Homeદેશ વિદેશગુજરાતમાં સમાન નાગરિક ધારા દાખલ કરવા વિચારણા

ગુજરાતમાં સમાન નાગરિક ધારા દાખલ કરવા વિચારણા

અમદાવાદ: ગુજરાતમાં હાલની ભાજપ સરકારના પ્રધાનમંડળની છેલ્લી બેઠકમાં સમાન નાગરિક ધારાના અમલ બાબતે સમિતિ નિમવાનો નિર્ણય લેવાયો હતો. આવતા અઠવાડિયા સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની શક્યતાના અનુસંધાનમાં શનિવારે યોજાયેલી રાજ્ય સરકારના પ્રધાનમંડળની બેઠક આખરી હતી.
ગુજરાતના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને કેન્દ્રના પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ પ્રધાનમંડળના નિર્ણયો વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં રચાનારી સમિતિમાં ત્રણથી ચાર સભ્યો રહેશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમિતિના સભ્યોની પસંદગીના અધિકારો પ્રધાનમંડળને સોંપ્યા છે. વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતાનો અમલ શરૂ કરવામાં આવે તે પહેલાં સમિતિની રચના કરવામાં આવશે.સમિતિને અહેવાલ આપવા માટે હાલ કોઈ છેલ્લી તારીખ આપવામાં આવી નથી.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બંધારણની ૪૪મી કલમના ચોથા પરિચ્છેદ પ્રમાણે આ નિર્ણય લેવાયો છે. એ પરિચ્છેદમાં તમામ નાગરિકો માટે સમાન કાયદાના અમલની જોગવાઈ
છે. પ્રસ્તાવિત સમાન નાગરિક ધારાના અમલથી બંધારણમાં અપાયેલા મૂળભૂત અધિકારોનો ભંગ નહીં થાય એવી બાંયધરી પુરુષોત્તમ રૂપાલાએ આપી હતી.
પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે હિંદુ મૅરેજ ઍક્ટ અને મુસ્લિમ પર્સનલ લૉને સમાન નાગરિક ધારામાં આવરી લેવાશે. કારણ કે એ બે કાયદા બંધારણનો હિસ્સો નથી. અમે જનતાના મૂળભૂત અધિકારોનું દમન કરવા ઇચ્છતા નથી. નાગરિક પ્રશ્ર્નો અને વિવાદો ઉકેલવાના સાધનોમાં જોવા મળતી ત્રુટિઓ દૂર કરવાના હેતુસર સમાન નાગરિક ધારાનો અમલ કરવામાં આવશે. કારણ કે પતિ કે પિતાની મિલકતમાં પત્ની કે પુત્રીના અધિકાર જેવા અનેક વિષયોમાં કાનૂની જોગવાઈઓને લીધે દ્વિધા કે વિવાદો ઊભા થતા રહે છે. વિવિધ પારિવારિક અને સામાજિક વિષયોના વિવાદોના ઉકેલો લાવવામાં કાનૂની તંત્રોને મુશ્કેલી થાય છે. આવી બાબતોમાં પડતી મુશ્કેલીઓ વિશે લોકોની ફરિયાદો, રજૂઆતો અને આવેદનપત્રો પ્રાપ્ત થયા છે. (એજન્સી)

RELATED ARTICLES

Most Popular