કોંગ્રેસ એક્શન મોડમાં: KC વેણુગોપાલ અને અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે! શિક્ષણ, સ્વાસ્થ્ય અને ખેડૂતો માટે કરી મહત્વની જાહેરાતો

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: આ વર્ષને અંતે યોજાનાર ગુજરાતમાં વિધાનસભા(Gujarat Election) ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની ગતિવિધિ તેજ થઈ ગઈ છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારી શરુ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના(AAP) સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvid Kejriwal) નિયમિત પણે ગુજરાત આવી ગુજરાતની જનતાને વિવિધ ગેરંટી આપી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસે(Congress) પણ પોતાના ઘોડા દોડાવ્યા છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ(K C Venugopal) અને ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત(Ashok Gehlot) ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પત્રકાર પરિષદ(Press Conference) સંબોધી તેમને ચૂંટણીને અનુલક્ષીને મહત્વની જાહેરાત કરી હતી. સાથે સાથે તેમને ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.

અશોક ગેહલોતે જણાવ્યું કે, જો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો રાજસ્થાનની વિખ્યાત મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય યોજનાને ગુજરાતમાં લાગુ કરાશે. કોંગ્રેસ 15 સપ્ટેમ્બર પહેલાં જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી 5 સપ્ટેમ્બરે ગુજરાત આવશે.

અશોક ગહેલોતે વધુમાં જણાવ્યું હતું કે, જો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો રાજસ્થાનની સ્વાસ્થ્ય યોજનાઓને ગુજરાતમાં લાગૂ કરવામાં આવશે. રાજસ્થાન જેવી સ્વાસ્થ્ય યોજના વિશ્વમાં ક્યાંય નથી. ગુજરાતમાં રાઇટ ટુ હેલ્થ મોડલ લાગૂ કરાશે. રાજસ્થાનની મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના ગુજરાતમાં લાગૂ થશે. અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવશે. આરોગ્ય વીમાનું પ્રીમિયમ પણ સરકાર ચૂકવશે. જૂની પેન્શન યોજનાને ફરીથી લાગૂ કરવાની જાહેરાત કરી.

તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસની સરકાર આવતા ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં પેટ્રોલ -ડિઝલના ભાવ ઘટાડવા અંગે અને જૂની પેન્શન યોજના શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે ચૂંટણીને લઇને આગળ કહ્યું હતું કે ગુજરાતમાં ગત વખતે ચૂંટણી લડ્યા હતા તેનાથી પણ વધારે ગંભીર થઇ આ વખતે ચૂંટણી લડી રહ્યા છીએ. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ગુજરાતની ચૂંટણીના મુદ્દે વધુ ખૂબ ગંભીર છે. કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં એવી જ વાત હશે જે ગુજરાતની જનતા ઇચ્છી રહી છે

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે સી વેણુગોપાલે ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં એન્ટીઇન્કમબન્સી છે. જો ગુજરાતના નાગરિકોને પૂછવામાં આવે તો ખબર પડે કે તે કેટલા ખુશ છે. ગુજરાતમાં ભાજપની સ્થિતી અત્યંત ખરાબ હોવાને કારણે જ ૯ મહિના અગાઉ સમગ્ર કેબિનેટ બદલી નાખવામાં આવી છે અને વધુમાં બે દિવસ અગાઉ બે પ્રધાનો પાસેથી ખાતાં છીનવી લેવામાં આવ્યા છે.’

તેમને વધુ માહિતી અપાતા જણાવ્યું કે 15 સપ્ટેમ્બર પહેલા કૉંગ્રેસ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરાશે. 90 દિવસનો કાર્યક્રમ ઘડી નાખવામાં આવ્યો છે અમે એક થઇને ચૂંટણી લડવાના છીએ. ભાજપ પર પ્રહાર કરતાં તેમણે આગળ કહ્યું હતું કે ઝેરી દારૂથી 57 લોકોએ જીવ ગુમાવ્યા છે એ ભાજપનું ગુજરાત મોડલ છે. મુદ્રા પોર્ટ ડ્રગ્સ માફિયા માટે હબ છે.

બેઠકમાં કેસી વેણુગોપાલ અને અશોક ગેહલોતે ધારાસભ્યોને ઠપકો આપ્યો હતો અને ચેતવણી પણ આપી હતી. તમામ ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં સક્રિયતા વધારવા સૂચના આપવામાં આવી હતી. કે સી વેણુગોપાલે ધારાસભ્યો પાસે કામનો હિસાબ માંગ્યો હતો. લઠ્ઠાકાંડ અને મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન ન કરનારને ઠપકો પણ આપ્યો હતો. AAPની સક્રિયતાને લઈ અશોક ગેહલોતે વિધાનસભ્યોને ચેતવણી આપતા કહ્યું હતું કે, સક્રિયતા વધારો નહિ તો ખતમ થઈ જશો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.