રોજ બરોજ -અભિમન્યુ મોદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ જાણે દરેક પક્ષને એક્ટિવ મોડમાં લાવી દીધા છે. ભાજપ અચાનક ગુજરાતમાં મંદ પડેલા વિકાસના કામોને ગતિ આપવા માંડ્યું છે. દર બીજા દિવસે ગુજરાતના કોઈને કોઈ શહેરમાં મંત્રી દ્વારા લોકાર્પણના કાર્યક્રમ શરૂ થઈ ગયા છે. આપનું વાયદાબજાર પણ ખીલી રહ્યું છે. કેજરીવાલ કોથળો ભરીને ગેરંટીઓ આપી રહ્યા છે. તેઓ જે જાહેરાત કરે તેને પૂરતો જનપ્રતિસાદ મળે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ બધાની વચ્ચે કૉંગ્રેસની ભારત જોડો યાત્રા અને વર્કીંગ કમિટીના અધ્યક્ષની ચૂંટણી ચર્ચાનું કેન્દ્ર બની છે. કોંગ્રેસને ગુજરાત સર કરવું છે અને પરિભ્રમણ આખા ભારતમાં કરે છે… રાહુલ ગાંધીના વિચારોને પૂર્ણ કૉંગ્રેસી જ સમજી શકે એટલે એ વિષય પર ચર્ચા કરવી જ વ્યર્થ છે પણ કૉંગ્રેસ પક્ષના નવા પ્રમુખ કોણ બનશે, કેમ બનશે, કઈ રીતે બનશે અને પ્રમુખ બન્યા બાદ ગાંધી પરિવારનું શું કરશે એ જાણવાની ઉત્કંઠા સૌને છે.
કૉંગ્રેસના પ્રમુખનું પદ પર છેલ્લા ઘણાં વર્ષોથી ગાંધી પરિવારનું એકચક્રી શાસન છે. આ પદ જ દિગ્ગજ નેતાઓની ઉપેક્ષાનું માધ્યમ બન્યું છે. કપિલ સિબ્બલ તો જાહેરમાં વારંવાર કહી ચુક્યા છે કે કૉંગ્રેસ પ્રમુખનું પદ ગાંધી પરિવારની જાગીર નથી. પણ તેમની વાતો બહેરા કાને અથડાઈ તેમ કોઈ ગણકારતું જ નહિ.., ઇન્દિરા ગાંધીના સમયમાં કે.કામરાજ જ્યારે વર્કીંગ કમિટીના અધ્યક્ષ બન્યા ત્યારે તેમણે જે નક્કર પગલાં લીધા તેના કારણે જ આજે કમસેકમ રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકાર ટકેલી છે.
કે.કામરાજ મૂળ તો સુભાષચંદ્ર બોઝના વિચારોથી પ્રભાવિત થઈને કૉંગ્રેસમાં જોડાયા. એ જોડાયા તેમાંય વર્કીંગ કમિટી જ નિમિત્ત બની. ૨૯ જાન્યુઆરી ૧૯૩૯ના રોજ પ્રથમવાર ગાંધીજીએ વર્કીંગ કમિટીનો વિચાર પક્ષમાં રજૂ કર્યો એટલે બધાએ તેમને જ પ્રમુખ બનાવવાની વાત જાહેર કરી દીધી પરંતુ બાપુએ યુવા ચહેરાને તક આપવાનો પ્રસ્તાવ મુક્યો. આ તકને ઝડપીને જિન્હા અને નહેરુ પોતાના સમર્થકોને એકઠા કરવા લાગ્યા. તેમને ક્યાં ખબર હતી કે બાપુએ પહેલેથી જ પોતાના જ યુવા ઉમેદવારને શોધી રાખ્યો છે. ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યારે ગાંધીજીએ પટ્ટાભી સીતારામૈયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા એટલે સૌ અચંબામાં મુકાય ગયા હવે જો તેમની સામે નામાંકન ભરવામાં આવે તો શક્ય છે કે બાપુના ઉમેદવારની હાર થઈ શકે અને જો એવું થાય તો આઝાદીના સંગ્રામમાં કૉંગ્રેસમાં આંતરિક જૂથવાદ ઊભો થાય એટલે જિન્હા અને નહેરુએ પોતાના ઉમેદવારના નામ પાછા ખેંચી લીધા પણ એક ભડવીરે આ લોકતાંત્રિક પ્રક્રિયાને અનુસરીને પોતાનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરી દીધું અને એ હતા સુભાષચંદ્ર બોઝ…
કામાક્ષી કુમારસ્વામી નાદર નામનો એક કિશોર ત્યારે નવો સવો કૉંગ્રેસમાં જોડાયો હતો.સુભાષબાબુનું નામ વાંચીને તેનામાં તો તરવરાટ આવી ગયો અને તેણે ચૂંટણી પ્રચારની પત્રિકા બનાવવાની શરૂઆત કરી દીધી. તેના જુસ્સાથી સુભાષબાબુના સમર્થકો પણ તેની સાથે કામ કરવા લાગ્યા. વર્કીંગ કમિટીનું પરિણામ જાહેર થયું ત્યારે કૉંગી કાર્યકરો અને ખાસ તો બાપુના સમર્થકોને જે વાતનો ડર હતો એ જ થયું. સુભાષચંદ્ર બોઝે કૉંગ્રેસ-અધ્યક્ષની ચૂંટણીમાં પટ્ટાભી સીતારામૈયાને હરાવ્યા, સુભાષને ૧૫૮૦ અને રામૈયાને ૧૩૭૭ વોટ મળ્યા. ગાંધીજી અને સરદાર પટેલે તમામ પ્રયાસો કર્યા પછી પણ રામૈયાને જીત અપાવી શક્યા નહીં.
