સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડતા નીચાણવાળા વિસ્તારને અલર્ટ કરાયા, 300 લોકોનું સ્થાનાંતર

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ઉપરવાસમાં સારા વરસાદને કારણે નર્મદા નદીમાં સતત પાણીની આવક થઇ રહી છે. જેને કારણે સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની આવક વધતા જાવક પણ વધારવામાં આવી છે, જેના કારણે ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થઇ રહ્યો છે. હાલ સરદાર સરોવર ડેમની સપાટી 134.32 મીટર છે. ભરૂચના ગોલ્ડન બ્રીજ પાસે નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અલર્ટ કરાયા છે. વહીવટી તંત્રએ સ્થળાંતરની કામગીરી શરૂ કરી છે.
હાલ સરદાર સરોવર ડેમના તમામ 23 દરવાજા 3.25 મીટર સુધી ખોલીને 5,28,464 ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. બીજી તરફ રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 44,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આમ કુલ 5,72,000 ક્યુસેક પાણીની જાવક છે.
નર્મદાના જળસ્તર ભયજનક સપાટી નજીક પહોંચી છે. ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 24 ફૂટે પહોંચી ગઈ છે. નર્મદા કાંઠા વિસ્તારના પણ 7 ગામને એલર્ટ કરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી વહીવટી તંત્ર સ્થળાંતરની કામગીરી શરૂ કરી છે. જેથી ભરૂચ શહેરમાંથી કુલ 300 લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડી છે. નીચાણવાળઆ વિસ્તારોમાં આવેલી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. દંગીવાળા, નારણપુરા, અમરેશ્વર, બનૈયા, પ્રયાગપુરા, અંગુઠણ સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
ગુજરાતમાં અત્યારસુધી પડેલા વરસાદની વિગત જોઈએ તો સરેરાશ 93.32 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં 143.22 ટકા, ઉત્તર ગુજરાતમાં 90.49 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 77.78 ટકા, સૌરાષ્ટ્રમાં 84.44 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 104.42 ટકા વરસાદ પડ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.