પ્રાસંગિક -ભરત વૈષ્ણવ
એક જમાનામાં પાડોશી પહેલો સગો હતો. પછી ભલે એ બાયોલોજિકલ બ્રધર ન હોય. પણ સંબંધ એવો પ્રસ્થાપિત થતો હતો કે સગો સહોદર રીસાઇ જાય. અપિતુ, પાડોશી સાથે સહોદર કરતાં અદકેરો સંબંધ રહેતો હતો. પાડોશીના સુખે અને પાડોશીના દુખે થતા હતા. પાડોશીને શરદી થાય અને છીંક તમને આવે!! પાડોશી પેંડાનું પ્રાસન કરે અને તમારા પેટને પરમ તૃપ્તિનો અહેસાસ થાય. તમે બીમાર પડો તો, પાડોશી હૉસ્પિટલમાં તમારા બેડ પાસેના સ્ટૂલ પર મટકું માર્યા વિના સાતસાત રાત જાગે અને ઉપકારનો અહેસાસ પણ ન જતાવે. માનો ભીમ-શકુનિનું અપ્રતિમ કોમ્બિનેશન!!!
આજની તારીખે આવું બોન્ડિંગ કે કોન્પ્રિહેન્સિવ વિરાટ સ્ટ્રેન્થ છે તેવું ખાતરીબંધ કહી ન શકાય!! આજે પાડોશી રહ્યા છે, પરંતુ ઉષ્માનું ઝાકળની જેમ બાષ્પીભવન થયેલ છે. પાડોશી ઇર્ષાનું એપિસેન્ટર બન્યો છે. કદાચ ઓનીડા ટીવીની ટેગ કારણભૂત છે. નેબર્સ એનવી, ઓવનર્સ પ્રાઇડ!! મતલબ કે હવે તમે કે તમારો પાડોશી ઔડી કે મેગ્નમ હેક્ટર લાવે તો ખુશીનો મહાસાગર ઉછાળવાને બદલે જોશીમઠનાં મકાનોમાં તિરાડો પડે કે મકાનો જમીનમાં ધસી જાય છે તેમ તમારા દિલમાં તિરાડો પડે છે. જીવ બળે છે. કેમ કે, તમારી વીસ વરસ જૂની રામપિયારી રાવણપિયારી બની તમારી આબરુંનું અપહરણ કરે છે!! તમારો છોકરો નીટ ક્લિયર કરી (તમે સમજો એવી આ નીટ એટલે પાણી કે આઇસ કયુબ મેળવ્યા વિનાની શરાબની વાત નથી!!) મેડિકલમાં એડમિશન મેળવે એમાં પાડોશીને સાપ કેમ સૂંઘી જાય છે!! હવે પાડોશીના દુખે સુખી થવાની અને પાડોશીના સુખી દુખી થવાની ઋુગ્ણ માનસિકતા કદાચ ન્યુ ઇન્ડિયાની ઓળખ બનતી જાય છે!!!
લગ્નની જોડીઓ ઉપરથી નક્કી થાય છે અને નીચે- પૃથ્વી પર ઔપચારિકતા પૂર્ણ થાય છે,એવું કહેવાય છે. પરંતુ પાડોશી અને દુશ્મન માટે એવું કહી ન શકાય . પાડોશી અને દુશ્મન પસંદગી પ્રમાણે મળતા નથી!! પતિ-પત્નીના કિસ્સામાં પડ્યું પાનું નિભાવી લેવાનું હોય છે. પછી ભલે એક પ્લેન અને બીજું છકડાનું ટાયર હોય. આ જ થિયેરી ડીટો ટુ ડીટો પાડોશી અને દુશ્મનનું છે. યુ કાન્ટ બીટ એનેમિ એન્ડ નેબર્સ!!
