ગુજરાતમાં કોંગ્રેસનું સાંકેતિક બંધનું એલાન: અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત, જગદીશ ઠાકોરે કહ્યું ભાજપ ડરની રાજનિતી કરે છે

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચુક્યું છે. ત્યારે સગઠનાત્મક મુશ્કેલીઓનો સમાનો કરી રહેલી કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે અલગ અલગ રસ્તાઓ અપનાવી રહી છે. રાજ્યમાં વધી રહેલી બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા આજે સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા આજે લોકોને સવારે 8 થી 12 સુધી બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના સાંકેતિક બંધને લઇને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે દુકાનો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા.
રાજ્યમાં વધી રહેલી બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આ અંગે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગઈકાલથી આખુ કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ કોંગ્રેસના તાલુકા અને જિલ્લાના આગેવાનો વેપારીઓની સાથે સંપર્કમાં છે. એકેએક દુકાન પર જઈને વેપારીઓને બંધમાં જોડાવવા માટે વિનંતી કરી છે. બંધમાં જોડાવવા માટે વેપારીઓ પાસેથી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આજે સવારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદની તમામ કોલેજો બંધ કરાવવાની શરૂઆત કરાઈ હતી. NSUIના કાર્યકરોએ સવારથી શહેરમાં સી.યુ. શાહ, સેન્ટ ઝેવિયર્સ, સોમલલિત, એલ.ડી આર્ટ્સ સહિતની કોલેજો બંધ કરાવી હતી. ગુજરાત યુનિવર્સિટી પણ બંધ કરાવાઈ હતી. અમદાવાદમાં પોલીસે દુકાનો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની પોલીસે અટકાયત કરી હતી.
રાજકોટમાં NSUIના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા મુદ્દે અટકાયત કરવામાં આવી છે. બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચ અને એન.એસ.યુ. આઈ ના નેતાઓને કાર્યકર્તાઓ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી.
જગદીશ ઠાકોરે ભાજપ સરકાર પર આક્ષેપો કરતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનું આખુ સંગઠન અને સરકાર ઇન્સ્પેક્ટર, નગર પાલિકાઓ અને કોર્પોરેશનમાં વેપારીઓને ધાક-ધમકી આપી રહ્યા છે. વેપારી એસોસિએશનોને બોલાવીને એકપણ દુકાન બંધ રહી તો જોવા જેવી થશે આવી ધમકીઓ આપી રહ્યા છે. ગઈકાલે હું 1 વાગ્યા સુધી સંપર્કમાં રહ્યો હતો. કેટલાય કાર્યકરોને નજર કેદ કર્યા છે અને ડિટેન કર્યા છે. ધારાસભ્યોને પણ બહાર નીકળવા નથી દેતા. આવી બધી પરિસ્થિનો માહોલ હોવા છતાં ડરની રાજનિતી ભાજપ કરે છે પણ કોંગ્રેસના પહેલીવાર ઘણા સમય પછી વેપારીઓ સમર્થન આપી રહ્યા તેવું દેખાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.