Homeઉત્સવચીનના તવાંગ અટકચાળાનો વિવાદ

ચીનના તવાંગ અટકચાળાનો વિવાદ

*બીજિંગનો અરુણાચલ દાવો અમાન્ય
*દલાઈ લામા અથડામણનો કાયમી મુદ્દો

કારણ-રાજકારણ -ડો. હરિ દેસાઈ

હમણાં અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ચીનના લશ્કરે ઘૂસણખોરી કરવાનો અટકચાળો કર્યો. સદનસીબે સજાગ ભારતીય લશ્કરી જવાનોએ એમને ખદેડી મૂક્યા. ચીન તવાંગ ખાતેના બૌદ્ધ મઠ પર કબજો જમાવવા માંગે છે. અગાઉ વર્ષ ૧૯૬૨માં પણ ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે એના બદઈરાદા તવાંગ જ નહીં, સમગ્ર અરુણાચલ પ્રદેશ જે એ વખતે નેફા ગણાતું હતું એને ઓહિયાં કરવાના હતા. કાશ્મીર સરહદ બાજુ લદ્દાખમાં પણ ચીન પોતાનો કબજો જમાવવા માગે છે. એણે જ્યારથી તિબેટ પોતાના પંજામાં લીધું છે ત્યારથી એ અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ ગણાવીને હકદાવો કરતું રહ્યું છે. જોકે અરુણાચલ પ્રદેશ એ ભારતનો જ હિસ્સો હોવાની ભારતીય ભૂમિકા કાયમ રહી છે. એટલે એ ઘૂસણખોરીનાં અટકચાળા કર્યા કરે છે. ભારતીય સંસદમાં ચીની ઘૂસણખોરી અંગે ચર્ચાનો કેન્દ્ર સરકાર નનૈયો ભણતી રહી છે. આ મુદ્દો કાયમ રાજકીય અને લશ્કરી દ્રષ્ટિએ સંવેદનશીલ રહ્યો છે. સત્તારૂઢ ભાજપના જ
અરુણાચલના લોકસભાના સભ્ય તાપીર ગાઓ કહેતા રહ્યા છે કે ચીને ભારતની સરહદમાં ગામ વસાવ્યું છે. અરુણાચલના જ બીજા ભાજપી સાંસદ અને કાયદાપ્રધાન કિરણ રિજુજી એનો નનૈયો ભણતા રહ્યા છે. જોકે ભાજપના નેતા અને ચીની બાબતોના નિષ્ણાત ડો.સુબ્રમણિયન સ્વામી ચીન લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં ઘૂસી આવ્યાની વાતને સતત સમર્થન આપતા રહ્યા છે. હમણાં કોરોના પ્રતાપનાં બે વર્ષ પછી તિબેટના ધાર્મિક નેતા અને હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં પોતાના અનુયાયીઓ સાથે રાજ્યાશ્રય હેઠળ રહેતા દલાઈ લામા બિહારના બોધગયાના પ્રવાસે ગયા અને રાજનેતાઓને મળતા રહ્યા છે એટલે પણ ચીન ભૂરાંટુ થયું છે. વચ્ચે ચીની જાસૂસ મહિલા ત્યાં પકડાયાનાં અહેવાલ આવ્યા હતા, પરંતુ એ વિના વિસા ત્રણ સાલથી ભારતમાં રહેતી હોવાનું સાબિત થતાં એને ડીપોર્ટ કરવાનો નિર્ણય જાહેર થયો છે. વર્ષ ૧૯૫૯માં દલાઈ લામા તવાંગ માર્ગે પોતાના હજારો તિબેટવાસી અનુયાયીઓ સાથે ભાગીને ભારત આવ્યા હતા. એ વખતના વડા પ્રધાન પંડિત નહેરુએ તેમને રાજ્યાશ્રય આપ્યો હતો. ગિન્નાયેલા ચીને ૧૯૬૨માં ભારત પર આક્રમણ કર્યું હતું. ચીને એ યુદ્ધમાં વિજય મેળવ્યા પછી પણ એ પાછું હટી ગયું હતું. એ પછી ૧૯૬૭ અને ૧૯૮૬માં ભારતીય લશ્કરે નથુલા પાસ સરહદે અને અરુણાચલ સરહદે ચીનના દાંત ખાટા કર્યા હતા. ભારત અને ચીનની ચારેક હાજર કિલોમીટરની સરહદ હજુ નક્કી થઇ નથી એટલે એ અંકુશરેખા જ ગણાય છે. ૧૯૭૫માં જનમતને પગલે ભારતમાં ભળી ભારતનું રાજ્ય બનેલા સિક્કિમ દેશની સાથેની ચીનની સરહદ જ નિર્ધારિત થયેલી છે.
