વરિષ્ઠ નાગરિકોને ટ્રેન ટિકિટમાં ડિસ્કાઉન્ટ નહીં મળે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

વરિષ્ઠ નાગરિકોને એટલે કે 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રેલ ટિકિટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું. કોરોના કાળમાં આ રાહત પાછી ખેંચવામાં આવી હતી. કોરોનાના કેસોમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયા બાદ પણ આ છૂટ ફરીથી શરૂ કરવામાં આવી નથી. વરિષ્ઠ નાગરિકો અને અન્ય લોકો દ્વારા આ અંગે અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં રેલવે તરફથી કોઇ પ્રતિસાદ મળ્યો નથી.
આ અંગે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોને રેલવે ભાડામાં રાહત આપવાથી સરકારી તિજોરી પર ભારે બોજ પડે છે. તેથી હાલમાં આવી ડિસ્કાઉન્ટ સેવા ચાલુ કરવી ઇચ્છનીય નથી. તેમણે દલીલ કરી હતી કે તમામ મુસાફરો માટે રેલવેના ભાડા ઓછા જ છે. રેલવે તમામ મુસાફરો માટે મુસાફરીના ખર્ચના 50 ટકાથી વધુ ખર્ચ સહન કરી રહી છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોરોનાને કારણે 2019-20ની સરખામણીમાં છેલ્લા બે વર્ષથી રેલવેની આવક ઘણી ઓછી થઇ છે. એવા સમયે ડિસ્કાઉન્ટ આપવાથી રેલવેના આર્થિક સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસર પડે છે. આવી રાહતો આપવાનો ખર્ચ રેલવેને ભારે પડે છે.
રેલવે પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે રેલવેમાં અલગ અલગ ભાડાની શ્રેણી સાથે વિવિધ પ્રકારની ટ્રેન અને બર્થ છે, જેમાંથી વરિષ્ઠ નાગરિકો યોગ્ય વિકલ્પ પસંદ કરી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.