Ahmedabad: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Election) લઈને આમ આદમી પાર્ટીએ(AAP) ગુજરાતની જનતાને આકર્ષવા માટે ફ્રી વીજળી સહીત અનેક વાયદાઓ કર્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ(Congress) પણ મતદારોને રિઝવવા વાયદાઓ આપવાનું શરૂ કર્યું છે. આજે ગુજરાત કૉંગ્રેસ તરફથી પણ ચૂંટણીને ધ્યાનમાં લઇ ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. કૉંગ્રેસે જાહેરાત કરી છે કે જો ગુજરાતમાં તેમની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ કરાશે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે ફ્રી વીજળી આપવામાં આવશે. નોંધનીય છે કે હાલ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પહેલા વિવિધ પક્ષો દ્વારા થતા મફત વસ્તુઓના વાયદા અંગે સુનાવણી ચાલી રહી છે.
આજે અમદાવાદ ખાતેના પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર(Jagdish Thakor) અને દિગ્ગજ કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકીએ(Bharatsinh Solanki) પત્રકારોને સંબોધતા જાહેરાત કરી હતી કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના ત્રણ લાખ રૂપિયા સુધીના દેવા માફ કરાશે. તમામ ખેડૂતોના વીજળીના મીટરો નાબૂદ કરીને દિવસે 10 કલાક ફ્રી વીજળી આપવામાં આવશે. સાથે જ ખેડૂતોના સ્વ વીજવપરાશ અને વધારાની વીજળી વેચી શકે તે માટે સોલાર-વિન્ડ ફાર્મિગ માટે માતબર સહાય કરવામાં આવશે.
પહેલીવાર ગુજરાત વિધાનસભાની બધીજ બેઠકો પરથી ચૂંટણી લડવા જઈ રહેલી આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે રીતે કામ કરી રહી છે. તે જોતા ભાજપ-કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. બંને પક્ષોએ હવે ઘોડા દોડાવવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે AAP બાદ ગુજરાત કોંગ્રેસે ખેડૂતોને વાયદા આપ્યા છે.
પારિવારિક વિવાદ બાદ રાજનીતિથી થોડા સમય માટે અળગા રહેલા ભરતસિંહ સોલંકી ફરીથી રાજકારણમાં એક્ટિવ થઇ ગયા છે. કોંગ્રેસ હજુ પણ અન્ય ઘોષણાઓ કરી શકે છે.

Google search engine