? જ્યાં ફરવા જાઓ ત્યાં ઉપયોગી વૃક્ષોનાં બીજ વેરતા રહો.
સોમાંથી કદાચ પાંચ-દસ બીજ પણ વૃક્ષ બન્યાં તો ભયો ભયો. વન વિભાગની કચેરીઓમાં આવાં બીજ નિ:શુલ્ક અથવા ટોકન દરથી મળી રહે છે. આપણાં વેરેલાં દસ-વીસ બીજ કદાચ ભવિષ્યમાં આખા વિસ્તારની શકલ બદલી નાખે એવું પણ બને. બેન્ગલુરુ ડાયરીમાં આવી બધી વાતો ક્યાંથી આવી ગઈ? આજે અમે પહોંચવાના છીએ કર્ણાટકના હિલ સ્ટેશન, કૂર્ગ. કોફી પ્લાન્ટેશન માટે અને ઉત્તમ કોફી બીન્સ માટે કૂર્ગ વિશ્ર્વવિખ્યાત છે, પણ અહીં કોફી પ્લાન્ટેશનની શરૂઆત કેવી રીતે થઈ? ઈસવી સન ૧૬૭૦માં બાબા બુદાન નામના એક યાત્રાળુ વિદેશથી વહાણમાં અહીં આવ્યા. તેઓ તેમની સાથે કોફીનાં સાત બીન્સ લઈને આવ્યા હતા. અહીં આવેલા ચિકમગલુર વિસ્તારમાં તેમણે આ બીજ રોપ્યાં અને ત્યારથી આ વિસ્તારમાં કોફી પ્લાન્ટેશનની શરૂઆત થઈ.
કોને ખ્યાલ હતો કે સાત બીજમાંથી ધીમે ધીમે અહીં કોફીનો આખો મલક બની જશે! આજે કૂર્ગને કોફીનું સ્વર્ગ માનવામાં આવે છે. બેન્ગલુરુથી લાંબી રોડ ટ્રિપ પછી અમે કૂર્ગ પહોંચ્યા. ખૂબ થાક હતો. સૌપ્રથમ ઉતારા પર જવું હતું અને અમારો પડાવ હતો એક ઘેઘૂર કોફી એસ્ટેટ મધ્યે.
કૂર્ગમાં, તેની રાજધાની જેવા ગણાતા મદીકેરીમાં ઢગલાબંધ હોટેલ્સ છે. સાદીથી લઈને ફાઈવ સ્ટાર સુધીની, પરંતુ આ વિસ્તારની અસલી મજા માણવી હોય તો કોફી એસ્ટેટમાં સ્ટે કરવો ઉત્તમ. કૂર્ગમાં આવા અગણિત કોફી એસ્ટેટ છે. અમારો ઉતારો આવા જ એક કોફી એસ્ટેટમાં હતો.
લગભગ ૬૦૦ એકરમાં ફેલાયેલું કોફી એસ્ટેટ. આભને આંબતાં વૃક્ષો અને નીરવ શાંતિ. આસપાસ કોઈ જ માનવ વસ્તી નહીં. હરિયાળીનું અને પ્રકૃતિનું સામ્રાજ્ય અને જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી કોફીનું પ્લાન્ટેશન જ દેખાય. પ્રકૃતિની સમૃદ્ધિ જાણે ચરમસીમા પર હોય તેવું લાગે. પક્ષીઓનો કલરવ અને મસ્ત મજાનું ટાઢોડું.
કૂર્ગમાં આવા અસંખ્ય ફાર્મ સ્ટે છે. અમારું કોટેજ એકદમ ક્યુટ હતું. બે બેડરૂમ, હોલ, કિચન અને ડાઈનિંગ હોલ. એક એટેન્ડન્ટ કપલ, જે તમને નાસ્તાથી લઈ ભોજન વગેરે બનાવી આપે. જેમ દલ સરોવરની હાઉસ બોટમાં રહેવું- એ એક એક્સ્પીરિયન્સ છે, તેવી જ રીતે કોફી એસ્ટેટમાં રહેવું એ એક આહ્લાદક અનુભવ છે. ઘડીક તો થાય કે અહીં જ રોકાઈ જઈએ. કૂર્ગ જવાનું થાય તો હોટેલમાં રોકાવાની ભૂલ કરવી નહીં. ફાર્મ સ્ટે સિવાય બીજો કોઈ વિકલ્પ પસંદ કરવો નહીં.
મેં ભારતનાં ઘણાં હિલ સ્ટેશન્સ જોયાં છે. કૂર્ગ તેમાં શ્રેષ્ઠતમ છે એવું નહીં કહું, પરંતુ કૂર્ગ એકદમ ડિફરન્ટ છે અને એટલું જ બ્યુટિફુલ. એટલે જ કૂર્ગને ભારતનું સ્કોટલેન્ડ ગણવામાં આવે છે. કૂર્ગનું વાતાવરણ, લેન્ડસ્કેપ્સ, ભૂગોળ, ક્લાઈમેટ, ફ્રેશ વોટર બોડીઝ-ઝરણાંઓ વગેરે એકદમ સ્કોટલેન્ડને મળતાં આવે છે.
રાહત એ વાતની છે કે કૂર્ગ હજુ ભીડભાડવાળું, ગીચ અને ઘોંઘાટિયું ગિરિમથક
નથી. શિમલા, મનાલી કે મહાબળેશ્ર્વરની જેમ અહીં માનવ સમંદર ઊભરાતો
નથી. બજારોમાં પણ અહીં ધક્કામુક્કી નથી. કૂર્ગની આ મજા નિરાળી છે. એ નિરાંતવું ગિરિમથક છે.
હજુ એ સ્પોઈલ થતાં ઘણાં વર્ષો લાગશે. તેની હાલત શિમલા-મનાલી જેવી થઈ જાય એ પહેલાં એક વખત ત્યાં જઈ આવજો. (ક્રમશ:)ઉ

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.