કોંગ્રેસે પટિયાલાના સાંસદ પરિણીત કૌરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહના પત્ની પરિણીત કૌર પર ભાજપને મદદ કરવાનો આરોપ છે. કોંગ્રેસની શિસ્ત સમિતિએ કારણ બતાવો નોટિસ જારી કરીને તેમને ત્રણ દિવસની અંદર જવાબ આપવા કહ્યું છે કે શા માટે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં ન આવે.
કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગ પાસેથી ફરિયાદ મળી છે કે પટિયાલાના સાંસદ પરિણીત કૌર પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે, તેઓ ભાજપને મદદ કરી રહી છે. પંજાબ કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓ પણ આવો જ મત ધરાવે છે.
આ ફરિયાદ કોંગ્રેસની શિસ્ત સમિતિને મોકલવામાં આવી હતી. શિસ્ત સમિતિએ ફરિયાદને ધ્યાનમાં લઈને સાંસદ પરિણીત કૌરને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે તેમને કારણ બતાવો નોટિસ પણ જારી કરવામાં આવી છે. જેમાં તેમને ત્રણ દિવસમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું હતું કે તેમને પાર્ટીમાંથી કેમ હાંકી કાઢવામાં ન આવે.
પરિણીત કૌર પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહની પત્ની છે. પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે વર્ષ 2021માં કોંગ્રેસ છોડી દીધી હતી. આ પછી તેણે પંજાબ લોક કોંગ્રેસ નામની પોતાની પાર્ટી બનાવી. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અમરિન્દર સિંહ ભાજપમાં જોડાયા હતા. જો કે તેમની પત્નીએ કોંગ્રેસ છોડી ન હતી.