ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને જેમ ઐતિહાસિક જીત મળી છે, તેમ કોંગ્રેસને પહેલા કદી ન મળી હોય તેવી કારમી હાર મળી છે અને આ શોકમાંથી પાર્ટી હજુ બહાર આવી નથી. હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ત્રણ સભ્યની સમિતિ બનાવી છે, જે હારના કારણો શોધી અહેવાલ તૈયાર કરશે. ગુજરાતના પરિણામો બાદ પક્ષના ઘણા નેતાઓએ રાજ્ય સ્તરીય નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
પક્ષના પ્રદેશાધ્યક્ષ જગદીશ ઠાકુર, પ્રભારી ડો. રઘુ શર્મા સહિતના આલા નેતાઓ સામે રોષ જોવા મળ્યો હતો. ટિકિટની વહેંચણીથી માંડી પક્ષની કોઈ દિશા જ ન હતી તેમ કહેનારાઓ પણ છે. જોકે કોંગ્રેસે ચૂંટણી પંચને પણ દોષી ઠેરવ્યું હતું. તેમના દાવા અનુસાર ભાજપે મની અને મસલ્સ પાવરનો ઉપયોગ કરી જીત મેળવી છે અને તેમણે કરેલા નિયમભંગને ચૂંટણી પંચે મૂક સાક્ષી બની જોયા છે.
કોંગેસે અગાઉ પણ રાજ્યસ્તરે તપાસ કરી કારણો સાથેનો અહેવાલ બનાવવા કહ્યું હતું. આ ત્રણ જણની સમિતિમાં મહારાષ્ટ્રના નેતા નીતિન રાઉત, શકીલ અહેમદ ખાન, શપ્તગિરી શંકર ઉલ્કાનો સમાવેશ થાય છે. તેઓ અહીંના નેતાઓ સાથે વાતચીત કરશે. કાર્યકરોને પણ સાંભળશે અને તેનો અહેવાલ દિલ્હીમાં આપશે. આ અહેવાલ બાદ ગુજરાતની નેતાગીરીમાં પરિવર્તન આવવાની સંભાવના હોવાનું એક કોંગ્રેસના અધિકારીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં યોજાયેલી પંદરમી વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકમાંથી ભાજપે 156 બેઠક પર જ્યારે કોંગ્રેસે 17 બેઠક પર વિજય મેળવ્યો હતો. 2017માં કોંગ્રેસે 77 બેઠક પર વિજય મેળવ્યો હતો અને ભાજપ 99 બેઠકમાં સમેટાઈ ગઈ હતી. જોકે 2022ની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનો 1985નો 149 બેઠક પરના વિજયનો રેકોર્ડ તોડ્યો હતો. હાલમાં કોંગ્રેસ પાસે વિરોધપક્ષના નેતાનું સ્થાન મળી રહે તેટલી બેઠક પણ નથી.