જે બાબતો વ્યક્તિગત સંબંધોમાં છે એ બાબત આંતરરાષ્ટ્રીય સંબંધોમાં લાગુ પડે છે!! જેમ કે પાકિસ્તાન. પાકિસ્તાન આપણો મોટો ભાઇ છે. કેમ કે, પાકિસ્તાનનો જન્મ અખંડ ભારતની કૂખે ૧૪ મી ઓગસ્ટ, ૧૯૪૭માં થયેલ અને ભારતનો જન્મ ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭માં થયેલ. પરંતુ પાકિસ્તાન કાયમ ઉદાર મોટા ભાઇ-બિગ બ્રધરના બદલે ઇર્ષાળુ, ઝઘડાળું કચકચિયણ પાડોશીનો રોલ અદા કર્યો છે. આપણી સામે હજાર વરસો લડવાની
શેખી, કાશ્મીરનો રાગ તમામ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર આલાપ્યો છે. ખાવા ખીચડી નથી અને ભારત સામે એક હજાર વર્ષ લડવાની ડીંગ હાંકે છે!!
પાકિસ્તાનમાં સતત સૈન્યની સરમુખત્યારોના બૂટની એડી નીચે લોકશાહી આહત થતી રહી છે. ભાવો ભડકે બળ્યા. પાક સરકારે ભાવવધારાની આગ બુઝાવવાના બદલે ભાવવધારાનું પેટ્રોલ છાંટ્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે ઝૂમાં સિંહને રાખવાનો ખર્ચ પરવડતો ન હોવાથી વનરાજને મરઘીના ભાવે વેચવાની નોબત આવી છે.!! દૂતાવાસના ગંજાવર ખર્ચથી અર્થતંત્ર માટે વિપરીત અસર થઇ હોવાથી દૂતાવાસ વેચવા કાઢવા પડ્યા છે!! પાકિસ્તાનનું અર્થતંત્ર કટોકટીના કળણમાં ફસાયેલ છે. વિદેશી હૂંડિયામણ ઘટતું જાય છે. પાકિસ્તાનના યોજના મંત્રી અહસાન ઇકબાલે કહ્યું કે, પાકિસ્તાનના નાગરિકોએ વર્ષ ૨૦૨૧-૨૨માં ચા પાછળ ૮૩.૮૮ અબજ રૂપિયા (૪૦ કરોડ ડૉલર) જેટલો ખર્ચ કર્યો છે. પાકિસ્તાન આખા વિશ્ર્વમાં ચાની આયાત કરનારા મોટા દેશો પૈકીનો એક છે. હવે પાકિસ્તાને ચાની આયાત કરવા માટે લોન લેવી પડી રહી છે. તેણે લોકોને અર્થવ્યવસ્થા બચાવવાની અપીલ કરી અને કહ્યું કે હું દેશને એક કપથી ઓછી ચા પીવાની અપીલ કરી હતી. કેમ કે પાકિસ્તાન જે ચા ખરીદી રહ્યું છે, તે ઉધાર લઇને ખરીદી થઇ રહી છે.!! આ નુકતેચીની રામસેતુ બનાવવા ખિસકોલીએ કરેલ યોગદાન જેટલી પણ અસરકારક નથી!!
નબળી ગાયને બગા (જીવાત)ઘણી હોય છે એવું કહેવાય છે. પાકમાં વીજળી સંકટમાંથી પસાર થઇ રહેલા પાકિસ્તાનમાં રાતે ૮:૩૦ વાગે બધા જ બજારો બંધ કરી દેવામાં આવશે. સરકારના આ નિર્ણયને કારણે મોબાઇલ ફોન, સિગારેટ, ખાધ ઉત્પાદનો, કપડાં અને સૌંદર્ય પ્રસાધનો પર પણ અસર પડી છે. આ સિવાય ઇકબાલે પાકિસ્તાનની પાછલી સરકાર પર અર્થવ્યવસ્થા નષ્ટ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
મે મહિનામાં પાકિસ્તાની રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે અને તેનું મૂલ્ય ડૉલર સામે ૨૦૦ને પાર કરી ગયો છે.જે એક નેગેટિવ રેકર્ડ છે! વિદેશી પૈસા પર નભતા પાકિસ્તાને હંમેશાં આતંકનું સમર્થન કર્યું છે, તેનો ઉપયોગ ભારત વિરુદ્ધ ખૂબ કર્યો છે. મુંબઈમાં હુમલો, સંસદ પર અટેકમાં આ દેશની ડાયરેક્ટ લિંક મળી છે. અહીંના આકાઓએ ન ફક્ત આતંકને છાવર્યો છે, પણ પોતાના દેશના વિકાસને પણ નજરઅંદાજ કર્યો છે.
