ક્રિકેટર પૃથ્વી શૉની કારની તોડફોડ: આઠ વિરુદ્ધ ગુનો દાખલ, મહિલાની ધરપકડ
મુંબઈ: સાંતાક્રુઝમાં આવેલી લક્ઝરી હોટેલની બહાર સેલ્ફી લેવાને મુદ્દે વિવાદ થયા બાદ ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉની કારની તોડફોડ કરવામાં આવી હતી અને બાદમાં મામલાની પતાવટ કરવા માટે પૃથ્વી શૉના મિત્ર પાસે રૂ. ૫૦ હજારની માગણી કરાઇ હતી. બુધવારે આ ઘટના બની હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ ઘટનાને પગલે ઓશિવરા પોલીસે મહિલા સહિત આઠ જણ વિરુદ્ધ દંગલ અને ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો અને બાદમાં મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાની ઓળખ સપના ગિલ તરીકે થઇ હોઇ તે સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર છે.
પૃથ્વી શૉ બુધવારે તેના વેપારી મિત્ર આશિષ યાદવ સાથે સાંતાક્રુઝમાં ડોમેસ્ટિક એરપોર્ટ નજીક આવેલી હોટેલમાં ગયો હતો ત્યારે આ ઘટના બની હતી. કૅફે ચલાવતો યાદવ ત્રણ વર્ષની પૃથ્વી શૉ સાથે બાંદ્રા વિસ્તારમાં રહે છે. યાદવે નોંધાવેલી ફરિયાદ અનુસાર હોટેલમાં અજાણ્યો શખસ સેલ્ફી લેવા માટે પૃથ્વી શૉ પાસે આવ્યો હતો અને પૃથ્વીએ તેને સેલ્ફી લેવા દીધી હતી. જોકે ત્યાર બાદ તેણે વધુ સેલ્ફી લેવાનો આગ્રહ કર્યો હતો. પૃથ્વીએ વિનંતી નકારી કાઢતાં આરોપીએ પૃથ્વી સાથે દલીલબાજી અને ગેરવર્તન શરૂ કર્યું હતું.
આ જોતાં હોટેલના મેનેજર ત્યાં આવ્યો હતો અને તેણે સેલ્ફી લેવાની માગણી કરનારા શખસને હોટેલ બહાર જવા માટે કહ્યું હતું. આ ઘટના બાદ પૃથ્વી અને યાદવે ડિનર કર્યું હતું અને
બાદમાં તેઓ બહાર નીકળ્યા ત્યારે દલીલબાજી કરનારા શખસને તેમણે હાથમાં બેઝબોલ બેટ સાથે જોયો હતો. પૃથ્વી અને યાદવ કારમાં બેઠાં ત્યારે ઉપરોક્ત શખસે બેઝબોટ બેટથી કારની વિંડશિલ્ડ પર પ્રહાર કર્યો હતો. આથી પૃથ્વીને અન્ય કારમાં બેસાડવામાં આવ્યો હતો, જ્યારે યાદવ અને અન્યો પોતાના વાહનમાં ઓશિવરા તરફ નીકળ્યા હતા.
યાદવની કારની પાછળ ત્રણ મોટરસાઇકલ તેમ જ સફેદ રંગની કાર પીછો કરતી હતી. ગુરુવારે પરોઢિયે ચાર વાગ્યાની આસપાસ લિંક રોડ પર પેટ્રોલ પંપ નજીક યાદવની કાર વળાંક લેતી હતી ત્યારે આરોપીએ કાર પર ફરીથી હુમલો કર્યો હતો. એક જણે બેઝબોલ બેટ પાછળની વિંડશિલ્ડ પર મારતા તે તૂટી ગઇ હતી.
મોટરસાઇકલ પર છ જણ અને કારમાં મહિલા સહિત બે જણ હતાં. તેમણે યાદવ અને તેની સાથે કારમાં બેઠેલા લોકો સામે જોઇને ગાળાગાળી શરૂ કરી હતી. યાદવ બાદમાં કાર સીધો ઓશિવરા પોલીસ સ્ટેશને લઇ ગયો હતો. આઠ આરોપી પણ ત્યાં આવ્યા હતા. આમાંથી મહિલાએ યાદવ સાથે દલીલબાજી શરૂ કરી અને મામલાની પતાવટ કરવી હોય તો રૂ. ૫૦ હજાર આપો નહીં તો પોલીસમાં ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. બાદમાં યાદવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઠ જણ વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ ૧૪૩ (ગેરકાયદે ભેગા થવું), ૧૪૮ (હુલ્લડ મચાવવું), ૩૮૪ (ખંડણી), ૫૦૬ (ફોજદારી ઉશ્કેરણી) અને અન્ય કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)