ફિલ્મનામા -નરેશ શાહ
સૌથી વધારે ચર્ચાસ્પદ પુસ્તકની વિગતવાર વાત, પહેલી વાર!
‘કશુંક ખાવા માટે કે સસ્તી બસ કે મુંબઈની લોકલ ટ્રેનની ટિકિટ માટેના સુધ્ધાં મારી પાસે પૈસા નહોતા… બધી જ દિશાઓમાંથી હતાશા મને ઘેરી વળી હતી. તમામ ખૂણેથી હું રિજેક્ટ થઈ ગયો હતો. સ્ત્રીઓ મને તરછોડી ચૂકી હતી. કાસ્ટિંગ ડિરેક્ટર્સ મને નકારી ચૂક્યા હતા. પાયાની જરૂરિયાત જેવા ભોજનના પણ સાંસા રહેતાં, હરરોજ… ૨૦૦૫થી ૨૦૦૭ વચ્ચે હું (મુંબઈમાં) ઘરવિહોણો હતો… મારો સંઘર્ષ કદી પૂરી ન થનારી કાળરાત્રિ જેવો લાંબો, વિકરાળ અને અનંત લાગતો હતો. દૂર દૂર સુધી અજવાળાનું નામોનિશાન મને કળાતું નહોતું!’
આ શબ્દો માઉન્ટેન મેન દશરથ માંઝી અને સહાદત હસન મન્ટો અને બાલ ઠાકરેનું કિરદાર પણ ભજવી ચૂકેલાં ટેલેન્ટેડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી (જન્મ: ૧૯૭૪)ના છે. મૂળ એ ઉત્તર પ્રદેશના બુધાના ગામનો કિસાન પુત્ર. એ ગામ જેની ઓળખ ‘ગેહું (ઘઉં), ગન્ના (શેરડી) અને ગન (હથિયાર)’ તરીકેની હતી. આવી તળપદી અને ખરબચડી મિટ્ટીનું ફરજંદ એવો નવાઝુદ્દીન સિદ્દીકી ૨૦૧૬માં તેની ફિલ્મો (અને ભારતીય સમાજને ખળભળાવી ગયેલી ‘મી ટૂ’ મૂવમેન્ટ પહેલાં) કરતાં પણ વધુ ચર્ચાસ્પદ પોતાના પુસ્તક ‘એન ઓર્ડિનરી લાઈફ’થી થઈ ગયો હતો. તેની ઓર્ડિનરી લાઈફની ‘એબનોર્મલ’ જેવી વાતોએ ‘એક્સ્ટ્રા ઓર્ડિનરી’ ભૂચાલ મચાવી દીધો હતો.
રૂની ગાંસડીમાં પડેલાં તિખારા પછી થતાં ભડકા બાદ કોઈનું ધ્યાન આકર્ષક આતશબાજી પર રહેતું હોતું નથી એવું જ દમદાર એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની સ્મરણગાથા કહેતાં પુસ્તક ‘એન ઓર્ડિનરી લાઈફ’ સાથે થયું. એક રિ-કેપ એ કોન્ટ્રોવર્સીનો થઈ જાય. સાન ફ્રાન્સિસ્કો બેઈઝડ ભારતીય પત્રકાર-લેખિકા રિતુપર્ણા ચેટરજી સાથે મળીને લખાવેલાં અને લખેલાં પુસ્તકની રિલીઝ પહેલાંના પ્રમોશનને ધ્યાનમાં રાખીને (કદાચ) તેના અમુક અંશનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. અંગ્રેજી ભાષી પુસ્તકોમાં આ કોમન ટ્રેન્ડ છે. પુસ્તકની અમુક હાઈલાઈટ્સ જેવી વાત કે એકાદ ચેપ્ટરને સ્મૂધલી રિલીઝ કરવાનું યા થવા દેવાનું. એ વાંચીને જાગતી ઉત્કંઠાનો લાભ પછી એ પુસ્તકના વેચાણનો મળે તેવું એક નિર્દોષ ગણિત તેની પાછળ હોય છે પણ ક્યારેક એ આડું પણ ફાટે છે. સેક્રેડ ગેમ્સના ગણેશ ગાયતુંડેના કેસમાં એવું જ બન્યું. નવાઝભાઈનું આ પુસ્તકમાં તેમના લગ્ન પહેલાંની ‘રિલેશનશિપ’ વિશેનું એક આખું ચેપ્ટર છે, પોતાની એક્સ ગર્લફ્રેન્ડની વાતો આલેખતાં ‘રિલેશનશિપ્સ’ નામનાં એ ચેપ્ટરમાં કથિત ત્રણ ગર્લફ્રેન્ડ સાથેના ઈન્ટિમેટ સંબંધોની વાત વિગતવાર કરવામાં આવી છે, એ પણ નામોલ્લેખ સાથે. તેની બસ્સો નવ પાનાંની સ્મરણ ગાથામાં આ ચેપ્ટર માત્ર સાત પાનાનું છે પણ તેણે સાત જન્મારા સુધી (નવાઝને) યાદ રહી જાય તેવી ચર્ચા જગાવી. ચર્ચા જગાવવાની બદલે આ ચેપ્ટરે એવો ‘દવ’ (જંગલની આગ) લગાડ્યો કે આખરે નવાઝુદ્દીન સિદ્દીકીએ માફામાફી કરવી પડી. એટલું જ નહીં, પેંગ્વિન વાઈકીંગ જેવા આંતરરાષ્ટ્રીય પ્રકાશન હાઉસે પ્રસિદ્ધ કરેલાં પોતાના પુસ્તક ‘એન ઓર્ડિનરી લાઈફ’ પુસ્તકને પાછું પણ ખેંચી લેવામાં આવ્યું. ઑફિશિયલી અત્યારે તે માર્કેટમાં અવેલેબલ નથી. બેશક, વિવાદનો ગરમ તાવીથો પૂંઠને દઝાડી ગયો અને ભૂલચૂક લેવી-દેવીના ન્યાયે પુસ્તક પાછું ખેંચી લેવામાં આવ્યું (૨૦૧૭) એ પહેલાં જો કે, અમુક અઠંગ વાચકોના હાથમાંએ ઓનલાઈન વેચાણથી પહોંચી ગયું હતું.
