મુંબઈઃ અમરાવતીની ચૂંટણીમાં રૂપિયા 50 કરોડ આપીને પરિણામ બદલવામાં આવ્યું હતું, પરંતુ મેં કમિશનરને આ બાબતે ઈશારો કર્યો અને આ અનર્થ ટળી ગયો એવો ચોંકાવનારો ખુલાસો કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે દ્વારા કરવામાં આવ્યો છે. આ રકમ બાદમાં રૂપિયા 100 કરોડ સુધી જવાની શક્યતા હતી એવું પણ પટોલેએ વધુમાં ઉમેર્યું હતું. મુંબઈમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં પટોલેએ આ સ્ફોટક ખુલાસો કર્યો હતો. હાલમાં જ થયેલી અમરાવતી વિધાન પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસના ધીરજ લિંગાડેનો વિજય થયો હતો.
કોંગ્રેસના નેતા નાના પટોલેએ જણાવ્યું હતું કે અમરાવતીમાં મહાવિકાસ આઘાડીના ધીરજ લિંગાડેને સૌથી વધુ મત મેળવ્યા હતા, પરંતુ તેમ છતાં તેમને વિજેતા જાહેર કરવામાં આવતા નહોતા. 30 કલાક સુધી મત ગણતરી ચાલી રહી હતી એ સમયે મને આઈબીમાંથી એક મિત્રનો ફોન આવ્યો હતો અને એ ફોન પર મને જણાવવામાં આવ્યું કે અમરાવતીનું રિઝલ્ટ બદલવાની તૈયારી ચાલી રહી છે અને એ માટે 50 કરોડ રૂપિયા આપવામાં આવી રહી છે. આ રકમ 100 કરોડ રૂપિયા સુધી જઈ શકે છે. આ સાંભળ્યા બાદ હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો હતો. મને આખી રાત ઊંઘ નહોતી આવી.
વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે મને આઈબીમાંથી ફોન આવ્યા બાદ કમિશનરને ફોન કર્યો અને તેમને મેં જો આવું કંઈ થાય તો તમારી નોકરી છીનવી લઈશ અને તારા ખાનદાન સુધી જઈશ. મેં ધીરજને પણ કહ્યું કે તું સર્ટિફિકેટ લઈને બહાર નીકળ. આવી દાદાગીરી કરવી પડે. આખી રાત મેં ઊંઘ્યા વિના વિતાવી અને હું ખૂબ જ અસ્વસ્થ હતો. બધો ગુસ્સો હતો એ નીકળી ગયો અને હવે મને માત્ર આનંદ થઈ રહ્યો છે…
નાના પટોલેના સ્ફોટક ખુલાસા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને હવે આ ગરમાગરમીનો માહોલ વધુ સ્ફોટક નિવેદનોને જન્મ આપનાર બને એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.