Congress President Election: કમલનાથ અને મનીશ તિવારી પણ રેસમાં સામેલ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં રસાકસી જામે એવા એંધાણ છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની રેસમાં હવે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીનું નામ જોડાઈ ગયું છે. આ નામોમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ સૌથી ઉપર ચાલી રહ્યું છે. શશિ થરૂરનું નામ પણ આ રેસમાં હતું. હાલ કોંગ્રેસ પ્રમુખ પદની રેસમાં અનેક નામો ચાલી રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પૂર્વ કેન્દ્રીય પ્રધાનો મનીષ તિવારી, પૃથ્વીરાજ ચવ્હાણ, મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે અને કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાના નામની પણ ચર્ચા થઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે ચવ્હાણ અને વાસનિકે ચૂંટણી લડવાની કોઈ યોજનાનો ઈન્કાર કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવનાર શશિ થરૂર પહેલા નેતા છે. આ માટે તેઓ સોનિયા ગાંધીને પણ મળ્યા હતા. હાલ સોનિયા ગાંધી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ છે. જ્યારે તેમના પુત્ર રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ સંભાળવાની અપીલ કરી હતી. આ પ્રસંગે, જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ રાહુલ સિવાય અશોક ગેહલોત કે શશિ થરૂરને નેતૃત્વની ભૂમિકામાં પસંદ કરશે, ત્યારે દિગ્વિજય સિંહે કહ્યું હતું કે તેઓ પણ અધ્યક્ષપદની રેસમાં છે.
તેમણે ઉમેર્યું હતું કે “દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે… તમને 30મીએ સાંજે જવાબ ખબર પડશે.” કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઇચ્છુક 30 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે. જરૂર પડશે તો 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને બે દિવસ પછી પરિણામ જાહેર થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.