ભારતની ચોફેર ચીનનો ભરડો
આજે સ્વયં દલાઈ લામા તિબેટને ચીનનું અવિભાજ્ય અંગ સ્વીકારીને પોતાની માતૃભૂમિમાં પાછા જવા ખૂબ ઉત્સુક છે, પણ ચીન એમને અત્યંત ખતરનાક ભાગલાવાદી અને રાષ્ટ્રદ્રોહી ગણાવે છે; એટલું જ નહીં દુનિયાના બીજા દેશોના શાસકો આ ધાર્મિક નેતાને પોતાને ત્યાં નોતરે કે તેઓ એમને મળે એ સામે પણ બીજિંગ વાંધો લે છે. ભારતની ચોફેર આવેલા દેશોમાં ચીનનો પ્રભાવ એટલો વધતો ચાલ્યો છે કે એક વખતનું હિંદુરાષ્ટ્ર નેપાળ તેનું કહ્યાગરું બન્યું છે, પાકિસ્તાન એનો ૩૪મો પ્રાંત લેખાય છે, ભૂટાન સૂડી વચ્ચે સોપારીની સ્થિતિ અનુભવે છે, શ્રીલંકા પોતાનાં બંદરો ચીન માટે ખુલ્લાં મૂકે છે, મ્યાનમાર અને બાંગલાદેશ એની સાથે ઘરોબો કેળવી આર્થિક સહાય મેળવે છે અને બટુકડું માલદીવ ભારતને હૅલિકોપ્ટર હટાવી લેવા ફરમાવતું થયું છે.
ચીનની ખફગી સાથે રાજ્યાશ્રય
ભારત ૧૯૪૭માં આઝાદ થયું. તિબેટની રાજધાની લ્હાસા સાથે દિલ્હીના સંબંધો મધુર હતા. વર્ષ ૧૯૪૯માં માઓ ઝેડાંગના નેતૃત્વમાં ચીનમાં કમ્યુનિસ્ટ ક્રાંતિ થઇ અને સત્તા કબજે કરાઈ હતી.એના બીજા જ વર્ષે તિબેટને પોતાનો પ્રદેશ ગણાવીને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ)ના ૪૦,૦૦૦ સૈનિકોએ તિબેટના માત્ર ૧૨,૦૦૦ સૈનિકોને બાર જ દિવસમાં મહાત આપી તિબેટ કબજે કરી લીધું હતું. એ પછી તિબેટના ધાર્મિક અને શાસકીય નેતા દલાઈ લામા નવ-નવ વર્ષ સુધી ચીનના માઓ શાસન સાથે સમાધાનની મંત્રણા કરતા રહ્યા હતા. મામલો એમની ધરપકડ સુધી જવામાં હતો ત્યારે એમણે ભારતના વડા પ્રધાન નહેરુને કરેલી વિનંતીનો સકારાત્મક ઉત્તર મળતાં જ એ અરુણાચલ પ્રદેશના તવાંગ માર્ગે ભારત આવી ગયા હતા. એમના પગલે તેમના ૮૦,૦૦૦ જેટલા બૌદ્ધ શ્રદ્ધાળુઓ પણ ભાગીને ભારત આવ્યા. નહેરુ એમને સામેથી મળવા ગયા. કલાકો સુધી બંનેએ ચર્ચા કરી.ચીનની ખફગી વહોરીને પણ વડા પ્રધાન નહેરુએ દલાઈ લામા અને તેમના અનુયાયીઓને શરણાર્થી તરીકે રાજ્યાશ્રય આપ્યો. એ પછી હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં તિબેટની પ્રજાના આ સર્વોચ્ચ ધાર્મિક નેતાને અનુરૂપ નિવાસ અને કાર્યાલયની સઘળી વ્યવસ્થા કરી આપી. આજ લગી તેઓ ત્યાં જ વસે છે. દુનિયાભરમાં ભારતના પીળા રંગના ઓળખપત્ર પર તેઓ અને તેમના અન્ય શ્રદ્ધાળુ મુસાફરી કરે છે.