બોઝની જીત પર ગાંધીજીએ કહ્યું હતું કે, ‘રામૈયાની હાર મારી હાર છે’ પરિણામ એ આવ્યું કે કૉંગ્રેસ સાથે જોડાયેલા તમામ નેતાઓએ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી કારણ કે બોઝ સાથે કામ કરવા કોઈ નેતા તૈયાર નહોતા. એટલે સુભાષ ચંદ્ર બોઝે સ્વૈચ્છિક કૉંગ્રેસ-અધ્યક્ષપદ પરથી રાજીનામું આપી દીધું હતું ને દેશની આઝાદી કાજે પોતાનો અલગ માર્ગ કંડાર્યો પણ આ પદ તો ખાલી જ રહ્યું. કામાક્ષી કુમારસ્વામી નાદરને બોઝની સેનામાં સામેલ થવું હતું પણ પરિવારે તેમને બાપુ સાથે જ બાંધી રાખ્યા. જતા જતા બોઝે આ લાંબા લચક નામ પરથી કે. કામરાજ નામ રાખવાની સલાહ આપી અને આ નામ કૉંગ્રેસની ઓળખ બની ગયું. સુભાષબાબુના રાજીનામાં બાદ કૉંગ્રેસના પ્રમુખપદ માટે સતત ખેંચતાણ યથાવત્ રહી એટલે પદ કોઈનું થયું જ નહીં.
દેશ આઝાદ થયો ત્યારે નહેરુ પ્રધાનમંત્રી બન્યા અને કે. કામરાજની સૂઝબૂજથી પ્રભાવિત થઈને તેમને વર્કીંગ કમિટીના પ્રમુખ અને કૉંગ્રેસ અધ્યક્ષ બનાવી દીધા. તેમણે જ કૉંગી કાર્યકરોને વર્કીંગ કમિટીનું મહત્ત્વ અને તેની મૂળભૂત કામગીરીથી વાકેફ કરાવ્યાં હતા. નહેરુના નિધન બાદ શાસ્ત્રીજીને પ્રધાનમંત્રી બનવાનું સૂચન પણ કામરાજે જ આપ્યું હતું.
જે ‘નો રિપીટ થિયરી’થી ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો એ થિયરીના પ્રણેતા ખુદ કે. કામરાજ છે. ૧૯૬૧થી ૧૯૬૩ના સમયગાળામાં કૉંગ્રેસનું પ્રભુત્વ ભારતમાં ઘટી રહ્યું હતું. ત્યારે સમગ્ર દેશમાં રેલી યોજીને જનસંપર્ક કરવાનો આદેશ કે.કામરાજે જ આપ્યો હતો જેને આજે રાહુલ ગાંધી અનુસરી રહ્યા છે. પણ કૉંગ્રેસમાં એક પદ કોઈ નિષ્ઠાપૂર્વક ક્યાં સુધી કામ કરી શકે. ઇન્દિરા ગાંધીના આગમન બાદ કે. કામરાજ અને તેના સમર્થકો સુપરસિડ થઈ ગયા અને વર્કીંગ કમિટીનો હવાલો ગાંધી પરિવારે હસ્તગત કરી લીધો. ત્યારથી લઈને આજ સુધી માત્ર બે વખત અલ્પકાળ માટે નરસિમ્હા રાવ અને કોટલા વિજયા ભાસ્કર રેડ્ડીને કૉંગ્રેસ અધ્યક્ષ બનવાનો મોકો મળ્યો પણ રાજીવ ગાંધીના નિધન બાદ તો સોનિયા જ સર્વે સર્વા રહ્યા.
આજે જ્યારે ચારેકોરથી કૉંગ્રેસ પાંગળી બની રહી, ધુરંધરો રાજીનામાં આપી રહ્યા છે, કાર્યકરો કંટાળ્યા છે ત્યારે પક્ષમાં નવચેતનાનો સંચાર કરવા કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીનું એલાન થયું છે. તેમાંય રાહુલ ગાંધી કેમ પ્રમુખ નહીં બને એ મુદ્દો ચૈત્રના તાપ કરતાંય વધારે પરિતાપ ફેલાવે છે. હવે કૉંગ્રેસમાં એવા જ નેતાઓ બચ્યા છે જે માત્રને માત્ર ગાંધી પરિવારની ભૂલોનું સમારકામ કર્યા કરે.. એટલે જ અશોક ગહેલોત એક જ વાત પાળેલા પોપટની જેમ પુનરાવર્તિત કરે છે કે પોતે પ્રમુખ નહીં પણ રાહુલને જ કૉંગ્રેસ પ્રમુખના પદ માટે રાજી કરશે. એ રાજી થાય તો શું! પક્ષ માટે તો તરાજી જ સર્જાશે.
