ED દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછ સામે કોંગ્રેસનો વિરોધ: બેંગલુરુમાં આગચંપી, દિલ્હીમાં ટ્રેનો રોકી, અશોક ગેહલોતની અટકાયત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કથિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરાઈ રહી છે. સોનિયા ગાંધી તેમની Z+ કેટેગરીની સુરક્ષા સાથે બપોરે તપાસ એજન્સી EDની ઓફિસે પહોંચ્યા હતા. તાજેતરમાં જ કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા સોનિયા ગાંધી માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. મની લોન્ડરિંગ સાથે સંબંધિત ‘નેશનલ હેરાલ્ડ’ અખબારના સંદર્ભમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજે પૂછપરછ પૂરી થઈ ગઈ છે. કેન્દ્રીય એજન્સી ED તેમને સોમવારે ફરી પૂછપરછ માટે બોલાવી શકે છે.

ED ઓફિસે હાજર થયા ત્યારે સોનિયા ગાંધી માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા

ત્યારે બીજી તરફ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા દેશભરમાં આ પૂછપરછનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધે હિંસક રૂપ ધારણ કર્યું છે બેંગલુરુમાં આગચંપી થયાના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીમાં ટ્રેનોને રોકવામાં આવી રહી છે. દિલ્હીમાં રાજ નિવાસ જવા માટે જિદ્દે ભરાયેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને રોકવા પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. કોઈને આગળ જવાની છૂટ નથી. કાર્યકર્તાઓ દ્વારા EDના પૂતળા પણ બાળવામાં આવી રહ્યા છે. દિલ્હીના શિવાજી બ્રિજ પર યુવા કોંગ્રેસે પ્રદર્શન કર્યું. ત્રણ ટ્રેનો રોકી દેવામાં આવી છે.

બેંગલુરુમાં ED ઓફીસ સામે કોંગ્રેસ કાર્યકર્તાઓએ એક કારને આગ લગાડી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની EDની પૂછપરછનો વિરોધ કરી રહેલા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસે સંસદમાં પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

“>

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરતા પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં અધિકારીઓની બેઠક યોજાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર તપાસ ટીમનો કોઈ અધિકારી સોનિયા ગાંધીની નજીક જઈને પૂછપરછ કરશે નહીં અને યોગ્ય અંતર જાળવવામાં આવશે. પૂછપરછ પહેલા EDના અધિકારીઓએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસેથી તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી હતી. સોનિયા ગાંધીની પૂછપરછ પણ કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી રહી છે.
ED દ્વારા સોનિયા ગાંધીને 10 જનપથ પર આયોજિત બેઠકને લઈને સવાલો પૂછવામાં આવી રહ્યા છે. તેમને પૂછવામાં આવી રહ્યું છે કે યંગ ઈન્ડિયા બનાવવાનો વિચાર કોનો હતો? પ્રારંભિક મીટિંગ ક્યાં થઇ હતી અને તમે કેટલી મીટિંગમાં હાજરી આપી હતી? શું 10 જનપથ પર પણ આની કોઈ બેઠક થઈ હતી? શું આ સમગ્ર મામલો પૂર્વનિર્ધારિત હતો કારણ કે તમે ત્રણેય યંગ ઈન્ડિયન, એજીએલ અને કોંગ્રેસના કર્તાહર્તા છો.
સોનિયા ગાંધી ED સમક્ષ હાજર થાય તે પહેલા કોંગ્રેસની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં 13 વિપક્ષી દળોએ હાજરી આપી હતી. આ બેઠકનું મુખ્ય મુદ્દો હતો કેન્દ્ર સરકારની ‘બદલાની રાજનીતિ’. વિપક્ષી નેતાઓનો આરોપ છે કે વિપક્ષના નેતાને હેરાન કરવા માટે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.