Homeટોપ ન્યૂઝકૉંગ્રેસની નીતિ લટકાવો-ભટકાવો: મોદી

કૉંગ્રેસની નીતિ લટકાવો-ભટકાવો: મોદી

પોતાને કટ્ટર ઈમાનદાર ગણાવાતા સૌથી વધુ ભ્રષ્ટ તેવો કટાક્ષ કર્યો

સુંદરનગર (હિમાચલ પ્રદેશ): ભાજપ એટલે સ્થિરતા અને વિકાસની સર્વોચ્ચ પ્રાથમિકતા, એમ જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે ૧૨ નવેમ્બરે પડનારા મત આવનારાં પચીસ વર્ષનું ભાવિ નક્કી કરશે એટલે જ આવનારાં પચીસ વર્ષનો સમયગાળો ખૂબ જ મહત્ત્વનો છે.
સોલન ખાતેની સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના લોકોને ‘સ્વાર્થી સમૂહો’થી સાવધ રહેવાની ચેતવણી આપતાં શનિવારે કહ્યું હતું કે આ લોકો પોતાને કટ્ટર ઈમાનદાર લેખાવે છે, પરંતુ સૌથી ભ્રષ્ટ છે અને સમાજને વિભાજિત કરવાનાં કાવતરાં ઘડવાની પ્રવૃત્તિઓમાં પડેલા છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસનો મતલબ ભ્રષ્ટાચાર, સ્વાર્થપૂર્ણ
રાજકારણ અને ભાઈ-ભત્રીજાવાદની ગેરન્ટી છે.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની વાપસીની ખૂબ જ ચર્ચા છે. દેશને આઝાદી મળ્યા બાદ કૉંગ્રેસે બહુ લાંબા સમય સુધી શાસન કર્યું છે. કૉંગ્રેસની નીતિ લટકાવો-ભટકાવોની રહી છે. કૉંગ્રેસ વિચારે છે કે નાના રાજ્યોની હેસિયત-ઔકાત શું છે. આ વિચારોને કારણે જ કૉંગ્રેસે હિમાચલ પ્રદેશના વિકાસને પ્રાથમિકતા નથી આપી અને હિમાચલ પ્રદેશ એજ કારણે સતત પાછળ પડતો ગયો.
તમે ભાજપ સરકાર બનાવી તો વિકાસ થયો. હિમાચલને હું મારું ઘર માનું છું. એ દિવસો યાદ કરો જ્યારે હિમાચલ અને દિલ્હીમાં ભાજપ સરકાર હતી ત્યારે વિકાસનાં કાર્યો થયાં હતાં, પરંતુ જેવી ભાજપની સરકાર ગઈ કે વિકાસનાં કાર્યોને રોકી દેવામાં આવ્યાં.
મોદીએ કહ્યું હતું કે હિમાચલમાં દરેક વખતે દવા બદલવાની ભૂલ થતી રહે છે. આ જ કારણે તમારી સમસ્યાઓની જવાબદારી નથી લેવાઈ. પાંચ વરસમાં તમારું ખૂબ નુકસાન કર્યું. તમારી સમસ્યાની જવાબદારી કોઈ સ્વીકારે એવું જો તમે ઈચ્છતા હો તો સરકારને ફરી તક આપવી પડશે. તમે અમને બીજી તક આપશોને? હું પાંચ વરસથી તમારા માટે કામ કરી રહ્યો છું. મને આગળ પણ કામ કરવાની તક તમે આપશોને? તમે જો અન્ય કોઈ સરકાર લાવશો તો કામમાં અવરોધ ઊભો થશે.
ખોટાં વચનો આપવા, ખોટી બાંયધરી આપવી એ કૉંગ્રેસનો સ્વભાવ છે એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે વર્ષ ૨૦૧૨માં કૉંગ્રેસે ચૂંટણીઢંઢેરામાં જે વચનો આપ્યાં હતાં તેમાંથી એક પણ પૂરું નથી કર્યું.
ભાજપ જે વચનો આપે છે તે પૂરાં કરી દેખાડે છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ભાજપે કલમ ૩૭૦ હટાવવાનું વચન આપ્યું હતું અને તે પૂરું કર્યું. અહીં પ્રત્યેક ઘરમાં જવાન છે. તમે વન રૅન્ક, વન પેન્શન જુઓ.
ભાજપના કાર્યો અને સંકલ્પ મજબૂત હોવાનું જણાવતાં મોદીએ સોલનની જાહેરસભામાં કહ્યું હતું કે કૉંગ્રેસમાં અનિશ્ર્ચિતતા, અનિર્ણયતા અને અરાજકતા પ્રવર્તી રહી છે.
હિમાચલ પ્રદેશને ભાજપ સરકારની જરૂર છે કેમ કે તેનાથી તેમને સ્થિરતા મળશે, એમ મોદીએ કહ્યું હતું.
હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ૧૨ નવેમ્બરે થશે અને મતગણતરી આઠ ડિસેમ્બરે થશે.
દિલ્હીમાં ત્રણ દાયકાથી અસ્થિરતા હતી. સરકારો આવી અને ગઈ. ચૂંટણીમાં હજારો કરોડ રૂપિયા બરબાદ થયા. એવું અવારનવાર થયું ત્યારે લોકોને સમજાયું કે એક સ્થિર સરકાર જ દેશનું નસીબ બદલી શકે છે.
લોકોએ એક સ્થિર સરકારને મત આપ્યા અને અમે પણ લોકોની આકાંક્ષાઓ પૂરી કરવામાં કોઈ કસર નથી છોડી, એમ મોદીએ કહ્યું હતું.
મોદીએ દાવો કર્યો હતો કે કૉંગ્રેસના શાસનકાળ દરમિયાન અનેક સ્વાર્થી લોકો અને સમૂહો ઊભરી આવ્યા હતા, જેઓ દેશ તેમ જ હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં અસ્થિરતા જોવા માગતા હતા.
આ કારણે જ એ લોકો એક સ્થિર સરકારને સત્તા પર આવતા રોકી રહ્યા છે. આ સમૂહોએ નાના રાજ્યોને કાયમ જ નિશાન બનાવ્યા છે. આ લોકો ખોટા વચનો આપે છે. થોડી બેઠકો જિતે છે અને પોતાના હિત માટે કામ કરે છે. આ લોકો પોતાને કટ્ટર ઈમાનદાર લેખાવે છે, પરંતુ આ લોકો જ સૌથી ભ્રષ્ટ છે અને સમાજના ભાગલા પાડવાનાં કાવતરાં ઘડતાં રહે છે, એમ મોદીએ કહ્યું હતું.

 

RELATED ARTICLES

Most Popular