પાકિસ્તાનમાં ક્યારેક લોટ, તો ક્યારેક ટામેટા, ડુંગળી માટે ફાંફાં પડી રહ્યાં છે. નામ માત્રના લોકતંત્રવાળા આ દેશમાં જનતા ચૂંટીને ભલે ગમે તેને લઈ આવે, પણ સરકાર સેનાની ચાલે છે. ઈમરાન ખાને આ પરંપરાને બદલવાની કોશિશ કરી તો તેમને પણ ઘરભેગા કરી દીધેલા. પાકિસ્તાનના લોકો આંર્તનાદ કરીને સરકારને અરજ કરે છે કે સરકાર લોટ નથી આપી શકતી, ન હોય તો અમારા પર ગાડી ચડાવી દો, અમને મારી નાખો. આ પ્રકારના નિવેદન એવા દેશમાંથી જ આવી શકે, જ્યાં દુષ્કાળ પડ્યો હોય અને જનતા ભૂખમરાની કગાર પર આવીને ઊભી હોય. આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં જનતાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે, લોકો આત્મહત્યા કરવાની વાત કરી રહ્યા છે. લોટની કિંમત ૧૫૦ રૂપિયા પ્રતિકિલો સુધી પહોંચી ગઈ છે. લોટની ૧૫ કિલોની બોરી ૨,૨૫૦ રૂપિયા સુધી વેચાઈ રહી છે. લાહોરમાં પણ લોટની કિંમત ૧૪૫ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં લાંબી લાંબી લાઈનોમાં લાગેલા લોકો લોટ લેવા માટે તરસી રહ્યા છે. લોટ નહીં મળતા લોકો રસ્તા પર સૂઈને મરી જવાની ધમકી આપી રહ્યા છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. લોકો રોટલી માટે જીવ જોખમમાં મૂકવા મજબૂર છે. લોકોની થાળીમાંથી માત્ર રોટલી જ ગાયબ થઈ રહી છે, પરંતુ લોકો અન્ય રોજિંદી જરૂરી વસ્તુઓ માટે પણ તલપાપડ થઈ રહ્યા છે. જે સામાન ભારતમાં ગલીના ખૂણેની દુકાન પર પણ સરળતાથી મળી રહે છે, પાકિસ્તાનમાં લોકો તેમના માટે મરવા માટે તૈયાર છે જે સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.
સરસવના તેલની પણ અછત છે. દુકાનો પર ઉપલબ્ધ સ્ટોકના ભાવ આસમાને છે. એક કિલો સરસવનું તેલ ૫૩૩ રૂપિયા પ્રતિ લિટરમાં મળે છે. આ ઉપરાંત દૂધ અને ચોખાની પણ અછત છે. દૂધ ૧૫૦ રૂપિયા પ્રતિ લિટર અને ચોખા ૧૪૭ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. લોટ, દૂધ, ચોખાથી માંડીને ચિકન, ખાદ્યતેલથી લઈને પેટ્રોલ-ડીઝલ સુધીની વસ્તુઓ લોકોની પહોંચ બહાર થઈ રહી છે. પાકિસ્તાનમાં મોંઘવારીની સ્થિતિ એ છે કે મોંઘવારી દર ૨૪.૫ ટકાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. ભાવવધારાથી લોકો જાડા અનાજ પર નિર્ભર બન્યા છે. પાકિસ્તાનના લોકોની ડીશમાંથી ચિકન મિ. ઇન્ડિયાની જેમ અલોપ થઇ ગયું છે!! મારીને મુસ્લિમ બનાવવા એમ ઘણીવાર સાંભળ્યું છે. મજબૂરીનું નામ મહાત્મા ગાંધી છે એવું પણ કહેવાય છે. હવે ચિકનના અભાવે શાકાહારી કહેવાશે. કેમ કે ચિકનની કિંમત ૩૮૪ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તે જ સમયે, ઘણાં શહેરોમાં તે ૬૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. જે ભ્રષ્ટ બ્યુરોકટ કે લશ્કરના મેજર-એડમિરલ- એર માર્શલ જ એફોર્ડ કરી શકશે. બીજા શબ્દોમાં કહીએ તો રોટલીની સાથે પાકિસ્તાનીઓની થાળીમાંથી ચિકન પણ ગાયબ થઈ રહ્યું છે. કઠોળના ભાવ પણ આસમાને છે, તેથી પાકિસ્તાનમાં જે લોકો તાજાં ફળોનો સપ્લાય કરે છે તેઓ પોતે ફળો મેળવી શકતા નથી. આર્થિક સંકટ વચ્ચે ડુંગળી પણ પાકિસ્તાનના લોકોને રડાવવાનું કામ કરી રહી છે. ગયા વર્ષે દેશમાં માત્ર ૩૭ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી ડુંગળી હવે ૨૨૦ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે. પાકિસ્તાનમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૧૦,૦૦૦ પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
આટલી તકલીફો વચ્ચે પાકની પ્રજા જિંદગી બસર કરી રહી છે. પણ ક્રિએટીવીટી તો પાકિસ્તાનના બાપની. આપણે રાંધણગેસ હંમેશાં નાના કે મોટા કોમર્શિયલ કે ઘરેલું સિલિન્ડરમાં જોયા છે. ઘણીવાર સિલિન્ડરના અભાવે ગેસ કંપનીઓ ગેસ રિફિલ કરી શકતી નથી!! ગેસના સિલિન્ડરોની આરપાર જોઇ શકાતું નથી. પાકિસ્તાનમાં ગેસના ભંડારમાં ઘટાડાને કારણે અધિકારીઓએ ઘરો, ફિલિંગ સ્ટેશનો અને ઔદ્યોગિક એકમોમાં ગેસનો સપ્લાય ઘટાડી દીધો છે.
કાર્બન સ્ટીલ અથવા સ્ટીલ એલોયથી બનેલા ખાલી સિલિન્ડરની કિંમત ૧૦,૦૦૦ પાકિસ્તાની રૂપિયા છે. જેના કારણે નાના દુકાનદારો, ગરીબ પરિવારો અને અન્ય લોકો તેને ખરીદી શકતા નથી. તેથી તેઓએ બીજી પદ્ધતિ અપનાવી છે. જે લોકો દસ હજાર રૂપિયા ખર્ચી શકતા નથી તેવા લોકો અને જેમને ગેસ કનેકશન મળેલ નથી તેવા લોકો ૫૦૦થી ૯૦૦ રૂપિયાનો ખર્ચ કરી પ્લાસ્ટિકની થેલીમાં ગેસ મેળવે છે. જે જગતની મૌલિક અને અભિનવ શોધ છે. આમ પણ, જરૂરિયાત એ શોધનું જનની કહેવાય છે! યુરોપ, અમેરિકા કે કોઇ વિકસિત દેશને આવી મૌલિક શોધ કરવાનું સૂઝ્યું નહીં. પાકિસ્તાન તેની નવી શોધ માટે નોબલ કે તેનાથી મોટો એવોર્ડ, રીવોર્ડ ઇનામ, અકરામ આપવો જોઇએ!!! પછી ભલે તેના લીધે ગંભીર અકસ્માત કે મોટી માત્રામાં જાનહાનિ કેમ ન થાય!! કયા બોલતા હૈ મામુ??