૧૯૬૨માં ભારતનું નાક કપાયું
હિંદી -ચીની ભાઈ ભાઈનો રાગ આલાપવામાં વડા પ્રધાન નહેરુથી લઈને તમામ ભારતીય રમમાણ હતા. ભારત સાથેના ચીનના આઠ વર્ષના પંચશીલ કરાર જેવાને પૂરા થવામાં હતા ત્યાં લુચ્ચા ચીને એની જાત દેખાડવાની શરૂઆત કરી. મૈત્રીના જાપ ચાલુ રાખીને જ વર્ષ ૧૯૬૨માં ચીને ભારત પર અણધાર્યું આક્રમણ કર્યું. આ યુદ્ધમાં ભારતની ભારે ફજેતી થઇ. નેહરુને એના આઘાતમાં જ લકવો પડ્યો. એ ૧૯૬૪માં મૃત્યુ પામ્યા. નહેરુની આ મુદ્દે આજ લગી ભારે બેઇજજતી કરવામાં આવે છે, પણ આજે પણ ભારત અને ચીન વચ્ચેની સરહદોને અંતિમ સ્વરૂપ અપાયું નથી. ૧૯૬૨માં ભારતની પૂર્વ સરહદની ૯૦,૦૦૦ ચોરસ કિલોમીટર અને આકસાઈ ચીન ક્ષેત્રની ૩૮,૦૦૦ ચરસ કિલોમીટર જેટલી જમીન ચીને ગપચાવી. કેટલાક લશ્કરી નિષ્ણાતો આ દાવાને પડકારે છે. એટલું જ નહીં, પાકિસ્તાને ઓક્ટોબર ૧૯૪૭માં ગપચાવેલા જમ્મુ-કાશ્મીરના વિસ્તારમાંથી બંને દેશોએ મળીને વીસ વર્ષમાં કારાકોરમ હાઇવે બાંધી દીધો.અત્યારે ભારતના સત્તાવાર ક્ષેત્ર ગણાતા પાકના નાપાક કબજા હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચાયના-પાકિસ્તાન ઈકનોમિક કરિડોર(સીપેક) હેઠળ માત્ર મહામાર્ગ જ નહીં, ઊર્જા મથકો અને બીજા ઉદ્યોગોનું નિર્માણ થઇ રહ્યું છે. ભારતના આ સામેના વિરોધની ઐસીકી તૈસી કરીને ચીન ગજગામિની રીતે આગળ વધી રહ્યું છે.
દલાઈ લામાના ઉધામા
વિશ્ર્વશાંતિ અને માનવાધિકારોનો જાપ કરવા માટે દુનિયાભરમાં મશહૂર બનેલા નોબેલ પારિતોષિક વિજેતા દલાઈ લામા દાયકાઓ સુધી પોતાના ભાઈના વડપણ હેઠળ અને સંયુક્ત રાષ્ટ્ર તથા અન્ય માનવ અધિકાર સંઘો મારફત તિબેટમાં ચીન થકી આચરવામાં આવી રહેલા અત્યાચારો સામે લડત ચલાવી. ઝાઝું કશું ઉકાળી શક્યા નથી.ચીને તિબેટને દેખાડા પૂરતું સ્વાયત્ત ગણાવ્યું છે,પણ હકુમત તો ચીની લશ્કરની જ ચાલે છે. બાકી હતું તે ભારત ભણીની સરહદે તિબેટમાં લશ્કરી જમાવટ વધારી દીધી છે. બૌદ્ધ પ્રજા સાથે ચીનની હાનવંશી પ્રજાનું મિશ્રણ વધારી દેવાયું છે. વિશ્ર્વનો છતપ્રદેશ લેખાતા તિબેટ સુધી રેલવે પહોંચાડીને ચીન હવે નેપાળ સુધી એને લંબાવવામાં છે. ભારતની ઉત્તર સરહદે જોખમ વધી રહ્યાં છે. તિબેટવાસીઓ અને દલાઈ લામાની છેલ્લી આશા જનસંઘ અને એના નવા અવતાર ભાજપમાં હતી. જોકે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી વર્ષ ૨૦૦૩માં ચીનના પ્રવાસે ગયા એ વેળા તિબેટને ચીનનું અવિભાજ્ય અંગ જાહેર કરીને આવ્યા એટલે હવે તિબેટની સ્વતંત્રતા કે સ્વાયત્તતાનો પ્રશ્ર્ન અભેરાઈએ ચડી ગયો છે.