કૉંગ્રેસ પ્રમુખની રેસમાં તો શશી થરુરનું નામ પણ સામેલ છે પણ જો થરુર પ્રમુખ બન્યા તો કૉંગ્રેસમાં લલનાઓ અને માનુનીઓની સંખ્યા વધી જશે..! પણ ગહેલોત પાસે અલગ જ ગેમ પ્લાન છે. આ પ્રકરણમાં જો પ્રિયંકા ગાંધીનું નામ ઉમેરવામાં આવે તો હજુ ચર્ચા લાંબી ચાલી શકે છે અને ત્યાં સુધીમાં ગુજરાતમાં વિધાનસભાની તારીખ પણ જાહેર થઈ જશે.
મૂળ તો કૉંગ્રેસ અધ્યક્ષના ખાલી પદનો મુદ્દો ગુજરાત ભાજપે ઉઠાવ્યો હતો. એટલે હવે વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને જ આ ખાલી પદને કૉંગ્રેસ એક કલૈયા કુંવર જેવા નેતાના નામે ભરી દેવા માંગે છે. વર્કિંગ કમિટીમાં ચૂંટણી તો નામ માત્રની છે. ગાંધી પરિવાર એવા જ નેતાનું ચયન કરશે જેનો દોરી સંચાર સીધો તેમના હાથમાં હોય. ઈન્દિરા ગાંધી સહિતના તમામ કૉંગ્રેસનાં નેતાઓ સરકસમાં રીંગ માસ્ટર રાખે એવી ઈલમ કી લકડી રાખતા હતા જેનાથી વાઘનું પ્રતિનિધિત્વ કરતા સૈનિકો પણ સીધા ચાલતા હતાં. કોંગ્રેસની એ પોલિસીને ભાજપે નાબૂદ કરી દીધી. ગુજરાતમાં મોદીનું મોડલ હવે સર્વગ્રાહી બન્યું છે. એટલે પક્ષના પ્રમુખ ભલે સ્વચ્છ અને નિર્મળ છબી ધરાવતા હોય પણ પ્રજા અભણ નથી. એ નીર અને ક્ષીરનો ભેદ સમજે છે. તેમાંય આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી કૉંગ્રેસના મત પણ તૂટવા લાગ્યા છે.
રાજકારણ ખરેખર ફિલ્ડ માર્શલોની ભૂમિ છે, કૉંગ્રેસનો ફિલ્ડ એટલે કે ક્ષેત્ર સાથેનો તાર તૂટી ગયો છે. એકલા ગુજરાતનો જ નમૂનો લો તો ખ્યાલ આવે કે કૉંગ્રેસમાં એક બીજાના કટ્ટર, અર્ધ કટ્ટર અને આંશિક શત્રુઓનો જમેલો જામેલો છે. દર એક કૉંગ્રેસીના હાથમાં બીજાના પગ કાપવાની રૂપાળી કરવત છે. ગુજરાતમાં બે કૉંગીજનો ગાઢ મિત્રો બન્યા એ તો એક દંતકથા બની ગઈ છે. આવા સમયે અશોક ગહેલોતએ ગંભીર બનીને ગાંધી પરિવારના ભાઈ-બહેનને કેડો મૂકીને પક્ષ પ્રત્યેના કર્તવ્ય પર ધ્યાન દેવું જોઈએ.
રાહુલ ગાંધીનો અભ્યુદય તો થયો છે પરંતુ મધ્યાહ્ન સુધી પહોંચવું એમને માટે કઠિન છે. કારણ કે દેશના દરેક રાજયના કૉંગ્રેસના પ્રદેશ માળખામાં પક્ષના જ વિરોધીઓ છે. ઉપરાંત નેતૃત્વનો જંગ તો પંચાયતથી પાર્લામેન્ટ સુધી ચાલુ છે. કૉંગ્રેસ માટે આ આંતરિક જંગ પાર પાડવો એ જ મુખ્ય કસોટી છે. દેશની સ્થિતિ વિશેના કૉંગ્રેસના વારંવારના નિવેદનોનો ચૂંટણી પ્રક્રિયા પર કે લોકમાનસ પર બહુ પ્રભાવ પડતો નથી.
તાજેતરમાં ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ મહાભારતના કૌરવો સાથે નરેન્દ્ર મોદીની સરખામણી કરીને કહ્યું હતું કે, ‘ભાજપ અને ચોકીદાર પાસે હવે ઓછો સમય છે’ પરંતુ રાહુલ ભૂલી ગયા કે સુધારણાઓની જરૂર તો કૉંગ્રેસમાં પણ છે કારણ કે તેમની પાસે તો પણ સમય નહીંવત જ છે !.. હવે જોવાનું રહેશે કે કૉંગ્રેસ અધ્યક્ષનું પદ કૉંગ્રેસ માટે જ કેટલું શુકનવંતુ સાબિત થશે..

Google search engine