મેટ્રો-થ્રી અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવાનું કામ ૯૮ ટકા પૂર્ણ

આમચી મુંબઈ

મુંબઈ સેન્ટ્રલ મેટ્રો સ્ટેશન ખાતે સફળતાપૂર્વક પરિપૂર્ણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી) દ્વારા કોલાબા-બાંદ્રા-સિપ્ઝ મેટ્રો-થ્રી કોરિડોરમાં ટનલ બનાવવાનું કામકાજ ૯૮ ટકા પૂર્ણ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મુંબઈ સેન્ટ્રલ મેટ્રો સ્ટેશન ખાતે અંડરગ્રાઉન્ડ ટનલના ૪૧મી તબક્કાનું કામકાજ મંગળવારે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. કોલાબા-બાંદ્રા-સિપ્ઝ વચ્ચેના ૫૩.૭૮ કિલોમીટરના લાંબા વિસ્તારમાં ટનલ બનાવવાનું કામકાજ કુલ ૯૮.૬૦ ટકા જેટલું પૂરું કરવામાં આવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
તાન્સા રોબીન્સ ટીબીએમ (ટનલ બોરિંગ મશીન) દ્વારા મહાલક્ષ્મી મેટ્રો સ્ટેશનથી મુંબઈ સેન્ટ્રલ મેટ્રો સ્ટેશનની ડાઉન લાઈનના કોરિડોરમાં ૮૩૨.૫ મીટરની અંડરગ્રાઉન્ડ ટનલનું કામકાજ ૨૬૨ દિવસમાં પાર પાડવામાં આવ્યું છે. કોલાબાથી સિપ્ઝ વચ્ચેના મેટ્રો-થ્રીના કોરિડોર ડાઉનલાઈન ટનલનું સંપૂર્ણ કામકાજ પૂરું કરવાનો અમને સૌથી વધારે આનંદ થયો છે. એ જ પ્રકારે વધુ એક લાઈનનું ૧૦૦ ટકા ટનલિંગનું કામકાજ પૂરું કરવા માટે અમે રાહ જોઈ રહ્યા છીએ, એમ એમએમઆરડીએના મેટ્રોપોલિટન કમિશનર અને એમએમઆરસીના મેનેજિંગ ડિરેક્ટર એસ. વી. આર. શ્રીનિવાસને જણાવ્યું હતું.
મેટ્રો-થ્રી કોરિડોરમાં પેકેજ ત્રણમાં પાંચ સ્ટેશનની સાથે સૌથી લાંબા કોરિડોરનો સમાવેશ થાય છે, જે અંતર્ગત મુંબઈ સેન્ટ્રલ, મહાલક્ષ્મી, સાયન્સ મ્યુઝિયમ, આચાર્ય અત્રે ચોક અને વરલી મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં પૂરા થયેલા આ પેકેજ અંતર્ગત પાંચ અંડરગ્રાઉન્ડ ટનલના તબક્કાનું કામકાજ પૂરું થયું છે, જેમાં સાયન્સ મ્યુઝિયમથી વરલી, અપલાઈન-૨૦૭૨ મીટર અને ડાઉનલાઈન-૨૦૫૭ મીટર (સાયન્સ મ્યુઝિયમથી મહાલક્ષ્મી), અપલાઈન-૧૧૧૭.૫ મીટર અને ડાઉનલાઈન-૧૧૩૫.૫ મીટર) (મહાલક્ષ્મીથી મુંબઈ સેન્ટ્રલ ડાઉનલાઈન ૮૩૨.૫ મીટર)નો સમાવેશ થાય છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.