ભારતમાં તિબેટી શરણાર્થી
તિબેટની બહાર વિશ્ર્વમાં ૧૨૭,૯૩૫ જેટલા તિબેટિયનો વસતા હોવાનો આંકડો ભારતમાં ધર્મશાલા ખાતેના સેન્ટ્રલ તિબેટિયન એડમિનિસ્ટ્રેશને ૨૦૦૯માં કરાવેલી વસ્તીગણતરીને આધારે સત્તાવાર રીતે જાહેર કર્યો છે.જોકે અત્યારે એકલા ભારતમાં ૧૫૦,૦૦૦ જેટલા તિબેટિયન શરણાર્થી રહે છે.આમાં ભારતમાં જન્મીને ભારતીય નાગરિકતા લેનારાઓનો સમાવેશ નથી. મહદ્અંશે તિબેટિયનો સ્વનિર્ભર હોય છે તેમ છતાં તેમના છ દાયકાના ભારતમાં વસવાટને કારણે ભારતીય અર્થતંત્ર પર ભારણ તો પડે જ છે. છેક ૧૯૫૯માં ભારત આવીને વસેલા દલાઈ લામા વિશ્ર્વપ્રતિભા છે, પરંતુ એ ક્યારેય સ્વદેશ પાછા ફરી શકશે કે કેમ એ વિશે શંકા છે. જીવતેજીવ એકવાર તો વતન જવાની એમની ઈચ્છાને ચીન પરિપૂર્ણ કરાવવા તૈયાર નથી. અત્યારે મેક્લોડગંજ ખાતે વસતા ૧૫,૦૦૦ જેટલા તિબેટિયનમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં અન્ય દેશોમાં સ્થળાંતરિત થઇ રહ્યાના અહેવાલ છે.
તિબેટની આરઝી હકૂમત
ધર્મશાલામાં તિબેટના સર્વોચ્ચ ધર્મગુરુએ વર્ષ ૨૦૧૧થી ત્યાગેલા રાજકીય નેતાના હોદ્દા પર દુનિયાભરમાં વસતા તિબેટિયનો મતદાન કરીને આરઝી હકૂમત (ગવર્નમેન્ટ-ઇન-એક્ઝાઈલ)ના વડા પ્રધાનની વરણી થાય છે. આરએસએસના પ્રચારક, ઓર્ગેનાઇઝરના તંત્રી અને ભાજપના વિદેશ વિભાગના નેતા રહેલા શેષાદ્રિ ચારીને આ વિશે પૂછ્યું તો ચોંકાવનારી માહિતી મળી.તેમણે કહ્યું કે દલાઈ લામા અને તેમના ભારતમાં વસતા તિબેટવાસી શ્રદ્ધાળુઓ શરણાર્થી તરીકે અમુક શરતો પાળવા માટે બંધાયેલા છે. તેઓ કોઈપણ જાતની રાજકીય પ્રવૃત્તિ કરી શકે નહીં. વળી,આરઝી હકૂમત પણ સ્થાપી શકે નહીં. આમ છતાં, દલાઈ લામાની નિશ્રામાં તેમની આરઝી હકૂમતના વડા પ્રધાન જ નહીં, સંસદ અને એના બીજા પ્રધાનો તેમજ ગૃહના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર સહિતના હોદ્દા તેમના વહીવટી તંત્રની સત્તાવાર વેબસાઇટ પર ઝળકે છે. સ્વયં દલાઈ લામા છાસવારે ગાંધીજીની સત્ય અને અહિંસાની વાતો કરવાની સાથે જ રાજકીય વિવાદ સર્જક નિવેદનો પણ કરે છે. હમણાં ગોવામાં તેમણે કરેલા ગાંધી-નહેરુ અને ઝીણા અંગેના નિવેદન બાદ બેંગલુરુ જઈને એમણે એ વિશે ક્ષમાપ્રાર્થના કરી દીધી. અગાઉ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી વિશે પણ આવાં નિવેદન કરતા રહ્યા છે. ભૂતકાળમાં આ લેખક તેમને મુંબઈમાં ભોજન પર મળ્યો ત્યારે પણ એમણે ભારતીય રાજકારણ સંદર્ભે વાતો છેડી હતી. પોતાના અનુગામી વિશે પણ તેઓ વિવાદસર્જક નિવેદન કરે છે. ક્યારેક કોઈ મહિલા તેમની અનુગામી તરીકે ૧૫મા દલાઈ લામા તરીકે આવશે એવું પણ કહે છે. ધર્મગુરુ તરીકે અનેકોના આસ્થાસ્થાન એવા દલાઈ લામા જેવી વિભૂતિએ વિશ્ર્વશાંતિ,અહિંસા અને ધર્મોપદેશ પૂરતું પોતાને સીમિત રાખવાની જરૂર ખરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular