અંધેરીમાં હોટેલના કિચનમાં રસોઇયાએ ચાકુના ઘા ઝીંકી વેઇટરની કરી હત્યા

આમચી મુંબઈ

મુંબઈ: હોટેલના કિચનમાં રસોઇયાએ ચાકુના ઘા ઝીંકી વેઇટરની હત્યા કરી હોવાની ઘટના અંધેરી પૂર્વમાં બની હતી. એમઆઇડીસી પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો નોંધીને રસોઇયાની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ અંધેરી પૂર્વમાં સુરેન રોડ પર પીવીઆર સિનેમા નજીક આવેલી હોટેલના કિચનમાં શુક્રવારે આ ઘટના બની હતી. આરોપી રસોઇયો માધવ મંડલ અને વેઇટર જગદીશ જલાલ ગુરુવારે નાઇટ ડ્યૂટીમાં હતા ત્યારે કિચનમાં ગ્રાહકોના ઓર્ડરને મુદ્દે બંને વચ્ચે વિવાદ થયો હતો. એ સમયે તેમની વચ્ચે ધક્કામુક્કી થઇ હતી.
શુક્રવારે સવારે આ જ બાબતને લઇ તેમની વચ્ચે ફરી વિવાદ થતાં આરોપી માધવ મંડલે વેઇટર જગદીશ પર ચાકુના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા જગદીશને સારવારાર્થે હોસ્પિટલમાં લઇ જવાતાં તેને મૃત જાહેર કરાયો હતો. આ ઘટના બાદ હોટેલના કિચન શૅફ ડુંગરસિંહ નેગીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.