નવાઝુદ્દીન સિદ્દીકીએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના દિવસો દરમિયાન પોતાની પ્રથમ ગર્લફ્રેન્ડ સુનીતા (યાદ રહે નવાઝે આખા ચેપ્ટરમાં સુનીતાની અટક સાથેનું આખું નામ લખ્યું નથી!)ને ગણાવીને લખ્યું છે કે, સુનીતા હેડ ફોલન મેડલી ઈન લીવ વીથ મી. એ વખતે નવાઝમીયાં મુંબઈમાં મીરારોડ વિસ્તારમાં રહેતા હતા. સુનીતા ત્યારે રેગ્યુલર આવતી વગેરે વગેરે. એ પછી સુનિતા પોતાના હોમ ટાઉનમાં ગઈ. ત્યાંથી આવ્યા પછી તેણે નવાઝુદ્દીનના ફોન લેવાનું બંધ કરી દીધું અને સરળતાથી કહી દીધું: નવાઝ, આપણે આપણી કેરિયર પર ફોકસ કરવું જોઈએ… સુનીતાના આ શબ્દો પછી નવાઝુદ્દીન ડિપ્રેશનમાં આવી ગયેલો અને મીરા રોડ જતાં-આવતા દેખાતા ટ્રેનના પાટા જોઈને તેને આપઘાતના પણ વિચાર આવતા હતા.
આ જ ચેપ્ટરમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ ન્યૂર્યોકની એક ખૂબસૂરત વેઈટ્રેસ અને ન્યુજર્સીની સુઝાનની વાત પણ લખી છે. નવાઝ માટે સુઝાન મુંબઈ આવીને પોતાનો વિઝા અપડેટ કરાવ્યાં કહીને રહેતી હતી. આ ‘મિસ લવલી’ નામની ફિલ્મનું શૂટિંગ (૨૦૧૦માં, આ ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર સાથે ૨૦૧૨માં રિલીઝ થયેલી!) ચાલતું હતું. મિસ લવલીની હિરોઈન નિહારીકા સિંઘ હતી. નવાઝમીયાંએ શૂટિંગના દિવસોમાં જ નિહારીકા સાથેનાં સંબંધને એવી રીતે દર્શાવ્યા છે કે જાણે, નિહારીકા અત્યંત વ્યાકુળ (બેતાબ) હોય નવાઝુદ્દીન સિદ્દીકી માટે.
એ વખતે નવાઝ બેચલર હતો એટલે તેની રિલેશનશીપ્સ કે અફેર માટે દેખીતી રીતે આપણને વાંધો ન હોવો જોઈએ, પણ એવું આપણે સુનીતા અને નિહારીકા સિંઘ માટે હરગિઝ ન કહી શકીએ. ‘એન ઓર્ડિનરી લાઈફ’ પુસ્તકની આ વાતો જાહેરમાં આવી કે તરત સુનીતા અને નિહારીકા, બન્નેએ સોશ્યલ મિડિયા પર નવાઝને ઉધડો લીધો. એ વાજબી પણ હતું. સહમતીથી બંધાયેલા સંબંધોને પણ તમે લાગતી વળગતી વ્યક્તિ (એ જીવિત અને સ્વસ્થ હોય ત્યારે તો ખાસ)ની જાણ બહાર ‘પબ્લિકલી’ બોલો – ચર્ચો કે લખો એ સાચુકલા સ્ટેટમેન્ટ કરતાં તો સ્ટંટ જ વધુ લાગે. નિહારીકા સિંઘે તો જાહેર કર્યું કે એ (નવાઝ) મારા ઘેર વહેલી સવારના આવ્યો હતો અને તેણે કોઈ ના-નુકરને સાંભળી નહોતી. આખરે મેં પણ….
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા વખતની ગર્લફ્રેન્ડ (બુઢ્ઢા મર ગયા, એક ચાલીસ કી લાસ્ટ લોકલ, સંકેત સીટી, લેટેસ્ટ કેદારનાથમાં કામ કરનારી) અભિનેત્રી સુનીતા રાજવરે તો નવાઝુદ્દીન સિદ્દીકી પર બદનક્ષીનો દાવો ઠોકવાના સ્ટેટમેન્ટ સાથે કહ્યું કે, નવાઝ તો ‘સિમ્પથી સીકર’ (સીમ્પથી મેળવવા કરવાની વિકૃતિ ધરાવતો) છે!
આફ્ટર ઓલ, પોતાના ‘રિલેશનશીપ્સ’ની વાતોથી આવેલા રિએક્શન પછી નવાઝુદ્દીન સિદ્દીકીને ભાન અને જ્ઞાન થયું કે કલમ ખોટી કચરાઈ ગઈ છે એટલે માફી માગીને પુસ્તક પાછું ખેંચી લેવામાં જ શાણપણ છે! (વધુ આવતા શુક્રવારે)