નવી દિલ્હીઃ સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરનું અપમાન કરવા મુદ્દે ઉદ્ધવ ઠાકરે જૂથે કોંગ્રેસની ડીનર પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો. વાસ્તવમાં રાહુલ ગાંધીએ લોકસભાના સાંસદ તરીકેનું સભ્યપદ રદ કરવામાં આવ્યા પછી કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રની ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. આ વિરોધના ભાગરુપે કોંગ્રેસે એક દિવસના સત્યાગ્રહનું આયોજન કર્યું હતું ત્યારબાદ આજે સંસદ ગૃહમાં તમામ વિપક્ષના નેતા કાળા કપડામાં પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધના ભાગરુપે આજે રાતના કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ તમામ વિપક્ષના સાંસદો માટે ડીનર પાર્ટીનું આયોજન કર્યું હતું, પરંતુ ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાર્ટીએ બહિષ્કાર કર્યો હતો. ઠાકરે જૂથના એક પણ નેતા ડીનર પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા નહોતા. કોઈ પણ નેતા આ પાર્ટીમાં હાજર રહ્યા નહોતા એના અંગે શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના રાહુલ ગાંધીના સાવરકરના નિવેદનને કારણે આ ડીનર પાર્ટીમાં સામેલ થયા નથી, એવું રાઉતે જણાવ્યું હતું. લોકસભાનું સંસદપદ રાહુલ ગાંધીએ ગુમાવ્યા પછી શનિવારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કોઈએ પૂછ્યું હતું કે માફી માગી લીધી હોત તો તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈ સૌથી પહેલી પ્રતિક્રિયા ભાજપની આવી હતી અને નિવેદનને વખોડી નાખ્યું હતું ત્યારબાદ રવિવારે ઉદ્ધવ ઠાકરેએ પણ આકરી ટીકા કરી હતી. રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ રાહુલની ઝાટકણી કાઢી હતી.