(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ગૃહમાં વિરોધ પ્રદર્શન બાદ કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પ્રશ્ર્નોતરીકાળની શરૂઆતમાં કૉંગ્રેસના ધારાસભ્યો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ કરવા બાબતે અને અદાણીનો મુદ્દો ઉઠાવી વિરોધ કરવામાં આવ્યો હતો.
ગૃહમાં કૉંગ્રેસના ધારાસભ્યો બેનરો લઇને વેલમાં ઘૂસી ગયા હતા. સંસદીય બાબતોના પ્રધાનની દરખાસ્ત બાદ તમામને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરી દેવાયા હતા.
વિધાનસભાની કલમ ૫૧ હેઠળ અધ્યક્ષે નેમ કરીને હાજર તમામ ધારાસભ્યોને વિધાનસભાની એક દિવસની કામગીરીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ કલમ ૫૨ હેઠળ સંસદીય બાબતોના પ્રધાન ઋષિકેશ પટેલે તમામને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી હતી. જેને રાધવજી પટેલ અને બળવંતસિંહ રાજપૂતે ટેકો આપ્યો હતો. જેને અધ્યક્ષ માન્ય રાખીને તમામને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરાયા હતા.
દરમિયાન વિધાનસભા ગૃહની કામગીરી શરૂ થાય તે પહેલા કૉંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભાના મુખ્ય પ્રવેશ દ્વાર પર કાળા કપડાં પહેરીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. હમ લડેં ગે ચોરો સે, મોદી અદાણી ભાઇ-ભાઇના નારા કૉંગ્રેસના ધારાસભ્યો દ્વારા લગાવામાં આવ્યા હતા. કૉંગ્રેસ ધારાસભ્યોનું કહેવું છે કે, રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવા પાછળનું કારણ નરેન્દ્ર મોદી અને અદાણી વચ્ચેના સંબંધ છે? અદાણીની સેલ કંપનીઓમાં ૨૦ હજાર કરોડનું બેનામી રોકાણ ક્યાંથી આવ્યું? આ રોકાણ કોનું હતું? ભાજપના મોટા નેતાની ભાગીદારી તો નથી ને? એ દેશની જનતા જાણવા માગે છે. અદાણી ફાઇનાન્સ સ્કેમમાં લાખો એલઆઇસી પોલિસી ધારકો અને બૅક ખાતા ધારકોના પૈસા ડૂબવા જઇ રહ્યા છે તેની તપાસ માટે જેપીસીની માંગ કરવામાં આવી હતી. દેશની સંસદમાં પ્રશ્ર્ન પૂછવામાં આવ્યા, જેપીસીની માગ કરવામાં આવી ત્યારે તેમને બોલતા રોકવામાં આવ્યા હતા. કાર્યવાહીમાંથી તેમના પ્રવચનો રદ કરવામાં આવ્યા હતા.