લઠ્ઠાકાંડ મામલે નબળા પડ્યા વિપક્ષો કેજરીવાલે ટ્વીટ કર્યું તો કૉંગ્રેસ મોડેથી જાગી

આપણું ગુજરાત

પૂજા: સોમનાથ મંદિરમાં પૂજા કરવા આવેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પક્ષના નેતા અરવિંદ કેજરીવાલ. (પીટીઆઈ)

અમદાવાદ: ગુજરાતમાં બનતી મોટા ભાગની ઘટનાઓ સમયે વિપક્ષો નબળા પુરવાર થાય છે. બોટાદ અને ધંધૂકામાં બનેલા લઠ્ઠાકાંડની ઘટનામાં બિનસત્તાવાર રીતે ૩૫ જેટલા લોકો હોમાઈ ગયા હોવા છતાં વિપક્ષોએ સરકારની જેટલી ઝાટકણી કાઢવી જોઈએ તેટલી કાઢી નથી. આમ આદમી પક્ષના નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં જ હતા, પરંતુ તેમણે માત્ર એક ટ્વીટ કરી સંતોષ માણ્યો હતો. તેમણે પોતાની ટ્વીટમાં ઘટના અને મૃતકો બદલ દુ:ખ વ્યક્ત કર્યું હતું. જોકે સોમનાથની મુલાકાત દરમિયાન તેમણે મીડિયાને આ મામલે પ્રશ્ર્નોના જવાબ આપ્યા ન હતા. તો બીજી બાજુ સોમવારે મોડી સાંજથી ઘટના અંગેના અહેવાલો પ્રગટ થતા હોવા છતાં કૉંગ્રેસના નેતાઓને મંગળવારે સવારે નિવેદન આપવાનું સૂઝયું હતું. કૉંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે ટ્વીટ દ્વારા ભાજપની ઝાટકણી કાઢી હતી અને સરકારની મિલિભગતથી જ આવી ઘટનાઓ બનતી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે કૉંગ્રેસ નેતાઓએ રોજિદ ગામની મુલાકાત લીધી હતી. બીજી તરફ ભાજપના નેતાઓ આ મામલે કંઈ બોલ્યા જ ન હતા અને ન્યૂઝ ચેનલની ડિબેટમાં પણ ન દેખાયા હતા. ખુદ ગૃહરાજ્ય પ્રધાને પહેલા પત્રકાર પરિષદ બોલાવી હતી અને બાદમાં રદ કરી હતી. બે દિવસ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે રાજ્યમાં બનેલી આ ઘટના વધારે ગંભીર જણાય છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાબડતોબ બેઠકો બોલાવી હતી, પરંતુ રાજ્ય સરકાર તરફથી એક સ્પષ્ટ નિવેદન અથવા મૃતકોના પરિવારને કોઈ પ્રકારની મદદ મંગળવાર મોડી સાંજ સુધી જાહેર કરવામાં આવી ન હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.