કોંગ્રેસની ભારત જોડો યાત્રા મધ્ય પ્રદેશમાં પહોંચી છે ત્યારે મંગળવારે રાહુલ ગાંધી મહાકાલેશ્વરના દરબારમાં પહોંચ્યા હતાં અને મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. રાહુલ ગાંધીએ જનસભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, આ જે તમારું શહેર છે એ મહાદેવનું મંદિર છે. આપણે શંકર ભગવાનને શા માટે માનીએ છીએ કોઈ જણાવશે? સૌથી મોટા તપસ્વી છે શિવજી. હિંદુ ધર્મમાં તમામ ભગવાનને જોશો તો એવું લાગશે તેઓ બધા જ તપસ્વી છે. હિંદુસ્તાન તપસ્વીઓનો દેશ છે. હિંદુ ધર્મમાં તપસ્વીની પૂજા થાય છે. કન્યા કુમારીથી યાત્રાની ખૂબ જ મોટી તપસ્યા કરી, પરંતુ આ મોટી તપસ્યા નથી. કોરોનાકાળમાં જે શ્રમિક એક ખૂણાથી બીજા ખૂણે ગયો એ તપસ્યા છે. આપણને ભોજન પૂરું પાડનારા ખેડૂતો તપસ્યા કરે છે. હિંદુ ધર્મ કહે છે કે તપસ્વીઓની સેવા થવી જોઈએ. જે તપસ્યા કરે છે તેને કંઈ મળતું નથી અને નરેન્દ્ર મોદીની જે પૂજા કરે છે તેને બધુ જ મળે છે. રસ્તા, વીજળી, પાણી બધુ જ મળે છે. બે-પાંચ લોકો પીએમની પૂજા કરે છે તેમને ધનલાભ થઈ રહ્યો છે.