અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત એલ.આઈ.સી. તથા એસ.બી.આઈ.ના કરોડો ખાતા ધારકો અને બચત કરતાઓની મહામુલી મૂડી ઉદ્યોગપતિઓના ઉદ્યોગગૃહોમાં અવિચારી રોકાણના કારણે જે નુકસાન થઈ રહ્યું છે તેના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાની ઉપસ્થિતીમાં મોટી સંખ્યામાં આગેવાનો, ધારાસભ્યો, કાર્યકર્તા ભાઈ-બહેનોએ રીલીફ રોડ ખાતે ધરણાં – પ્રદર્શન કરી સામાન્ય માણસની બચત બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, હાલમાં આખો દેશ ખાસ કરીને મધ્યમ વર્ગ ભાજપ સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે. સામાન્ય માણસની મહેનતની બચતના ખર્ચે તેમના નજીકના મિત્રો અને પસંદગીના અબજોપતિઓને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે. ભાજપ સરકાર દ્વારા અદાણી જૂથમાં એલઆઈસી અને એસબીઆઈ જેવી સરકારી સંસ્થાઓના અત્યંત જોખમી વ્યવહારો અને રોકાણોએ, એલઆઈસીના 29 કરોડ પોલિસી ધારકો અને એસબીઆઈના 45 કરોડ ખાતાધારકો પર પ્રતિકૂળ અસર કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એલ.આઈ.સી.દ્વારા અદાણી જૂથમાં જંગી રોકાણથી એલઆઈસી ને રૂપિયા 33,060 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જયારે એસબીઆઈ અને અન્ય ભારતીય બેંકોએ અદાણી જૂથને મોટી રકમની લોન આપી છે. જયારે અદાણી ગ્રુપ પર ભારતીય બેંકોના લગભગ 80,000 કરોડનું દેવું છે.
અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈ ખાસ ભારતીય કોર્પોરેટ હાઉસની વિરુદ્ધ નથી રહી, અમે ક્રોની કેપિટાલાસિમની વિરુદ્ધ છીએ અને પસંદ કરેલા અબજોપતિઓને લાભ આપવા માટેના નિયમો બદલવાના વિચારની વિરુદ્ધ છીએ. કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબ અને સામાન્ય માણસની પડખે ઊભો રહ્યો છે અને રહેશે. કોંગ્રેસ પક્ષ કરોડો ભારતીયોના મહેનતની કમાણી કરેલી બચતને જોખમમાં મૂકીને બજાર મૂલ્ય ગુમાવતી કંપનીઓમાં રોકાણના મુદ્દા પર ચર્ચા શરૂ કરવા માટે સંસદમાં લડી રહ્યો છે.